લંડનઃ ગણેશ ચતુર્થીના પવિત્ર પ્રસંગે ગુરુવાર, ૧૭ સપ્ટેમ્બરે મેટ્રોપોલીટન પોલીસ સર્વિસના વડા મથક ન્યુ સ્કોટલેન્ડ યાર્ડ ખાતે ૨૦૧૫ દિવાલી ઓન ટ્રફાલ્ગર સ્ક્વેરનું લોન્ચિંગ કરાયું હતું. દિવાલી ઈન લંડન કમિટી વતી લોન્ચિંગ કાર્યક્રમના હોસ્ટનું બહુમાન મેટ્રોપોલીટન પોલીસ હિન્દુ એસોસિયેશનને મળ્યું હતું. રંગીન દીપપ્રકાશથી ન્યુ સ્કોટલેન્ડ યાર્ડ ઝળહળી ઉઠ્યું હતું.
૧૧ ઓક્ટોબર, ૨૦૧૫ના મુખ્ય કાર્યક્રમના એક મહિના અગાઉ જ લિરેન સ્ટબિંગ્સ, ઝી ટીવી, લેબારા અને દિવાલી ઈન લંડન કમિટીના સભ્યો સાથે GLA ઈવેન્ટ્સની ટીમના પ્રતિનિધિઓ યુરોપમાં સૌથી મોટા આગામી દિવાળી સ્ટેજ શોની જાહેરાત કરવા એકત્ર થયા હતા. દિવાલી ઈન લંડન કમિટીમાં અકાદમી, આર્ટ ઓફ લિવિંગ, BAPS સ્વામીનારાયણ મંદિર, બ્રહ્મા કુમારીઝ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી યુકે, બ્રાહ્મિન સોસાયટી નોર્થ લંડન, ચિન્મય મિશન, સિટી હિન્દુ નેટવર્ક, ISKCON, નેશનલ હિન્દુ સ્ટુડન્ટ્સ ફોરમ, ઓશવાળ એસોસિયેશન યુકે, સાઈ સ્કૂલ ઓફ હેરો, તેલુગુ એસોસિયેશન લંડન અને વિશ્વ હિન્દુ પરિષદ ઈલ્ફર્ડનો સમાવેશ થાય છે.
મહેમાનોનું સ્વાગત ભારતીય મીઠાઈ લાડુ અને શુદ્ધ શાકાહારી ચોકલેટ સાથે કરાયું હતું. મેટના આસિસ્ટન્ટ કમિશનર માર્ટિન હેવિટ, લંડનના મેયરની ઓફિસના લિરેન સ્ટબિંગ્સ, ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર હિન્દુઝના અધ્યક્ષ અને સાંસદ બોબ બ્લેકમાન, કેરાલા ટુરિઝમના પ્રતિનિધિ પ્રદીપ પ્રથાપ, મેટ પોલીસ હિન્દુ એસોસિયેશનના ડેપ્યુટી ચેરમેન અને ૨૦૧૫ દિવાલી ઈન લંડન કમિટીના અધ્યક્ષ સત્ય મિન્હાસ દ્વારા દીપ પ્રટાવી લોન્ચિંગ કરાયું હતું. આ સમયે DAC હેલન બાલ અને કમાન્ડર સાન્દ્રા લૂબી પણ ઉપસ્થિત હતાં. ગણેશજી, રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓને પુષ્પહાર કરાયા પછી ઈસ્ટ લંડનની ૨૦ વર્ષીય યુવતી રાધિકા દાવડાએ ભગવાન ગણેશ અને ભગવાન રામના ભજન ગાયાં હતાં.
અરુણિમા કુમાર ડાન્સ કંપની દ્વારા દિવાળીના વારસાનું ચિત્રણ કરતા ‘સત્યમેવ જયતે’ શાસ્ત્રીય ડાન્સ પરફોર્મન્સની રજૂઆત કરાઈ હતી. આ નૃત્યમાં અરુણિમા કુમાર, અર્ચના પટેલ, પ્રાંજુલા સિંહ, રંજિથા ચોવાલુર અને શ્રાવણી વેટ્ટુકુરીએ ભૂમિકા ભજવી હતી. આ પછી તમામ લોકોએ સ્વાદિષ્ટ શાકાહારી ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
આ વર્ષના દિવાલી ઓન ટ્રફાલ્ગર સ્ક્વેર કાર્યક્રમમાં બાળકોની દિવાળી પરેડ, ગરબા નૃત્ય, ભારતીય શાકાહારી વ્યંજનો, યોગ, ડાન્સ વર્કશોપ સહિતનો સમાવેશ થાય છે. કમિટીએ લોન્ચિંગમાં સહકાર આપવા બદલ પ્યોર હેવન, સનમાર્ક અને રાજભોગ કેટરિંગ અને ફોટોગ્રાફર પ્રકાશ રાધાકૃષ્ણનનો વિશેષ આભાર માન્યો હતો. વધુ માહિતી માટે વેબસાઈટો www.london.gov.uk/get-involved/events/diwali-2015અને www.diwaliinlondon.com ની મુલાકાત લઈ શકો છો.
(ફોટો સૌજન્યઃ પ્રકાશ રાધાકૃષ્ણન, સ્કાયલિફ્ટ ઈમેજીસ)