આ તે કેવો સવાલ છે? અંતિમ યાત્રાની તૈયારી કરી છે ખરી? જી હા, આપણે આમ તો આપણા પતિ-પત્ની, બાળકો, પરિવારજનો માટે જીવનભર વિવિધ જાતના આયોજનો કરી તેમને કદી કોઇ મુશ્કેલી ન પડે તે માટે સતત તૈયારીઅો કરતા હોઇએ છીએ. પણ કદી આપણે પોતાનું મૃત્યુ થશે તો તેવા સંજોગોમાં પરિવારજનો માટે શું કરવું તેની કદી તૈયારી કરી છે ખરી? હું તો કહું છું કે આ માટે ૯૫-૯૭% લોકોએ તો વિચાર સુધ્ધા કર્યો નહિ હોય.
થોડા આંકડા જોઇએ તો ખબર પડશે કે યુકેમાં કેટલા બધા લોકો વૃધ્ધ થઇ ચૂક્યા છે. મળેલા સત્તાવાર આંકડાઅો મુજબ યુકેના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ૫૦ વર્ષ કરતા વધુ વયના લોકોની સંખ્યા દેશની વસતીના ૬૬% કરતા વધી ગઇ છે. એમાંના ૧૪ મિલિયન લોકો તો એવા છે જેમની વય ૬૦ કરતા પણ વધારે છે અને ૯૦ વર્ષ કરતા વધુ વયના લોકોની સંખ્યા ૫ લાખ કરતા વધારે છે. પરંતુ કમનસીબે કહેવું પડે છે કે દર વર્ષે ૧૩૦,૦૦૦ લોકોને કેર હોમમાં રહેવા જવું પડે છે. આજે જે બાળકો જન્મે છે તે દર ત્રણ બાળક દિઠ એક બાળક તો ૧૦૦ કરતા વધારે વર્ષ જીવવાનું છે.
મિત્રો અહિં છ આસાન મુદ્દાઅોની ટૂંકમાં છણાવટ કરવામાં આવી છે જે આપના જીવનની પૂંજીનું રક્ષણ કરશે અને આપે જેના માટે જીવનભર મહેનત કરી બચત કરી છે તેમના જીવનને વધુ આસાન કરશે.
(૧) વિલ: અનબાયસ્ડ નામની વેબસાઇટે કરેલા સર્વે મુજબ જેમને ૧૮ વર્ષ કરતા નાના બાળકો છે તેવા ૬૬% લોકોએ વિલ કર્યું હોતું નથી. જેમણે વિલ કર્યું હોતું નથી તેમના કેસમાં તેઅો ઇનહેરિટન્સ એક્ટ મુજબ પોતાના પત્ની અને બાળકોને મહદઅંશે વારસો આપી શકે છે પરંતુ તેમના ભૂતકાળના પત્ની, સાથીદાર કે પછી મનપસંદ ચેરીટીને તેમના વારસામાંથી કશું મળતું નથી. વળી જો તમારી મિલ્કત ખૂબ મોટા પ્રમાણમાં હોય તો વિલ વગર આયોજનના અભાવે સરકાર પાસે પણ મિલક્ત જતી રહે તેવી શક્યતાઅો છે. માટે પહેલું કામ વિલ બનાવવાનું કરવું જોઇએ.
(૨) પાવર અોફ એટર્ની: ઘણા લોકો પાસે તેમના ખુદના ધાર્યા કરતા વધારે પૈસા હોય છે. પેન્શન, વિમા પોલીસી વગેરે. જ્યારે તમે જ દુનિયામાં ન હો ત્યારે પાવર અોફ એટર્ની વગર આ બધી આંટીઘૂંટી પરિવારજનો માટે મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં જ્યારે તમે ઉંમરલાયક હો અને બીમાર પડો ત્યારે તમે સુયોગ્ય નિર્ણય લઇ શકો તેમ ન હો તો તમે જેના પર ખૂબ ભરોસો કરતા હોય તેવી પરિવારની વ્યક્તિ કે નિકટના મિત્ર તમારા એક્્ઝીક્યુટર બની મિલ્કત વેચાણ કે અન્ય પ્રશ્નો હલ કરી શકે છે.
