વાચક મિત્રો,
આપણા સમાજમાં કહેવાતી કેટલીક વધુ મહત્વની સંસ્થાઅોમાં બંધારણને જે રીતે તોડી મરોડીને નીતિરીતિ આચરવામાં આવે છે તેની જાણ આપ સૌને થવી જ જોઇએ અને આવી સંસ્થાઅો અંગે આપના અભિપ્રાયોને પણ અપણા સમુદાય સમક્ષ રજૂ કરવા જોઇએ તે ઇરાદે અત્રે એક ખૂબજ ગંભીર છતાં રસપ્રદ માહિતી આજે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છુ.
મિત્રો, હું 'ગુજરાત સમાચાર' સાથે સાડા નવ વર્ષથી ન્યુઝ એડિટર તરીકે સંકળાયેલો છું. એ અગાઉ સુરતથી પ્રસિધ્ધ થતા 'ગુજરાત મિત્ર' દૈનિકમાં ૧૨ વર્ષ અને અન્ય દૈનિક મળી મળી કુલ છેલ્લા ૨૪ વર્ષથી પત્રકાર તરીકે સેવા આપી રહ્યો છું. મારા આ ફરજકાળ દરમિયાન મૈં ખાસ કરીને બ્રિટન અને ભારતના વિવિધ સમાજ સેવા કરતા સંગઠનો, મંડળો કે સંસ્થાઅો વિષે ઘણાં અહેવાલો લખ્યા છે કે તેમના અગ્રણીઅો, ટ્રસ્ટીઅો સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી છે.
આજે અત્રે જેની ચર્ચા કરનાર છું તે સંસ્થા 'સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી'ની સ્થાપના ૧૯૮૪-૮૫માં થઇ હતી. તે સમયે સમાજના મોટા ગજાના મહાનુભાવોનો મજબૂત ટેકો આ સંસ્થાને સાંપડ્યો હતો.
શ્રી વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ મહાત્મા ગાંધીના હંમેશ માટે શિસ્તબધ્ધ અને વફાદાર સાથી રહ્યા. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે તેમની સેવાઅો ચિરંજીવી રહેશે.
'ગુજરાત સમાચાર' અને તે સમયના 'ન્યુ લાઇફ' અખબારમાં આ સંસ્થાની કામગીરી વિષે ઘણા બધા અહેવાલો પ્રસિધ્ધ થયા હતા અને તે વાંચવા માટે હું નસીબદાર પણ બન્યો છું. આપ સૌ પણ જુના સંસ્મરણોને તાજા કરી શકો તે આશયે તે અહેવાલોને અમે વેબસાઇટ પર મૂકવાનું આયોજન કરવા તત્પર છીએ. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના પ્રકાશક અને તંત્રી શ્રી સીબી પટેલ આ સંસ્થાના સ્થાપક સભ્ય હતા પરંતુ તેઅો કોઇ હોદ્દો સ્વીકારવાથી દૂર રહ્યા હતા.
સંક્ષિપ્તમાં બીના એ છે કે 'સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી - SPMS'ના વર્તમાન ચેરમેન શ્રી પ્રવીણભાઇ જી. (P.G.) પટેલે શ્રી સીબી પટેલને તા. ૨૧ જુલાઇના રોજ એક ઇમેઇલ સંદેશો મોકલ્યો હતો. તેમાં તેમણે સંસ્થાના સ્થાપક સદસ્ય એવા શ્રી સીબી પટેલનું સભ્ય પદ તા. ૩૦મી જૂન, ૨૦૧૪ના રોજ યોજાયેલી કારોબારીની બેઠકમાં સર્વાનુમતે રદ કરવામાં આવ્યું હોવાની જાણ કરી હતી. આ નિર્ણયનો અમલ ૨૧ દિવસ બાદ અમલી બનશે એમ જણાવ્યું હતું.
