દર વરસે ચોમાસામાં જાતજાતનાં જંતુઓને કારણે ઈન્ડિયાના માણસોને જાતજાતની બીમારી થતી હોય છે, પરંતુ આ વખતે જરા ઊંધું બન્યું છે! ઈન્ડિયાના માણસોના સંસર્ગમાં આવવાને કારણે જંતુઓની જમાતમાં કેટલીક ‘માણસિક’ બીમારીઓ ફેલાઈ છે!
મચ્છરોનો રોગ
ચારેતરફ સારો વરસાદ થવાને કારણે દવા બનાવનારી કંપનીઓના માલિકો મૂડમાં આવી ગયા છે, ડોક્ટરો પણ ખુશ છે, કારણ કે આ વખતની ‘સીઝન’ સારી છે! આવા આનંદના સમયે એક શાનદાર બંગલામાં ફોનની ઘંટડી વાગે છે.
‘હલો? કોણ બોલો છો?’
‘હું મચ્છર બોલું છું!’ સામે છેડેથી તીણો છતાં તમતમતો અવાજ આવ્યો. ‘મારે દવા બનાવતી કંપનીઓના એસોસિયેશનના પ્રમુખ સાથે વાત કરવી છે.’
‘એ પ્રમુખ હું જ છું. બોલો શું છે?’
‘જરા ધ્યાનથી સાંભળો, હું મચ્છરોનો યુનિયન લીડર બોલું છું!’ મચ્છરે કહ્યું.
‘હેં? મચ્છરોએ યુનિયન લીડર ક્યારથી બનાવ્યો?’
‘જ્યારથી અમે યુનિયન લીડરોનું લોહી પીધું ત્યારથી!’ મચ્છરે રોફથી કહ્યું, ‘આ સીઝનમાં તમારે લોકોએ એકલાં એકલાં જ કમાવાનું છે?’
‘એટલે? હું સમજ્યો નહીં.’ પ્રમુખસાહેબ ગભરાયા.
‘આ દેશમાં લોકોને ચટકા ભરી ભરીને મેલેરિયા કોણ ફેલાવે છે? અમે લોકો! રાતના લોકોની ઊંઘ હરામ કોણ કરે છે? અમે લોકો! તમારી ક્વિનાઈનની ગોળીઓ, મચ્છર અગરબત્તી, જાત જાતની મેટો અને શરીરે લગાડવાનાં ક્રીમ કોને લીધે વેચાય છે? અમારે લીધે!’
‘તો?’
‘તો શું? ચૂપચાપ તમારી કમાણીના ત્રીસ ટકા અમારી યુનિયનની ઓફિસે આવીને જમા કરાવી જાવ, નહીંતર આખા દેશના મચ્છરો હડતાલ પર ઊતરી જશે, સમજ્યા?’
માખીઓની બીમારી
‘અલી ઓ મેઘના માખી! ઓ મેઘનાડી! ક્યારનીય આ છાણના સૂકા પોદળા પર બેઠી બેઠી શું કરે છે?’
‘મણિમાખી, આ તો ગાયના છાણનો પોદળો છે. બહુ ગુણકારી કહેવાય! આની સૂકી પોપડીના પડમાં સોય ખોસીને તેનો રસ પીવાથી ત્વચા ઊજળી થાય છે, પાંખો સુડોળ થાય છે અને ચાલમાં લચક આવે છે!’
‘બળ્યો એ છાણનો પોદળો! મને તો જરાય નથી ભાવતો. ચાલ આપણે મીઠાઈની દુકાને જઈને જલસા-પાણી કરીએ.’
‘ના હોં, મણિમાખી! મેં તો મીઠાઈઓ ખાવાની બંધ કરી છે.’
‘કેમ મેઘના? માખી થઈને ડાયાબિટીસથી ડરે છે?’
‘હોતું હશે? પણ મણિમાખી, તમને ખબર છે? મીઠાઈ, સાકર, ગોળ, આઈસ્ક્રીમ, કેળાં આવું બધું ખાવાથી આપણું ફિગર બેડોળ થઈ જાય! ચરબી વધી જાય.’
‘તે તારે ફિગર સાચવીને શું કરવું છે?’
