જરૂરતમંદને વિનામૂલ્યે ફ્લેટ!

Wednesday 08th February 2017 05:19 EST
 
 

લંડનઃ માર્કો રોબિન્સન આજે બ્રિટનના જાણીતા કરોડપતિ છે, અને દુનિયાભરમાં ૧૫૦ મિલકતો ધરાવે છે. જોકે તેઓ બાળપણમાં જોયેલા ગરીબીના દિવસો આજેય ભૂલ્યા નથી. બાળપણમાં ગરીબીના કારણે તેમણે અનેક રાતો બગીચાના બાંકડે વીતાવી હતી. આથી જ તેઓ ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે સમાજસેવા કરી પોતાના જેવા સ્ટ્રગલરને વિનામૂલ્યે એપાર્ટમેન્ટ આપવા માગે છે.
તેઓ એક જરૂરતમંદને પ્રેસ્ટનમાં ત્રણ બેડરૂમનો ફૂલ ફર્નિશ્ડ ફ્લેટ આપશે, જેની બજારકિંમત ૧.૨૦ લાખ પાઉન્ડ છે. માર્કોએ આ માટે જાહેરખબર આપીને જણાવ્યું હતું કે જે કોઈ પણ ફ્લેટ મેળવવા માગતું હોય તે ત્રણ સપ્તાહમાં અરજી કરી શકે છે. માર્કો એક વ્યક્તિ કે પરિવારને પસંદ કરશે. ફ્લેટ મફતમાં આપશે એટલું જ નહીં, પરંતુ જરૂર પડ્યે ટેક્સની રકમ પણ પોતે ચૂકવતાં રહેશે. અરજી કરવા માટે માર્કોએ કોઈ મોટી શરતો રાખી નહોતી. ૧૮ વર્ષ કરતાં મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિને અરજી કરવા છૂટ હતી. માર્કો કહે છે કે ફ્લેટની ઇચ્છા ધરાવનારા તો ઘણા મળી જશે, પરંતુ તેમાંથી કોઈ એકની પસંદગી મોટો પડકાર છે. માર્કો કહે છે કે માથે છત ન હોવાની પીડા મેં બાળપણમાં અનેક વખત અનુભવી છે. તેથી હું કોઈ એક પરિવારને પીડામુક્ત કરવા માગું છું. તેના થકી કદાચ હું મારી ગરીબીનું ઋણ ચૂકવી શકીશ. 

બાળપણમાં ઘર ન હોવાને કારણે માર્કો અને તેમની માતાએ અનેક તકલીફો વેઠી હતી. માર્કો ભણતર પૂરું ન કરી શક્યા. ૧૫ વર્ષની ઉંમરે તેમણે ભણવાનું છોડીને મજૂરી શરૂ કરી હતી. ત્યાર બાદ તેમને સેલ્સમેનની નોકરી મળી. હવે તેઓ પ્રોપર્ટી નિષ્ણાત તરીકે ઓળખાય છે. દુનિયાભરમાં તેમની પાસે ૧૫૦ કરતાં વધારે મિલકત છે. એટલું જ નહીં, પ્રોપર્ટી સેક્ટરમાં તેમનાં પુસ્તકો બેસ્ટ સેલર માનવામાં આવે છે. 

માર્કો જે ફ્લેટ મફતમાં આપવાના છે તે સંપૂર્ણ ફર્નિશ્ડ છે. ત્રણ બેડરૂમના પ્લેટમાં એરકંડિશનર, વોશિંગ મશીન, ડબલ બેડ સહિતની સુવિધા છે. ફ્લેટમાં અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું મોડ્યુલર કિચન પણ બનાવવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter