લંડનના સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - યુકેની સ્થાપનાને 4 ઓગસ્ટના રોજ 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ પ્રસંગે હાજરી આપવા માટે અમદાવાદથી આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજી સાથેની ખાસ વાતચીતના અંશોઃ
પ્રશ્નઃ આપણી માતૃભાષાનું મહત્ત્વ શું?
જીવનમાં ઘડતરનું અત્તિ મહત્વ છે. માણસનું ઘડતર માતાપિતા કરે છે, પરંતુ વ્યક્તિત્વનું ઘડતર કરવામાં માતૃભાષા મહત્તમ ભાગ ભજવે છે. માતાપિતાને જે ગુજરાતી ભાષામાં સંસ્કારો મળ્યા છે, તે જ ભાષામાં તે પોતાના બાળકોને સારી રીતે સમજાવી શકે છે.
શાળામાં તો ભણતર શીખવાડવામાં આવે છે, ગણતર તો મા-બાપ જ શીખવાડે. પણ આપણને મનોમન તો એવો ભાર રહે છે કે, વિદેશી ભાષા વિના ઉદ્ધાર જ નથી.
આપણે ભલે વિદેશમાં જઈએ, કામ કરીએ, વિદેશી ભાષા બોલીએ, પણ આપણી માતૃભાષા ગુજરાતીના ગૌરવને ક્યારેય ભૂલશો નહિ. આપણી માતૃભાષાનો વારસો સાચવવાનું ચૂકશો નહીં.
ગુજરાતી ભાષામાં સાહિત્યો વાંચ્યા હોય તો આપણું આત્મબળ વધે, કેટલીક વીરગાથાઓમાંથી પ્રેરણા લઈ આપણને જીવનનો નવો દૃષ્ટિકોણ મળે છે.
એથી પણ વધુ તો... આપણા ધાર્મિક શાસ્ત્રોમાં ભગવાનનાં મુખે બોલાયેલાં શબ્દો એ પણ ગુજરાતીમાં જ છે... તો ગુજરાતી તો આપણાં બાળકોને શીખવવી જ જોઈએ.
બાળકો પોતે સ્વતંત્ર રીતે સારું વિચારી શકે, એવું તમે ઈચ્છતા હોવ તો બાળકને આપણી ગુજરાતી માતૃભાષા અવશ્ય શીખવાડવી જોઈએ કારણ કે, કોયલ પોતાની ભાષા બોલે છે, એટલે તે આઝાદ રહે છે. પોપટ બીજાની ભાષા બોલે છે એટલે જ પિંજરામાં પૂરાય છે.
બસ, માતાપિતાએ નક્કી કરવાનું છે કે તમારે તમારા સંતાનોને પોપટની જેમ પાંજરામાં પૂરવાં છે કે, કોયલની જેમ ખૂલ્લા આકાશમાં ઉંચે ઉડી શકે તેવા બનાવવા છે.
• આજની યુરોપની યુવા પેઢીને શું સંદેશ આપવા માંગો છો?
આજની યુવા પેઢીએ પોઝિટિવ વિચારધારાને અપનાવવાની જરૂર છે. જીવન છે તો સુખ અને દુઃખ બંને આવશે જ... જ્યારે દુઃખ આવે ત્યારે હતાશ ના થવું જોઈએ. રાત્રી પછી દિવસ ઉગે છે, તેમ જીવનમાં દુઃખ પછી સુખ આવે છે. જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે ધીરજ રાખવી જોઈએ. આજકાલ વિદેશોમાં સુસાઈડના કેસ ખૂબ વધી રહ્યાં છે. ઘણાં ખરા લોકો ડિપ્રેશનમાં જીવી રહ્યાં છે. અનેક લોકો કરતાં ખૂબ જ પ્રભાવશાળી જીવનશૈલી, સુખ, સમૃદ્ધિ હોવા છતાં... લોકો મનથી ભાંગી પડેલાં હોય છે. આ બધાનું કારણ છે, તેમની પાસે જે કંઇ પણ છે તેનો તેમને સંતોષ નથી. તેનું મુખ્ય કારણ છે - નેગેટિવિટી.
યુવાપઢીને સંદેશો એટલો જ આપવો છે કે, જીવનનમાં સુખી થવા પોઝિટિવ થિન્કીંગ અપનાવો. તમારાં જીવનમાં આવેલા દુઃખ માટે કોઈ વ્યક્તિ કે સંજોગ જવાબદાર નથી... જો તમે પોતે દુઃખી થવા ઈચ્છો તો જ તમને કોઈ દુઃખી કરી શકે અથવા દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને દુઃખી કરી શકે.
બસ દુઃખના પ્રસંગમાંથી સારું, પોઝિટિવ શું છે તે શોધતાં આવડવું જોઈએ.
‘આવડે મહેકાવતાં તો જિંદગી ગુલઝાર છે,
સમજો તો રોશની, નહિ તો અંધકાર છે.’
સુખ-દુઃખનો હસતાં મોઢે સ્વીકાર કરતાં શીખવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ માટે જ એક સૂત્ર આપ્યું છે કે,
‘ભગવાન રાખે તેમ રહેવું, ને દેખાડે તે જોવું.’
જો આ સંદેશ જીવનમાં ઉતારશો તો તમો સદાય પોઝિટિવ રહી શકશો અને પોઝિટિવ રહેશો તો ક્યારેય ડિપ્રેશનમાં નહિ જાઓ અને સદાય સુખી જીવન જીવી શકશો.
• દેશ-વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું શું પ્રદાન રહ્યું છે?
ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું દેશ અને વિદેશમાં ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વયં સમાજસેવાના કાર્યમાં અગ્રેસર રહેતા. તેમણે પૂર્વનાં સમયમાં જ્યારે વરસાદની અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિ થતી રહેતી ત્યારે વરસાદનાં પાણીના સંગ્રહ માટે કૂવા તથા વાવનાં બાંધકામ કરાવેલ છે. આજે 200 વર્ષ પછી પણ એ જ માર્ગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા હોસ્પિટલો, શાળાઓ, ભોજનાલયની સ્થાપના થયેલ છે અને સ્વામિનાયણ સંપ્રદાય દ્વારા ઠેર ઠેર સ્થપાયેલાં મંદિરો દ્વારા નિયમિત રીતે બાળસભા, યુવાસભા, સત્સંગ સભાનું આયોજન થાય છે. વિદેશમાં પણ આ પ્રવૃત્તિને વેગ આપવા માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને તેમના પ્રથમ પટ્ટશિષ્ય શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી (કુમકુમ મંદિરના સંસ્થાપક) ઈ.સ. 1948માં આફ્રિકા પધાર્યા અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર ને પ્રસાર કરવાનો પ્રારંભ કર્યો.
ઈ.સ. 1970માં મુક્તજીવન સ્વામીબાપા લંડન પધાર્યા અને સારાય યુરોપમાં સત્સંગ સભાઓ યોજી. લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર સભા કરીને તેઓશ્રીએ અંગ્રેજી ભાષામાં પ્રવચન આપીને ભારતીય સંસ્કારોનું સિંચન કર્યું અને અનેકને વ્યસનોથી મુક્ત કરી સદાચારના માર્ગે વાળ્યાં.
આ જ માર્ગે તેમના પ્રથમ પટ્ટશિષ્ય સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પણ ચાલ્યા છે. તેઓ સાત વખત લંડન પધાર્યા અને સૌના જીવનમાં ભગવાનનું પ્રાધાન્ય કેળવાય તે માટે સ્ટેનમોર વિસ્તારમાં મંદિરની પણ સ્થાપના કરી છે. જેથી આજે કેટલાય બાળકો - યુવાનોનું જીવન ભક્તિમય બન્યું છે.
આ મંદિરને 4 ઓગસ્ટના રોજ 11 વર્ષ પૂર્ણ થાય છે તે માટે જ અમો પણ આ શ્રી સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) - યુકેના મહોત્સવ પ્રસંગે આવ્યા છીએ અને 19 ઓગસ્ટ સુધી નિત્ય સત્સંગ સભા કરવાના છીએ. આવી રીતે મંદિરોનું નિર્માણ થવાથી અને સંતોના વિદેશ વિચરણથી આપણા ભારતીય સંસ્કારો સચવાય છે અને તેને પોષણ મળે છે.
• વિદેશમાં કૌટુંબિક સંબધો ના તૂટે તે માટે શું કરવું જોઈએ?
આજની યુવા પેઢી એકબીજાનાં રૂપ, સ્ટેટસ, ભણતર જોઈને પોતાના માટે પરફેક્ટ મેચ હોય એવા લાઈફ પાર્ટનરની તલાશ કરે છે, અને પછી સંબંધ બાંધે છે. પરંતુ ઘણી વખત તે લાંબો સમય ટકતા નથી. એની પાછળનું કારણ છે, બીજું બધું મેચ કરીને સંબધ બાંધવામાં આવે છે, પરંતુ સંબંધ બાંધ્યા પછી સ્વભાવ મેચ કરવાની તૈયારી તેઓ રાખતા નથી. પતિ-પત્ની, પિતા કે પુત્ર, સાસુ કે વહુ એક બીજાની વાત જતી કરવા કોઈ તૈયાર નથી. લેટ ગો શબ્દ તેમની ડિક્શનરીમાંથી જાણે ડિલિટ થઈ ગયો હોય.
જેમ કે, રસ્તામાં ટ્રાફિકમાં સામસામે આવી ઉભેલી બે ગાડીમાંથી એકે તો રિર્વસ ગિયર લગાવીને ગાડી પાછી લેવી પડે ને... તો જ ટ્રાફિકમાંથી છુટાય તેમ આપણે જ્યારે આપણાં પોતાનાં લોકો જોડે તકરાર થાય ત્યારે આપણી પકડેલી વાતને છોડીને, થોડું નમતું જોખીને, લેટ ગો કરીને, રિવર્સ ગિયર લગાવી દઇએ તો આપણી જિંદગીની ગાડી સડસડાટ ચાલે.
તમારી ભાવનાત્મક સમજણ જેટલી વધારે સારી... એટલાં તમે ધાર્મિકતા પર વળી શકશો. શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ પોતે એક મુસલમાન હતા, પણ ભારતની કરોડો હિંદુઓની જનતાનાં તે લાડીલા હતા. કારણ કે, તેઓ એવું જીવન જીવ્યા હતા.
નરસિંહ મહેતા, મીરાંબાઈ તે કોઈ ભણેલા બુદ્ધિશાળી નહોતાં પણ તેમની ધાર્મિક સમજણ જોરદાર હતી. તેઓ ભગવાન ભરોસે જીવતા... તો આજે હજારો લોકોએ તેમના પર પીએચ.ડી. કરેલી છે.
આપણે સહુએ સંપીને રહેવું જોઈએ, જે પરિવારમાં સંપ છે, ત્યાં જ સુખ - શાંતિ અને સમૃદ્ધિનો કાયમી વસવાટ રહે છે.