શ્રી સીબીનું સભ્ય પદ રદ કરવાનું કારણ શ્રી પીજી પટેલ તરફથી એવું અપાયું હતું કે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં SPMSને પૂરતી પ્રસિધ્ધી આપવામાં આવી નથી. એટલું જ નહિં સંસ્થાની તેમજ તેના હોદ્દેદારોની અખબારમાં ટીકા કરવામાં આવી હતી. મિત્રો અખબારમાં પ્રસિધ્ધી મળે કે ન મળે તે માટે કોઇ સંસ્થા ચલાવતું નથી. સંસ્થા ચલાવવાનો હેતુ તો સમાજ સેવાનો અને આ કેસમાં તો સરદાર વલ્લભભાઇ પટેલની વિચારધારા તેમજ તેમની સિધ્ધીનો પ્રસાર પ્રચાર કરવાનો હોવો જોઇએ છે. ટીકાની વાત કરીએ તો અખબારમાં કોઇની વ્યક્તિગત કે સંસ્થાની અઘટીત ટીકા કરવામાં આવે તો જે તે વ્યક્તિ ખૂબજ આસાનીથી ન્યાય મેળવી શકે છે. આવા કેસમાં સૌ પ્રથમ તો જે તે વ્યક્તિએ કે સંસ્થાએ અખબારનો વિધિવત સંપર્ક કરી અખબારને પ્રમાણિકતાથી સાચી સ્થિતી જણાવી પ્રશ્નનો હલ લાવવો જોઇએ. જો અખબાર દાંડાઇ કરી તેમની વાત ન સાંભળે તો કાયદાનો રસ્તો અખત્યાર કરી અખબાર સામે કોર્ટમાંથી ન્યાય મેળવવાનો હોય છે અને એક પત્રકાર તરીકે કહું તો તેવો ન્યાય દરેકે મેળવવો જ જોઇએ. પરંતુ કમનસીબે શ્રી પીજી પટેલ કે SPMS દ્વારા આ સીધી અને સરળ પ્રક્રિયાનું પાલન કરવાના બદલે અન્ય બીજો જ ગેરબંધારણીય અને અપમાનજનક રસ્તો અપનાવવામાં આવ્યો, શ્રી સીબીનું સભ્યપદ રદ કરવાનો.
શ્રી સીબીએ પણ શ્રી પીજી પટેલનો ઇમેઇલ મળતા ઇમેઇલ દ્વારા તેમને તથા કમિટીના સૌ સભ્યોને પ્રત્યુત્તર પાઠવીને કેટલાક પાયાના પ્રશ્નો પૂછ્યા હતા જે આ મુજબ છે.
૧. તા. ૩૦મી જૂનના રોજ યોજાયેલી મીટીંગના અગાઉથી મોકલાતા એજન્ડામાં તેમને સભ્ય પદ પરથી દુર કરવાના પ્રસ્તાવનો સમાવેશ કરાયો હતો કે કેમ? આ એજન્ડાની નકલ મોકલવા વિનંતી.
૨. શું કમીટીના સૌ સદસ્યોને આ પ્રસ્તાવ સમયસર મોકલવામાં આવ્યો હતો ખરો?
૩. શ્રી સીબીનું સભ્યપદ રદ કરવા માટેનો પ્રસ્તાવ કોણે મૂક્યો હતો અને તેને કોણે અનુમોદન આપ્યું હતું?
૪. તા. ૩૦મી જુનની મીટીંગની મિનિટ્સ મોકલવા વિનંતી.
૫. આ કારોબારી મીટીંગમાં કેટલા સભ્યો હાજર હતા અને કેટલા ગેરહાજર હતા. કેટલા સદસ્યોએ આ ઠરાવના સમર્થનમાં મત આપ્યા હતા અને કેટલા સદસ્યોએ વિરોધમાં મત આપ્યા હતા.
૬. જે બંધારણની રૂએ સભ્યપદ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો તે બંધારણની નકલ મોકલવા વિનંતી કરી હતી.
મિત્રો, શ્રી સીબી આ સંસ્થાના કોઇ જ મહત્વના હોદ્દા પર નહોતા તેઅો ફક્ત સમાન્ય સ્થાપક (આજીવન) સદસ્ય હતા. શ્રી સીબી જેવી વ્યક્તિને બીન પાયેદાર બાબતો અંગે તેમણે સંસ્થાના અહેવાલો છાપ્યા કે ન છાપ્યા કે પછી કથીત ટીકા જેવા સામાન્ય પ્રશ્ન અંગે તેમનું સભ્ય પદ રદ કરવાનો જે નિર્ણય લેવાયો હતો તેની સંપુર્ણ માહિતી ખરેખર શ્રી સીબીને મોકલવી જોઇતી હતી. પરંતુ શ્રી સીબીએ મોકલેલા ઇમેઇલના અનુસંધાનમાં તા. ૩૦મી જુલાઇ ૨૦૧૪ના રોજ સંસ્થાના પ્રમુખ શ્રી પીજી પટેલે એક ઇમેઇલ મોકલીને શ્રી સીબી દ્વારા માંગવામાં આવેલ જવાબ આપવાના બદલે ગલ્લા તલ્લા અને બીનજરૂરી આક્ષેપ કર્યા હતા. આજે આ લખાય છે ત્યારે તા.