(૩) ઇનહેરિટન્સ ટેક્સ: કાયદા મુજબ જો તમારા મકાન, સંપત્તી દાગીના કે બચતની કુલ રકમ £૩૨૫,૦૦૦ કરતા વધતી હોય તો તમે ન હો ત્યારે તે રકમના ૪૦% રકમ ટેક્સ પેટે સરકારને આપી દેવી પડે. અત્યારે જે રીતે ઘરની કિંમતો વધે છે તે જોતા આ રકમના દાયરામાં સૌ કોઇ આવી જાય. આવા સંજોગોમાં ઇનહેરિટન્સ ટેક્સનું આયોજન સૌ કોઇએ પહેલાથી જ કરી લેવું જોઇએ.
( ૪) સારસંભાળનો ખર્ચ: કાલ કોણે જોઇ છે? આજે આપણે સ્વસ્થ દેખાતા હોઇએ પણ સામાન્ય બ્લડ પ્રેશરની બીમારીથી આપણને સ્ટ્રોક આવી શકે છે. આવા સંજોગોમાં આપણી સારવાર, સેવા-સુશ્રુષા જોખમી અને ખૂબજ ખર્ચાળ બની જાય છે. ધ એસોસિએશન અોફ બ્રિટીશ ઇન્સ્યુરરના જણાવ્યા મુજબ ૬૫ કરતા વધુ વયના ૭૫% લોકોને તેમના પાછળના જીવનમાં સેવા-સારવારની જરૂર અચૂક પડે છે. આજના દરે જો કેરહોમમાં રહેવાનું આવે તો પ્રતિવર્ષનો ખર્ચો £૨૮,૫૦૦ જેટલો હોય છે અને જો નર્સિંગ કેર જોઇતી હોય તો તે રકમ £૩૭,૫૦૦ સુધી પહોંચે છે. જ્યારે લંડનમાં આ ખર્ચો £૪૨,૯૦૦ સુધી પહોંચે છે. હવે વર્ષે આટલો ખર્ચો કોને પોસાય? હવે આજના દરે જો તમારી સંપત્તી £૨૩,૨૫૦ કરતા વધારે હોય તો સરકાર તમારી સેવા કરવા ટકો પણ આપશે નહિં. હવે આની ચિંતા કરવાની કોણે? અપણે પોતે જ ને!
(૫) આવક ઉભી કરો: આપણને રખેને આવી કોઇ તકલીફ થાય તો? આવા સંજોગોમાં સરકારી લાભ પણ ધાર્યા કરતા વધારે મળી શકે છે. જે રોકાણો કર્યા છે તેની પૂરેપૂરી રકમ આપણને મળે તે જરૂરી છે. પેન્શનની રકમ પણ આપણને મળી શકે તેમ હોય છે. આપની મિલક્તો સામે પણ આપણને ઇક્વીટી લોન મળી શકે તેમ હોય છે.
(૬) જીવનનો અંતિમ દિવસ: આજના અાંકડા મુજબ એવરેજ ફ્યુરનલનો ખર્ચો £૩૫,૦૦ જેટલો હોય છે. આપણે ફ્યુરનરલનો વિમો પણ લઇ શકીએ છીએ.
અને સૌથી છેલ્લે આપણે ન હોઇએ ત્યારે આપણા એક્ઝીક્યુટર પ્રોબેટ મેળવીને બધી મિલક્તોનો તેમજ દેવાનો સરવાળો માંડે છે અને ટેક્સ રીટર્નની તૈયારી કરીને આપણી મિલ્કતોની વહેંચણી માટે પ્રોબેટની રજીસ્ટ્રેશનની વિધી કરે છે અને આ બધા ખર્ચા ચૂકવ્યા બાદ મિલ્કતની સોંપણી કરે છે. આ બધી વિધી ખૂબજ મહેનત માંગી લે તેવી છે અને બધુ આસાનીથી પતે તે માટે ઉપર જણાવી છે તે ૬ મુદ્દાઅોને લષમાં રાખે તે જરૂરી છે.