મંગળવારે પૂર્ણિમાના અવસરે ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો. પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા અંબાજી મંદિરે અને નગરમાં ચુસ્ત બંદોબસ્ત અને ઉપયોગી વ્યવસ્થા કરવામાં આવી હતી. મેળાની ગતિવિધી પર અનમેન્ડ એરિયલ વેહિકલ દ્વારા નિરિક્ષણ થઇ રહ્યું છે. સોમવારે મિની મહાકુંભમાં છઠ્ઠા દિવસે વરસાદી માહોલ વચ્ચે દૂરદૂરના અંતરેથી આવેલા અંદાજે નવ લાખ યાત્રિકોએ માતાજીના આર્શીવાદ મેળવ્યા હતા. આખું ધામ દિવસ-રાત ‘બોલ માડી અંબે જય જય અંબે’ના જયઘોષ સાથે ધજા, પતાકા અને અબીલ ગુલાલની છોળોથી ભક્તિના રંગે રંગાઇ ગયું હતું. પોરબંદરના પ્રખ્યાત ખોડીયાર ગ્રૂપની બાળાઓ દ્વારા ગુજરાતના પ્રખ્યાત લોકનૃત્યો થકી ગરબાઓની રમઝટ બોલાવી હતી. જેને નિહાળીને ભક્તો આનંદ વિભોર બન્યા હતા.
વહીવટી તંત્રનો એક્શન પ્લાન
અંબાજી ખાતે આવનાર ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા અદભૂત આયોજન કરીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.
કલેક્ટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે ભક્તોની સુવિધા માટે અંબાજીમાં ૨૦ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના મુખ્ય અધિકારીના અધ્યક્ષપદ હેઠળ એક્શન પ્લાન મુજબની કામગીરીની વહેંચણી કરાઈ હતી.
મેળો wi-fiથી સજ્જ
અંબાજી ખાતે ધાર્મિક ક્ષેત્રે વિશ્વનો સૌથી લાંબો, સતત સાત દિવસ ચાલતો ભાદરવી પૂનમનો મેળો wi-fi સુવિધાથી સજ્જ બન્યો હતો. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં ચેરમેન મહેન્દ્રભાઇ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ઈતિહાસમાં પ્રથમવાર અંબાજી મેળાનું વેબકાસ્ટિંગ થયું હતું જેથી વિશ્વના કોઈપણ ખૂણેથી ભાવિક આ મહામેળાના જીવંત દૃશ્યો જોઈને મેળાની મજા માણી શકે.
આ સમગ્ર વિસ્તાર હવે વાઇ-ફાઇ ઝોન બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભક્તોનો ધસારો વધુ રહેતો હોય તેવા સમયગાળા દરમિયાન માતાજીનાં દર્શન કરવા માટે કોઇએ લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે વૈષ્ણોદેવીની પેટર્નથી ટોકન સિસ્ટમ પણ અમલમાં મૂકવામાં આવી હતી.