વીસીમાં થયેલી ઉલટ તપાસ દરમિયાન કેટલાક શબ્દો સ્પષ્ટ રીતે સાંભળી શકાતા નથી. એટલું જ નહિ કેટલાક મહત્વના સવાલ-જવાબ વખતે સાક્ષીએ શું કહ્યું છે તે ખ્યાલ આવતો નથી. એફએસએલમાં વીડિયો ટેપની લેખિતમાં ટાન્સ્ક્રીપ્ટ બનાવવા માટે મોકલાઇ ત્યારે આમ થયું હતું. બે વાર એવો અભિપ્રાય આવ્યો કે અવાજ સંભળાય છે પરંતુ શું કહેવા માગે છે તે સ્પષ્ટ થતું નથી. આ માટે હવે આગામી તા. ૨૦ના રોજ એફએસએલના નિષ્ણાતને જુબાની માટે બોલાવ્યા છે અને જો તેઓ શબ્દોને ઉકેલવા માટે સમર્થતા બતાવશે તો જુબાની માન્ય ગણાશે નહિ તો ફરી વખત જુબાની લેવી પડશે. જે કાનૂની દૃષ્ટિએ જવલ્લે જ બનતી ઘટના છે.
• ચીનના રાષ્ટ્રપતિ-મોદી ગુજરાતની મુલાકાતેઃ આવતા સપ્તાહે ભારત આવી રહેલા ચીનના રાષ્ટ્રપતિ ઝી જિનપિંગ ૧૭ સપ્ટેમ્બરે સપ્ટેમ્બરે ગુજરાતની એક દિવસની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ ગુજરાતના વિકાસ અંગે અને મહત્ત્વના પ્રોજેક્ટ અંગેની માહિતી મેળવશે. તેઓ અમદાવાદ-ગાંધીનગરના મહત્ત્વનાં સ્થળોની પણ મુલાકાત લેશે. ચીનના રાષ્ટ્રપતિની આ મુલાકાતના સંદર્ભમાં ચીનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ પ્રોટોકલ સહિત ૧૧ સભ્યના ડેલિગેશને ગુરુવારે મુખ્ય સચિવ વરેશ સિંહા સાથે બેઠક કરી હતી અને જિનપિંગની ગુજરાત મુલાકાત અંગેની તૈયારીઓ તથા સુરક્ષા સહિતની બાબતો અંગે સમીક્ષા કરી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જિનપિંગના સ્વાગત માટે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બન્યા મોદી પ્રથમવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે.
• ફિલ્મ નિર્માતા દિનેશ રાવલનું નિધનઃ ‘મેના ગુજરી’ સહિત ૨૮ કરતાં વધુ ગુજરાતી ફિલ્મના નિર્માતા દિનેશન રાવલનું ગત સપ્તાહે સુરેન્દ્રનગરના હળવદ ખાતે નિધન થયું હતું. તેઓ વડોદરામાં દોઢ દાયકા જેટલા સમય માટે રહ્યા હતા અને નજીકના લક્ષ્મી સ્ટુડિયોમાં અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેમના અવસાનથી ફિલ્મ ઉદ્યોગમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.
• ગણેશ વિસર્જન વેળા કુલ ૧૩નાં મોતઃ ગણેશ વિસર્જન દરમિયાન અમદાવાદમાં રવિવારે રાત્રે અને સોમવારે ચાર લોકો નદી કે તળાવમાં ડુબી ગયાં હતાં. જ્યારે આસપાસનાં ગામડાંમાં ત્રણ લોકો ડુબી ગયા હતા. આ ઉપરાંત રાજ્યના વિવિધ સ્થળોએ ડૂબી જવાના અથવા વિસર્જન યાત્રા દરમિયાન અકસ્માતના કારણે વધુ છ વ્યક્તિના મોત નિપજ્યા છે. આમ રાજ્યનો મૃત્યુઆંક ૧૩નો થયો છે.
• હજયાત્રાનો પ્રારંભઃ મુસ્લીમ બિરાદરો માટે પવિત્ર મક્કા-મદીનાની હજ યાત્રાનો પ્રારંભ થયો છે. મંગળવારે સવારે ૪.૩૦ વાગે સાઉદી અરેબિયાથી આવનારી ખાસ ફ્લાઇટમાં ૨૩૪ યાત્રીઓ રવાના થયા હતા. આ પ્રસંગે પ્રોટોકોલ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્ય સરકાર વતીથી હજયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. સાઉદી અરેબિયા સરકાર દરેક દેશોમાં વસતા મુસ્લીમોને હજયાત્રા માટે આવવા ક્વોટા ફાળવે છે અને આ ક્વોટાના આધારે જે તે દેશ રાજ્યોને ક્વોટા આપે છે. ભારતને ૧.૩૬ લાખ યાત્રીઓનો ક્વોટા ફાળવાયો છે તેમાં ગુજરાતને ૪૫૦૦ જેટલો ક્વોટા ફળવાય છે.
• પિતૃપક્ષના શ્રાદ્ધનો પ્રારંભઃભાદરવા સુદ પૂર્ણિમાએ શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃપક્ષનો પ્રારંભ થાય છે. શ્રાદ્ધ પક્ષના તર્પણથી પિતૃઓ અને તેમના આત્માઓ તૃપ્ત થાય છે અને તેમની સદ્ગતિ થાય છે. ૨૩ સપ્ટેમ્બરે મંગળવારે સર્વપિતૃ અમાસ અને ૨૪મીએ માતૃપક્ષના પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું રહેશે.
• ગુજરાતના ૨૦૦ પ્રવાસી શ્રીનગરમાં ફસાયાઃ જમ્મુ-કાશ્મીરમાં પૂર પ્રકોપના કારણે ગુજરાતના ૨૦૦થી વધુ પ્રવાસી શ્રીનગર તથા પહેલગાંવમાં ફસાયા છે. પહેલગાંવના રસ્તા પર પાણી ફરી વળ્યાં હોવાથી ત્યાં જ રોકાણ કરવાની ફરજ પડી છે. મુખ્ય માર્ગો પર ૮થી ૧૦ ફૂટ પાણી છે. અમદાવાદના ગુપ્તા પરિવારના સાત સભ્યો શ્રીનગર ગયા હતા. પરંતુ પરિસ્થિતિ વણસતા તેઓ શ્રીનગરમાં રોકાયા છે. ઉપરાંત ખેડા જિલ્લાના ૭૨ પ્રવાસીઓ શ્રીનગર અને નવસારીના ગાંધી પરિવારના પાંચ સભ્યો પહેલગામમાં ફસાયા છે.