રોહન નામ જણાવનારા આ બાળકે તમામ શિશુઓને શાળામાં નિઃશુલ્ક ભોજનની ક્લેગની £1.2 બિલિયનની યોજનાના પાઈલટ અભ્યાસોની અસરકારકતા વિશેના પૂરાવાઓ અંગે ઝીણવટભર્યાં પ્રશ્નો કર્યા હતા. આ યોજનાના ખર્ચાયેલાં નાણા સામે વળતર મળવાના મુદ્દે આ બાળકે તેમને પડકારી વારંવાર ખલેલ ઊભી કરી ત્યારે ક્લેગ પણ નવ વર્ષનો બાળકને આટલી સારી માહિતી હોય તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, તેમણે પાછળથી આ મુદ્દે શંકા પણ વ્યક્ત કરી હતી.
પોલિટિકલ બ્લોગર ગુઈડો ફોકેસે કહ્યું હતું કે, બાળક હોવાનો ઢોંગ કરતી પુખ્ત મહિલાએ આ પ્રશ્ન ઉઠાવ્યો હોવાનું લાગતું હતું. જોકે, કોલ ક્લેગ શોના હોસ્ટ એલબીસી રેડિયોના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે, ‘પ્રોડ્યુસરે અગાઉથી બાળકની માતા અને પાછળથી તેના હેડ ટીચર સાથે વાત કરી હતી. બાળકને આ મુદ્દામાં સાચો રસ હોવા વિશે અમને સંપૂર્ણ સંતોષ થયો છે.’
રોહને આ યોજના બાળકોને વધુ સારા વર્તન કે સારી સિદ્ધિને લાયક બનાવતી ન હોવાના તારણો દર્શાવી ખર્ચના વાજબીપણાનો ખુલાસો કરવા ક્લેગને જણાવ્યું હતું. જ્યાં પેરન્ટ્સને બાળકોનાં ભોજનનો ખર્ચ પોસાતો ન હોય તેવાં વિસ્તારોને ફ્રી સ્કૂલ મીલ યોજનામાં શા માટે આવરી લેવાયાં નથી તેવો પ્રશ્ન પણ તેણે ઊઠાવ્યો હતો. ક્લેગે ઉત્તર આપ્યો હતો કે, ‘આ યોજનાના સૌથી વધુ લાભાર્થી ગરીબ બાળકો છે ત્યારે રોહને પૂછ્યું હતું કે તેમને માત્ર શાળામાં ભોજનનો જ અધિકાર મળશે?’
ક્લેગ અને શોના પ્રેઝન્ટર નિક ફેરારીએ વારંવાર બાળકને તેની શાળા અને તેની સાથે શિક્ષક છે કે કેમ તેવો પ્રશ્ન કર્યો હતો પરંતુ રોહને કોઈ જવાબ આપ્યો ન હતો. એક તબક્કે તો ઉશ્કેરાઈ ગયેલા ક્લેગે રોહનને તેને ક્લાસમાં પાછાં જવું જોઈએ તેમ કહી દીધું હતું.