૭-૧૦-૧૪ના રોજ પણ શ્રી પીજી પટેલ દ્વારા એક પણ પ્રશ્નનો જવાબ અપવામાં આવ્યો નથી. શ્રી પીજી પટેલે શ્રી સીબીનું સભ્યપદ રદ કરતો ઇમેઇલ સંસ્થાના વર્તમાન અગ્રણીઅો સર્વશ્રી મહેન્દ્રસિંહ જાડેજા, ક્રિષ્નાબેન પુજારા, સીજે રાભેરૂ (જેઅો ઘણા સમય પહેલા રાજીનામુ આપી ચૂક્યા છે), જીપી દેસાઇ, ઘનશ્યામભાઇ અમીન, જ્યોત્સનાબેન પટેલ, જયંતિભાઇ પટેલ, આરબી પટેલ, રામજીભાઇ ચૌહાણ, અંજનાબેન પટેલ, દિપ્તેશ પટેલ, જી.એમ. પટેલ, કલાબેન પટેલ, રંજનબેન પટેલ, જીતુભાઇ પટેલ, પ્રફુલ્લભાઇ પટેલ તેમજ કાંતિભાઇ નાગડા (જેઅો કમીટીના સભ્ય નથી)ને મોકલ્યો હતો.
ચેરમેન કે કમિટીના કોઇ સભ્યએ પોતાના પ્રતિસાદ હજુ સુધી આપ્યા નથી.
શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ખુદ પોતે બાહોશ ધારાશાસ્ત્રી હતા અને હંમેશા બંધારણીય નીતિનિયમો અને નીતિરીતિમાં માનતા હતા અને તેજ રીતે પોતાના કાર્યો કરતા હતા. પરંતુ તેમના નામથી ચાલતી આજ સંસ્થાના પ્રમુખ તથા અન્ય હોદ્દેદારો સરદારશ્રીના નિયમોનું પાલન કરે છે કે કેમ તે તો અપ સર્વે વાચકો જ જણાવી શકો.
વાચક મિત્રો, આપણે આ દેશમાં કે પછી ઇસ્ટ આફ્રિકા કે પછી વતનમાં જે સંસ્થાઅો બનાવીએ છીએ તેનો હેતુ સમાજ સેવા અને સંસ્કૃતિના જતનનો જ હોય છે. શું તમે માનો છો કે આ રીતે આપણી સંસ્કૃતિનું જતન થશે? તમે માનો છો કે પ્રશ્ન પૂછનારને હાંકી કાઢવા જોઇએ કે પછી પોતાના વર્તન અને કાર્યમાં સુધારો લાવવો જોઇએ? શું તેઅો સરમુખત્યાર છે કે જેઅો પોતાની વ્યાજબી અને ન્યાયી ટીકા સંખી શકતા નથી? જો ખરેખર SPMSના પ્રમુખ અને હોદ્દેદારોમાં જરા જેટલું પણ ખમીર હતું તો શ્રી સીબીએ બંધારણની રૂએ માંગેલા પ્રશ્નોનો જવાબ આજે ત્રણ મહિના પછી પણ કેમ આપી શકતા નથી? સીબી આ નિર્ણય સામે કોર્ટમાં પણ જીતી શકે તેમ છે, પણ જેમને નીતિરીતિથી સંસ્થા ચલાવતા પણ ન આવડતું હોય તેમની સામે લડવું કઇ રીતે? અને લડીને પણ મેળવવાનું શું? અત્યારે આ સંસ્થાની હેસિયત કેવી છે?
મિત્રો આપ શું માનો છે? આપના અભિપ્રાય ખૂબ જ મહત્વના છે. આશા છે કે આપ સૌ વડિલ વાચકો આ અંગે આપના પ્રત્યુત્તર અમને સત્વરે પાઠવશો. આપના પત્ર મને ઇમેઇલ દ્વારા [email protected] કે ફેક્સ નં. 020 7749 4081 કે પછી પોસ્ટ દ્વારા 'ગુજરાત સમાચાર' કાર્યાલય પર મોકલવા નિમંત્રણ છે.