તંત્રનું નાક કાપતી કોર્ટની નારાજગી અસ્થાને તો નથી જ. ત્રણ દસકા પૂર્વે કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ઔદ્યોગિક એકમો દ્વારા ગંગા નદીમાં છોડાતાં ઝેરીલા રસાયણોનો પ્રવાહ કોઇ પણ ભોગે અટકાવવો. પરંતુ સંબંધિત વિભાગો દ્વારા ભાગ્યે જ પગલાં લેવાયાં. આ પછી પણ અનેક યોજનાઓ ઘડાઈ, તે જોતાં દર વખતે લાગતું હતું કે ગંગા મૈયા વહેલા કે મોડા અસલ સ્વરૂપમાં આવી જશે. પરંતુ અફસોસ. દરેક વખતે આશા ઠગારી નીવડી. આજે ગંગાની હાલત બદતર છે. ગંગા સફાઇના નામે અત્યાર સુધીમાં ૪૧૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચાઇ ગયા પછીની આ સ્થિતિ છે! ગંગા મૈયા... આસ્થાનું એવું નામ છે જેનું સ્મરણ કરતાં જ માથું શ્રદ્ધાથી ઝૂકી જાય છે. પરંતુ વાસ્તવિક્તા એ પણ છે કે ગંગાને સાફ કરવાના અભિયાનમાં સરકારની સાથેસાથે સાધુ-સંતો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઇ હોવા છતાં આ સ્થિતિ છે.
નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડતાં કહ્યું હતું કે ગંગા મૈયાએ બોલાવ્યો હોવાથી હું અહીં આવ્યો છું. ચૂંટણી જીત્યા પછી સફાઇ અભિયાન શરૂ કરાવ્યું. તેમના નેતૃત્વમાં સરકાર રચાયા પછી ગંગા સફાઇને આવરી લેતું અલગ મંત્રાલય બન્યું. નમામિ ગંગે યોજના માટે ભંડોળ ફાળવ્યું. આ જોતાં એટલું તો કહી શકાય કે વર્તમાન કેન્દ્ર સરકાર સુસ્ત નથી. હા, તેણે એટલું યાદ રાખવું રહ્યું કે ભૂતકાળનું પુનરાવર્તન ન થાય. ભૂતકાળમાં ગંગા સફાઇના નામે અનેક યોજનાઓ બની છે, પાણીની જેમ રૂપિયા વપરાયા છે, પણ સ્થિતિમાં કંઇ બદલાવ નથી.
કોર્ટે સરકાર પાસે ગંગા સફાઇ માટે સ્પષ્ટ રૂપરેખા માગી છે. સરકાર તો કોર્ટમાં જવાબ રજૂ કરશે જ, પણ ગંગા સફાઇ અભિયાન માટે મોદી સરકાર સમયબદ્ધ કાર્યક્રમ ઘડે તેવી આશા અસ્થાને નથી. એક અંદાજ પ્રમાણે, સરકારે હાથ ધરેલા ગંગા સફાઇ અભિયાનનો એક લાખ કરોડ રૂપિયાને આંબી જશે. આ વિરાટકાય મિશન માટે જપાન અને જર્મનીની સરકારોએ પણ સહયોગ આપવા તત્પરતા દાખવી છે. નરેન્દ્ર મોદીનું સ્પષ્ટ માનવું છે કે આપણે ગંગાજી પાસેથી ઘણું લઇ ચૂક્યા છીએ. હવે આપણે તેમની પાસેથી કંઇ લેવાનું નથી, માત્ર આપવાનું જ છે. તેમના આ દૃઢ નિર્ધારનું પ્રતિબિંબ એ નિર્ણયમાં જોવા મળે છે કે ગંગા અભિયાન સંબંધિત તમામ યોજનાઓ પર હવે વડા પ્રધાન કાર્યાલય નજર રાખવાનું છે.