ડચેસ અને ડ્યૂક ઓફ કેમ્બ્રિજ આનંદના સમાચાર જાહેર કરતા ખુશી અનુભવે છે, તેમ સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું છે. આનો અર્થ એ છે કે પ્રિન્સ જ્યોર્જને ૨૦૧૫ની વસંત ઋતુમાં ભાઈ અથવા બહેન મળશે. આ નવું બાળક બ્રિટિશ રાજગાદીના વારસની કતારમાં પ્રિન્સ હેરીની જગ્યાએ ચોથું સ્થાન ધરાવશે. પહેલા સ્થાને પ્રિન્સ ચાર્લ્સ, પછી ડ્યુક ઓફ કેમ્બ્રિજ, પ્રિન્સ જ્યોર્જ ઓફ કેમ્બ્રિજ, નવું આવનાર બાળક, પ્રિન્સ હેન્રી ઓફ વેલ્સ, ધ ડ્યૂક ઓફ યોર્ક, પ્રિન્સેસ બ્રીટ્રિસ ઓફ યોર્ક શાહી ગાદીના ક્રમાનુસાર વારસદાર છે. દંપતી તેમના પરિવારમાં બાળકીનો ઉમેરો થવાની આશા રાખતા હોઈ શકે છે કારણ કે પ્રિન્સ જ્યોર્જના જન્મ અગાઉ ડચેસે જણાવ્યું હતું કે તેઓ પુત્રની અને ડ્યૂક વિલિયમ પુત્રીની આશા રાખે છે.
રાણી એલિઝાબેથ તેમ જ ડચેસ અને ડ્યૂકના પરિવારના સભ્યો આ સમાચારથી આનંદિત થયા હોવાનું કેન્સિંગ્ટન પેલેસે જણાવ્યું છે. વડા પ્રધાન ડેવિડ કેમરને પણ દંપતીને અભિનંદન પાઠ્યા હતા.
પ્રથમ સગર્ભાવસ્થાની માફક આ વખતે પણ ડચેસ ઓફ કેમ્બ્રિજ પ્રેગનન્સી સિકનેસ અનુભવતાં હોવાથી કેન્સિંગ્ટન પેલેસના ઘરમાં જ તેમની સારવાર ચાલી રહી છે. ડચેસ સગર્ભાવસ્થાના પ્રાથમિક તબક્કામાં હોવાં છતાં આ સિકનેસના કારણે પ્રેગનન્સીની જાહેરાતની ફરજ પડી હોવાનું મનાય છે. ડચેસ આ મહિનાના ઉત્તરાર્ધમાં માલ્ટાની મુલાકાતે એકલાં જવાનાં હતાં, પરંતુ હવે તેના વિશે શંકા છે.