‘લો, તમને ખબર નથી? આવતા અઠવાડિયે આપણી સોસાયટીમાં ‘મિસ ઉકરડા’ બ્યુટી કોન્ટેસ્ટ છે! જોજો ને? હું જ ફર્સ્ટ આવવાની છું!’
દાંતના કીટાણુઓની સમસ્યા
‘કીટાણુઓં કા હમલા! દાંતના કીટાણુઓના સરદારે ગર્જના કરી, ‘ભાઈ, દાંત ઉપર વધુ એક હુમલો કરવા માટે તૈયાર થઈ જાઓ!’
પણ બાકીના બધા કીટાણુઓ મોઢું કટાણું કરીને બેસી જ રહ્યા. કીટાણુઓનો સરદાર કહે, ‘સચ્ચા ફાઈટર હંમેશા લડતા રહતા હૈ. ચાલો ચાલો, લડવું નથી?’
‘ક્યાંથી લડે?’ એક કીટાણુ સોગિયું ડાચું કરીને બોલ્યો, ‘આ નવી ટૂથપેસ્ટોએ દાટ વાળી નાખ્યો છે.’
‘કેમ શું થયું?’
‘એક ટૂથપેસ્ટ કીટાણુઓ સે લગાતાર લડતી રહતી હૈ! અને હમણાં બીજી એક નીકળી છે તે બારહ ઘન્ટે તક લડતી રહતી હૈ!’
‘અરે એ તો બધી વાતો છે!’ કીટાણુઓનો સરદાર હસવા લાગ્યો, ‘માણસ બે મિનિટ બ્રશ કરે એમાં બારહ ઘન્ટે લડે એવી ટૂથપેસ્ટ ક્યાંથી આવી જવાની?’
‘પણ અમારી બૈરીઓ એ બધી જાહેરખબરો જોયા કરે છે તેનું શું?’ કીટાણુ બોલ્યો, ‘આ નવી ટૂથપેસ્ટોનો સ્વાદ ચાખ્યા પછી અમારી બૈરીઓ અમારી સાથે જ લગાતાર લડતી રહતી હૈ!’
દેડકાઓનો વાવર
આ ચોમાસામાં જંતુઓ અને કીટાણુઓને જ રોગ થયા છે એવું નથી. કેટલાક દેડકાઓમાં પણ નવી જાતનો વાવર ફેલાઈ રહ્યો છે.
એક જાડિયો દેડકો હંમેશા ગળું ફુલાવીને જ ફર્યા કરતો હતો. તેને જોઈને બીજા એક દેડકાએ પૂછ્યું, ‘કેમ અલ્યા? ચોવીસેય કલાક ગળું ફુલાવીને શેનો ફર્યા કરે છે?’
જવાબમાં જાડિયો દેડકો વીફર્યો, ‘એય! અપૂન સે પંગા નંઈ લેને કા! જાનતા હૈ? અપૂન અન્ડરગ્રાઉન્ડ સે આ રૈલા હૈ!’
‘અન્ડરગ્રાઉન્ડમાં તો બધા દેડકા રહેતા હોય છે! એમાં તેં શી ધાડ મારી? બે મિનિટ માટે તો ગળું ફુલાવ્યા વિના બોલ. કે પછી ગળામાં ગાંઠ-બાંઠ નીકળી છે કે શું?’
‘એય!’ જાડા દેડકાએ રુઆબ કરતાં કહ્યું, ‘સાંઠ-ગાંઠ કી બાત નંઈ કરને કા, ક્યા? અપુન કા ઉપર તક પહેચાન હૈ! સમઝા ના?’
‘ઠીક છે, ઠીક છે. પણ એમાં આટલું બધું ગળું શાનો ફુલાવે છે?’
‘વો ક્યા હૈ, અપૂનને એક બ્લેક કોબ્રા નામ કે સાંપ કો મારને કા સુપારી લીયેલા હૈ!’ જાડિયા દેડકાએ ખુલાસો કર્યો, ‘પન પ્રોબ્લેમ ક્યા હૈ કે સુપારી અપને ગલે મેં ચ અટક ગયેલા હૈ!’
•••
લ્યો, હાલો ત્યારે! ઈન્ડિયામાં આવો તો અમારાં જીવ-જંતુઓ ઠીક, પણ અમારા દેશી માણસુંના ચેપથી બચતા રહેજો. બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયા બધા ઓલરાઈટ છે!