આપને તથા સૌ કાર્યકર મિત્રોને નવું વર્ષ હર પ્રકારે ઉમંગ, ઉત્સાહ અને ઉત્કર્ષમાં ઉમેરો કરે એવી સદ્ભાવના સ્વીકારશો.
નવું વર્ષ આવે છે આંગણે, આવો તેને વધાવીએ
સમરી મંત્ર એકતાનો હૃદયમાં, પ્રેમની જ્યોત જગાવીએ
કામ ક્રોધ અને લોભ મોહના, દોષ મૂળથી ઉખાડીએ
આધી વ્યાધિના દુ:ખ ન આવે, મનને દ્રઢ બનાવીએ
સુખી અને સમૃદ્ધ રહો સહુ, એવા વેણ ઉચ્ચારીએ
સમગ્ર હિન્દુમાં સંપ વધે તે, કર્મ તરત અપનાવીએ
ભરતભાઈ કોરીઆ, થોર્નટન હીથ
000000000૦૦૦૦૦૦૦
ગુજરાત રાજ્ય માટે ખાસ દારુની પરવાનગી
દારૂ માટેની પરવાનગી (પરમીટ) ૨૦૧૨ની સાલ સુધી ઈન્ડિયન હાઈ કમિશન ૬ મહિના માટે મફત આપતું હતું. કયા કારણસર આ સગવડ બંધ કરાઇ તેનો કંઈ ખુલાસો કરાતો નથી. હવે કહેવાય છે કે આ પરમીટ એક મહીના માટે હવાઈમથક પર ઉતરતી વખતે મળશે.
પરંતુ હવાઈમથક પર લીકર પરમીટની ઓફીસ ૨૪ કલાક ખુલ્લી રહેતી ન હોવાથી વૃધ્ધ મુસાફરોને અનહદ તકલીફ પડે છે. જો તમે લંડન અથવા દુબઈથી ડ્યુટી ફ્રી, દારુ લીધો હોય તો અમુક વખત અમદાવાદ હવાઈમથક પર સત્તાવાળાઓ તમારી પાસે પરમીટ ન હોવાથી તે જપ્ત કરી લે છે. આ એક જાતની હેરાનગતી છે.
આ ઉપરાંત અમદાવાદ કે ગુજરાતમાં કોઈપણ શહેરમાં જઈએ દારુની દુકાનમાં તો ફક્ત એક જ મહિનાની પરમીટ મફત આપે છે. પછી તમારે દારુબંધી દફ્તરમાંથી પૈસા દઈને પરમીટ કઢાવવી પડે છે.
ગુજરાત સરકાર પરદેશમાં રહેલા હિંદીઓ ગુજરાતની મુલાકાત લે તે માટે પ્રખંડ પ્રચાર કરે છે, પરંતુ દારુની પરમીટ માટે ખાસ તો વૃધ્ધોને કેટલી તકલીફ પડે છે તેનો ખ્યાલ કરતી નથી.
'ગુજરાત સમાચાર' આવા સળગતા સવાલોની સમીક્ષા કરી બીજા વાંચકોના પણ વિચારો જાણી આ પરત્વે યોગ્ય પગલાં લેશે તો વડીલોના વિશેષ આશીર્વાદ મળશે.
- અરવિંદભાઈ દવે, નોર્બરી
000
માના માતૃત્વને કલંક
'મા' જે સ્નેહ, મમતા, સદ્ભાવનાની મંગલમૂર્તિ અને પ્રેમનો મહાસાગર છે તે 'મા' અતી નીચ કામ કરી શકે? 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'માં જ્યારે વાંચ્યું કે એક માએ પોતાના ૩ વર્ષના કૂમળા બાળકને ઢોર માર મારીને મારી નાંખ્યો અને તે મૃત બાળકને બેગમાં મૂકીને દૂર જંગલમાં ફેંકી આવી અને ઢોંગ કર્યો કે મારું બાળક ગુમ થયું છે. પોલીસોએ ચારેકોર બાળકને શોધવા અથાક પ્રયત્નો કર્યા અને છેલ્લે તે નિર્દય માએ કહ્યું કે તેણે તો તેના બાળકને મારી નાંખીને છૂપાવ્યું છે. છી આવી નીચ હરકત!
કળિયુગમાં ઈન્સાન કરતા પશુ બહેતર છે. ધિક્કાર છે કે આવી કેટલી 'મા'એ આ દેશની ધરતી 'મા'ના મમતાના ગળા ઘૂંટ્યા છે અને આવી કલંકીની 'મા'એ માતૃત્વનું ખૂન કરીને 'મા'ની મમતાને લજવી છે.
