જવાહિરીએ ભારતીય ઉપખંડમાં આતંક ફેલાવવા કાયદાત અલ જેહાદ નામે નવું આતંકવાદી સંગઠન રચવાની જાહેરાત કરતા ચીમકી ઉચ્ચારી છે કે તેનું નિશાન ભારત, મ્યાંમાર અને બાંગ્લાદેશ હશે. તેણે આ દેશના મુસ્લિમોને તેમના પર ‘ગુજારવામાં આવતા દમન’ સામે અવાજ ઉઠાવવા માટે સંગઠનમાં જોડાવાની હાકલ કરી છે.
આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાતોના મતે, અમેરિકન સરકારે જેના માથા સાટે ૨.૫ કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે તે અલ-જવાહિરી ભલે ઓસામા બિન-લાદેનનો અનુગામી બન્યો હોય, પણ અલ-કાયદાનું જોર ઘટ્યું છે. તેથી તેની ધમકીને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. ત્રાસવાદ-વિરોધી બાબતોના નિષ્ણાંતોનો અભિપ્રાય આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં સાચો હોય શકે, પણ ભારત, મ્યાંમાર કે બાંગ્લાદેશને ગાફેલ રહેવું પાલવે તેમ નથી. આતંકવાદી સંગઠનોએ આ દેશોમાં ઊંડે સુધી પગપેસારો કર્યો છે. ઘણા સ્થળોએ તેઓ સ્થાનિક મુસ્લિમ યુવકોને ઉશ્કેરીને પોતાની સાથે સાંકળવામાં સફળ રહ્યા છે.
અલ-કાયદા નબળું પડ્યું હોવા છતાં તેની ધમકીને નજરઅંદાજ કરવાનું પોષાય તેમ નથી તેનું બીજું પણ એક કારણ છે ‘આઇસીસ’. ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા નામનો રાક્ષસ જગતભરમાં માથું ઊંચકી રહ્યો છે. ‘આઇસીસ’ના ટૂંકા નામે ઓળખાતા આ સંગઠને ઇસ્લામિક ક્રાંતિના ઓઠા તળે બહુ ટૂંકા ગાળામાં વિશ્વમાં આતંક ફેલાવ્યો છે. અમેરિકામાં ૯/૧૧ના ટ્વીન ટાવર આતંકવાદી હુમલા બાદ અલ-કાયદા આતંકનો પર્યાય બની ગયું હતું. આજે ‘આઇસીસ’ તેનાથી પણ ક્રુરતામાં ડગલું આગળ વધી ગયું છે. અલ-કાયદા લોહિયાળ હુમલા કરીને આતંક ફેલાવવામાં માને છે, જ્યારે ‘આઇસીસ’નો ઇરાદો ખતરનાક છે. તે વિશ્વમાં ઇસ્લામિક રાજ સ્થાપવાનો ઇરાદો ધરાવે છે અને આ માટે તેની જેહાદનું સ્વરૂપ પણ અલગ છે. એક લશ્કરી દળ જેવી સશસ્ત્ર તાકાત ધરાવતું આ આતંકી સંગઠન જે તે શહેર પર હુમલો કરીને તેના પર અડીંગો જમાવે છે. ઇરાકમાં તેણે તેલના અનેક કૂવાઓ પર કબ્જો જમાવ્યો છે. ઇસ્લામ ધર્મના નામે તે આ બધું કરે તો છે, પણ આવું કરવામાં તે માનવતાને નેવે મૂકતાં પણ ખચકાતું નથી. સામૂહિક નરસંહાર તેના માટે રમત વાત છે. તેણે ઇરાક અને સીરિયામાં ઠેર ઠેર હુમલાઓ કરીને સેંકડો નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા છે. હજારોને બેઘર કર્યા છે. ‘આઇસીસ’એ આતંકની દુનિયામાં બહુ ટૂંકા ગાળામાં જે ધાક જમાવી છે તે જ વાતે અલ-જવાહિરીને વધુ આક્રમક વલણ અપનાવવા ઉશ્કેર્યો છે. અલ-જવાહિરી હવે અલ-કાયદાનું અસ્તિત્વ ટકાવવા મરણિયો બન્યો હોવાથી પોતાની હાજરી નોંધાવવા આક્રમક વલણ અપનાવી શકે છે.
