જોકે, તેમણે વધુ વિગતો આપી ન હતી. ઉપાધ્યાય અને ગુંડેવ દોહાથી લંડન અને ત્યાંથી નોર્વે જવાના હતા, પરંતુ એરપોર્ટ પર પહોંચી શક્યા ન હતા. તેઓ ૨૦૨૨માં યોજાનારા કતાર ફૂટબોલ વર્લ્ડ કપ માટે કામ કરતા માઈગ્રન્ટ કામદારો સાથે દુર્વ્યવહારની તપાસ ચલાવી રહ્યા હતા.
દોહામાં બ્રિટિશ એમ્બેસીના પ્રતિનિધિએ આ બ્રિટિશરોની મુલાકાત પણ લીધી હતી. તેમણે ઉપાધ્યાયનો સંદેશો પણ તેમના પરિવારને મોકલી આપ્યો હતો. નોર્વેસ્થિત માનવ અધિકાર જૂથ ધ ગ્લોબલ નેટવર્ક ફોર રાઈટ્સ એન્ડ ડેવલપમેન્ટ (GNRD) તેમના અપહૃત કર્મચારીની સુરક્ષા અને સલામતી માટે કતારના સત્તાવાળાને જવાબદાર ગણાવે છે. તેઓ કતારના સત્તાવાળાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ તૈયારી કરી રહ્યા છે.
GNRDના જણાવ્યા અનુસાર ઉપાધ્યાય અને ગુંડેવ નેપાળી માઈગ્રન્ટ્સ સાથે ખરાબ વર્તનના અહેવાલોની તપાસ ચલાવી રહ્યા હતા. કાઠમાંડુના માનવ અધિકાર જૂથોના અહેવાલો મુજબ કતારના વર્લ્ડ કપ બાંધકામ સ્થળોએ અત્યાર સુધી ૪૦૦થી વધુ નેપાળી કામદારોનાં મોત થયાં છે. કતાર છૂપી પોલીસે બ્રિટિશરોની પણ કનડગત કરતા તેમને જોખમનો ભય ઉભો થયો હતો અને તેમણે દેશ છોડી જવા નિર્ણય લીધો હતો, પરંતુ એરપોર્ટ પર પહોંચી શક્યા નથી. અગાઉ, એનજીઓના પ્રોગ્રામ મેનેજર અલા અબુ ડાક્કાએ કહ્યું હતું કે તેમનો સ્ટાફ ઉપાધ્યાય અને ગુંડેવને શોધવા આકાશપાતાળ એક કરી રહ્યો છે.