- સુધા રસીક ભટ્ટ, બેન્સન
૦૦૦૦૦૦૦
મારૂ અનેરૂ 'ગુજરાત સમાચાર'
આપના તરફથી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' દર શુક્રવારે સમયસર મળી જાય છે. દરેક સમાચાર વિગતવાર વાંચીને ખૂબ જ સંતોષ થાય છે. 'ગુજરાત સમાચાર'ના ગ્રાહકો અને વડીલો સમાચારો વાંચીને ખૂબ જ આનંદ સાથે સંતોષ અનુભવે છે.
દરેક ધાર્મિક પ્રોગ્રામ અને નવરાત્રિના ગરબા રાસ અને સ્થળો, ફોટાઓ સાથે ગરબાના ગીત-ભજનોનો સમાવેશ કરીને જણાવો છો તેથી વિશેષ આનંદ પ્રાપ્ત થાય છે.
આપણા સર્વેના લાડીલા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા. આપણા સેવાભાવી શ્રી સી.બી.એ પણ ત્યાં જઇ તન-મનની લાગણી બતાવી. નરેન્દ્ર મોદીએ ભારત પ્રત્યેની લાગણી બતાવી અને આપણા ગુજરાતી, ઈન્ડિયાની કોમ્યુનિટીની યાદ કરીને તન-મન-ધનથી લાગણી બતાવીને પોતાના અમૂલ્ય સમયનો ભોગ અને સદુપયોગ કર્યો છે.
આપણા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના વિસ્તારપૂર્વક સમાચાર ફક્ત 'ગુજરાત સમાચાર'માં ફોટા સાથે દરેક વાંચ્યા જ હશે.
- પ્રભુદાસ જે. પોપટ, હંસલો
૦૦૦૦૦૦૦૦૦૦૦
ન.મો.ની અમેરિકાની મુલાકાત
ન.મો.એ અમેરિકાની રાજદ્વારી મુલાકાત બીજા નેતાઅોની સરખામણીએ જરા હટકે હતી તેમ કહું તો અતિશયોક્તિ નહીં લાગે. અમેરિકાની ધરતી પર ન.મો. નામના ગુજરાતી સિંહની એક ઝલક પામવા માટે અને લોકપ્રિય ભારતીય રાજનેતા સાથે હસ્તધૂનન કરવા માટે કલાકો સુધી કાગડોળે ભારતીય અમેરિકનો રાહ જોઈ રહે તે એક ઐતિહાસિક ઘટના છે. અને દરેક ભારતીયો માટે ગૌરવની વાત છે.
ન.મો.એ હોટેલની બહાર આવીને જોયું તો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. કોઈ શંખનાદ કરી રહ્યું હતું તો કોઈ 'હર હર મોદી' તો કોઈ 'મોદી... મોદી..'ના નારા ગૂંજવી રહ્યા હતા. જાણે કે અમેરિકા મોદીમય બની ગયું હતું. અમેરિકામાં મોદી છવાઈ ગયા હતા.
ન.મો. તરફી આવા લાગણીસભર દ્રશ્યો ટી.વી. ઉપર નિહાળ્યા પછી મારો અંતરાત્મા બોલી ઊઠે છે કે લોકપ્રિયતા કે પ્રતિષ્ઠા ક્યાંય કોઈ દુકાનમાં વેચાતી નથી મળતી કે કોઈની આપી અપાતી નથી. એ તો કર્તવ્યપાલનમાંથી સ્વાભાવિક રીતે નિપજનારું તત્વ છે અને એ જ સાચી પ્રતિષ્ઠા છે.
- નવનીત ફટાણિયા, હેનવેલ
૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦
ચાતક નજરે રાહ
'ગુજરાત સમાચાર' દિનપ્રતિદિન વધારે ને વધારે રસપ્રદ બનતું જાય છે. તેને માટે શ્રીમાન સી.બી. પટેલ, કમલ રાવ તથા તમારી પૂરી ટીમને ધન્યવાદ આપું છું.
દર અઠવાડિયે ચાતક નજરે 'ગુજરાત સમાચાર'ની રાહ જોઈએ છીએ. અમને બન્ને પેપર હંમેશા સમયસર મળી રહે છે. સી.બી. પટેલના 'જીવંત પંથ' લેખ ઘણા રસપ્રદ હોય છે. સૌને અભિનંદન.
