૧૯ ઓગસ્ટ ૨૦૧૧માં અફઘાનિસ્તાનના કાબૂલમાં બ્રિટિશ કાઉન્સિલની ઈમારત પર આત્મઘાતી તાલિબાન હુમલાનો સામનો કરવામાં જંગ બહાદુર ગુરુંગ, જીતમાન શારુ મગર, શ્યામ કુમાર લિમ્બુ અને દીપક કુમાર થાપાએ ભારે વીરતા દર્શાવી હતી. આ પૂર્વ સૈનિકો ખાનગી સિક્યુરિટી ઓપરેટિવ્સ કંપની G4S ના ચોકિયાત તરીકે ફરજ બજાવતા હતા. તેઓ નમૂનારુપ વીરતા દર્શાવવા માટે QGM મેળવનારા સૌપ્રથમ ખાનગી સિક્યુરિટી ઓપરેટિવ્સ બન્યા હતા. માનપત્રમાં પૂર્વ ગુરખા સૈનિકોની બહાદુરીની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. G4Sના અન્ય કર્મચારી હમીદ ચૌધરી ક્વીન્સ કમેન્ડેશન ફોર બ્રેવરી (QCB)થી સન્માનિત કરાયો હતો.
ચાર સશસ્ત્ર આત્મઘાતી બોમ્બરોએ વિસ્ફોટકોથી ભરેલી બે કારને બ્રિટિશ કાઉન્સિલની ઈમારત સાથે અથડાવી હતી. આ સમયે ચાર ગુરખા સહિત G4Sના ૧૧ ઓપરેટિવ્સ સુરક્ષાકાર્યમાં રોકાયેલા હતા. ત્રણ અફઘાન સિક્યુરિટી ગાર્ડ્સના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હતી. ચાર ગુરખા ચોકિયાતોમાંથી ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. ગુરખા જંગ ગુરુંગે હુમલાખોરોનો સામનો કરવામાં મશીન ગનના ૮૦૦૦ રાઉન્ડ ફાયર કરી તેમને અટકાવી રાખ્યા હતા. પરિણામે કાઉન્સિલના સ્ટાફને સલામત સ્થળે પહોંચવા પૂરતો સમય મળ્યો હતો. શ્યામ લિમ્બુએ માથામાં ગોળી વાગવા છતાં ગાર્ડહાઉસ એરિયામાં રહીને ઈજાગ્રસ્ત અફઘાન નેશનલ સ્ટાફની સુરક્ષા કરી હતી.