ઇરાક અને સીરિયામાં આતંક ફેલાવનાર ‘આઇસીસ’એ પશ્ચિમ એશિયા પર ડોળો માંડ્યો છે, પણ અલ- જવાહિરીએ હજુ ‘આઇસીસ’ની ખાસ હાજરી નથી તેવા દક્ષિણ એશિયા પર નજર માંડી છે. ભારત, મ્યાંમાર અને બાંગ્લાદેશને નિશાન બનાવનાર જવાહિરી, સંભવત, માને છે કે અલ-કાયદાની હાજરી નોધાવવી હોય તો અહીં ઘણા અંશે તેનો પાયો તૈયાર છે. અહીંના મુસ્લિમોને ઉશ્કેરવા માટે મુદ્દાઓ હાથવગા છે. ગુજરાતમાં ગોધરાકાંડને ભલે દસકો વીતી ગયો હોય, ભલે વીતેલા વર્ષોમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે એખલાસ વધ્યો હોય, પણ મુસ્લિમ સમુદાયનો એક નાનો વર્ગ એવો છે જેને બહેકાવીને પોતાના નાપાક મનસૂબા પાર પાડી શકાય તેમ છે. કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા લોકો પર સીતમ ગુજારાતો હોવાનો દુષ્પ્રચાર કરીને મુસ્લિમ સમુદાયને ઉશ્કેરી શકાય તેમ છે. મ્યાંમારમાં તો નજીકના ભૂતકાળમાં જ બૌદ્ધ ધર્મીઓ અને રોહિંગ્યા મુસ્લિમો વચ્ચે રમખાણો થયા છે. બાંગ્લાદેશમાં પણ સ્થાનિક પરિબળોનો સાથ લઇને આતંક ફેલાવવાનું તેના માટે મુશ્કેલ નથી. આમ, જવાહિરીએ ‘આસાન’ લક્ષ્ય પસંદ કર્યા છે.
અલ-જ્વાહિરીની ધમકીને ભારત સરકાર પૂરતી ગંભીરતાથી ધ્યાને લે એટલું જ પૂરતું નથી, ભૂતકાળમાં આતંકવાદનો સામનો કરતી વેળા થયેલી ભૂલોનું પુનરાવર્તન ટાળવા પણ જરૂરી પગલાં લેવા રહ્યાં. એક તરફ, છેલ્લા થોડાંક મહિનાઓથી વિશ્વનાં જેહાદી પરિબળોમાં ભારે સક્રિયતા જોવા મળી રહી છે તો બીજી તરફ, પડોશી દેશ પાકિસ્તાનમાં પણ આંતરિક અંધાધૂંધી પ્રવર્તે છે. આ સંજોગોમાં ભારતને આંતરિક સુરક્ષા સાથે સંકળાયેલા આ મુદ્દે સહેજ પણ લાપરવાહી પાલવે તેમ નથી. ભારતીયોની જાનમાલની સલામતી માટે કાર્યરત સુરક્ષા એજન્સીઓએ અમેરિકાનું ઉદાહરણ નજર સમક્ષ રાખવું રહ્યું. અમેરિકામાં ત્રણ હજાર વ્યક્તિનો ભોગ લેનાર ૯/૧૧ના હુમલાને ૧૩ વર્ષ પૂરાં થવાંની તૈયારી છે, પણ આ પછી અલ-કાયદા અમેરિકામાં એક નાનો હુમલો પણ કરી શક્યું નથી. આ માટે અમેરિકાએ આકરા સુરક્ષા નિયમો ઘડ્યા છે, અને તેનો ચુસ્ત અમલ કર્યો છે. ક્યારેક અમાનવીય જણાતા આ સુરક્ષા નિયમો જ આખરે તો નિર્દોષ માનવ જિંદગી બચાવવામાં નિમિત્ત બનતા હોય છે.