- સૂર્યકલા શાહ, ન્યુ બાર્નેટ
૦૦૦૦૦૦૦૦
સ્વચ્છ ભારત અભિયાન
ગાંધી જયંતિના દિવસે વડા પ્રધાન જાતે ઝાડુ પકડીને કચરો વાળ્યો. સમગ્ર દેશના નાગરિકો વડા પ્રધાનને ટેકો આપવા સ્વચ્છતા પાછળ દર સપ્તાહે બે કલાક ગાળે તો પાંચ વર્ષમાં ભારત સંપૂર્ણ સ્વચ્છ બની શકે. આપણે બધા સાથે મળીને દેશને નવી ઊંચાઈએ પણ પહોંચાડીએ. સદીઓ જૂના કાયદાની પણ સફાઈ કરી શકાશે.
અવાજ, ધૂમાડા, રજકણો વગેરેનું પ્રદૂષણ, સર્વના સ્વાસ્થ્ય માટે ઘણું ખતરનાક છે.
વૈજ્ઞાનિકોએ મંગળયાનનું કપરામાં કપરું કામ સફળ કર્યું તો આપણે દેશને સ્વચ્છ બનાવવાનું અને રાખવાનું અભિયાન સફળતાપૂર્વક ગતિમાન રાખીએ. આપણા સંતાનો, સગાં-સંબંધીઓને પહેલથી સારા સંસ્કાર શીખવીએ અને બધા પોતે આચરણમાં મૂકે સ્વચ્છતા જળવાશે. સંસ્થાઓ આ કામમાં ઘણી મદદ કરી શકે. ગમે ત્યાં થૂંકવાનું - પાનની પિચકારીઓ મારવાનું ભૂલવું જોઈએ. સંડાસની સગવડ જ્યાં છે ત્યાં પણ રોજ સરખી સફાઈ કરાવવાનું ધ્યાન રખાતું નથી. બિલ ગેટ્સની મહેરબાનીથી આખા દેશમાં સસ્તાં સંડાસ બની જાય તો સ્વચ્છતા અભિયાન સફળ નીવડે.
વિકસીત દેશો પાસેથી આપણે ઘણું શીખવાનું છે. બેહદ વધેલી વસ્તીમાંથી ઘણાને ખાસ પ્રકારની તાલીમ આપીને અસંખ્ય કામો કરાવી શકાય. દેશને ગુમાવેલી સંસ્કૃતિ, સભ્યતા, સામાજિક વિકાસ ઉપલબ્ધ કરાવી ચારિત્ર વગેરેનું ઘડતર કરવાની તાતી જરૂર છે.
- ડો. આર.પી. પટેલ, વડોદરા
૦૦૦૦૦૦૦૦૦
સાંભળો છો?
૧૯૪૭થી શું થઈ રહ્યું છે. ૬.૫૦ અબજનો ખર્ચ કરી આપણને ગમતા કે અણગમતા ચીન-પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અન્ય પાડોશીઓથી બચવા ખર્ચ કરીને ખોખલું જીવન ભારતીયો વિતાવી રહ્યા છે. ખુમારી શબ્દ જાણે કે ખોવાઈ ગયો છે. ગલુડીયા ધમકાવે, ડરાવે ક્યાં સુધી? ભારતના પ્રધાનમંત્રી જાગે અને દેશ માટે સેવા કરતાં જવાનોને આદેશ આપે કે ભારત માતા માટે હવે કંઈક કરો. જવાહરલાલથી આજદીન સુધી અબજો રૂપિયાનું આંધણ આ પાકિસ્તાને કરાવ્યું છે. દેશની આગેકૂચમાં ઘણી જ અડચણો ઊભી કરી છે. ઈઝરાયલ જેવું કરો. તમારા ઘરમાં તોપમારો કરે તો પણ નેતાઅો કહેતા કે જવાબ આપીશું. હવે હદ આવી ગઈ છે. આ પાર કે પેલે પાર. હવે સહનશીલતા પૂરી થઈ ગઈ.
ન.મો. હવે કંઈ સખ્ત કદમ ઊઠાવે. પાકતિસ્તાનને બોધપાઠ આપે. જડમૂળમાંથી રોગ કાઢવો જરૂરી છે. હાલ સમય છે. ઠોસ કદમ ઊઠાવો.
- શરદચંદ્ર છોટાલાલ રાવ, લેસ્ટર
000000000
ટપાલમાંથી તારવેલું
* સાઉથ ફિલ્ડઝથી દિનેશ માણેક જણાવે છે કે 'ગુજરાત સમાચાર' નિયમિત મળી જાય છે અને વાંચનામૃત જરૂર સંતુષ્ટી સાથે આનંદ આપે છે. નિયમિત સાપ્તાહિક વાંચું છું અને બસ આનંદ ઉર સમાવું છું. આપ સર્વેની અથાક મહેનત અને કામની ધગશ ખરેખર દાદ માગી લે છે. અભિનંદન.
૦૦૦૦૦