ભાષાને શું વળગ્યું ભૂર

Saturday 13th December 2014 05:16 EST
 

બધાય ભાઈ-બહેનોને જરા મનદુઃખ થાય એ સમજી શકાય છે, પરંતુ આ વિદેશી યુવાપેઢીને જ્યાં અંગ્રેજીમાં કેળવણી મળતી હોય ત્યાં આવી માતૃભાષાનો આગ્રહ રાખવો શું યોગ્ય છે?

આજે અંગ્રેજી, આખી દુનિયાની આંતરરાષ્ટ્રીય ભાષા બની ગઈ છે. આધુનિક, વેપાર, વાણિજ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી અને બીજા અનેક વિષયોમાં અંગ્રેજીનું વર્ચસ્વ છે. આ યુવક-યુવતીઓને અંગ્રેજીમાં જ લખવા, વાંચવા કે વિચારવા દો. કદાચ થોડાકને ગુજરાતી બોલતાં કે સમજી શકતાં આવડતું હોય તો એને બોનસ ગણીને ખુશ થઈ શકાય.

આજથી સાઈઠેક વર્ષો પહેલાં ‘મગન માધ્યમ’ના નામે ઓળખાતા એક ગુજરાતી કેળવણીકાર મગનભાઈ પટેલે ગુજરાતમાં ગુજરાતીમાં જ કેળવણી અપાય એવો અજુગતો હઠાગ્રહ દાખલ કરેલો. પરિણામે, ગોવાનીઝ, મહારાષ્ટ્રીયનો તેમજ દક્ષિણ ભારતના થોકબંધ લોકોને સરકારમાં અને કોર્પોરેટ જગતમાં નોકરીઓ મળી ગયેલી. ગુજરાતી યુવાનો-યુવતીઓને નોકરી માટે ટલ્લાં ખાવાં પડતાં અને ટળવળતાં. જ્યારે અંગ્રેજી માધ્યમ શાળા કે કોલેજોમાં દાખલ કરાયું ત્યારે જ આ દુઃખદાયક તખ્તો બદલાયો. સાહિત્યકારો કે ઈતિહાસકારો માટે ભલે એ યોગ્ય હોય, પરંતુ બાકીના બધાયે માતૃભાષાના મમત્વને તિલાંજલિ આપી, ઊગતી પેઢીને અવરોધક બનવું ના જ જોઈએ. જો બીજી ભાષાઓ - દા.ત. ફ્રેંચ, જર્મન, સ્પેનીશ વગેરે શીખશે તો એમના ઉજ્જવળ ભવિષ્યને ચાર ચાંદ લાગશે. જે દેશોમાં આ પ્રજા સ્થિર થશે ત્યાંના રહિશોમાં ઓતપ્રોત થઈ જાય એમાં જ એમનું કલ્યાણ છે.

- ડો. નગીનભાઈ પી. પટેલ સાઉથ નોરવુડ હીલ

(નોંધ: વાચક મિત્રો, ખરેખર ખૂબ જ ગંભીર અને બાળકોના વિકાસ પર મહત્વની અસર છોડનાર આ વિષય પર સુજ્ઞ વાચક મિત્રો પોતાના મનનીય અભિપ્રાયો મોકલશે તો તે આપણા બાળકોને તેમજ આપણા વિશાળ ગુજરાતી સમુદાયને મદદરૂપ થશે. - કમલ રાવ, ન્યુઝ એડિટર)

આંખોમાં સ્વપ્ન

એક તદ્દન ગરીબ પરિવારના બાળકે (નમો નહીં હોં) તેના પિતા સમક્ષ નિર્દોષ ભાવે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે, મારે લાલ કિલ્લા પર ચડીને પતંગ ઊડાડવી છે તો મને દિલ્હીના લાલ કિલ્લે લઈ જાવ. પરંતુ વડનગરના નરેન્દ્ર નામના છોકરાને તો રેલવે સ્ટેશને ચાની કીટલી ફેરવતાં લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવવો હતો. ૬૮મા સ્વાતંત્ર્ય પર્વે ન.મો. ભારતના પહેલાં વડા પ્રધાન છે કે જેમણે પોતાની મહેનત અને ધગશથી આપબળે આગળ આવી વડા પ્રધાનપદ સુધી પહોંચીને લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો હોય!

ન.મો. ભારતના પહેલાં વડા પ્રધાન પણ છે કે જેમણે સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લા પરથી સિંહ ગર્જના કરી ભારતવાસીઓને સંબોધન કર્યું હોય! તેઓ ભારતનાં પહેલાં વડા પ્રધાન પણ છે કે જેમણે સ્વાતંત્ર્ય પર્વે ગુજરાતી લહેકાવાળી ભાષાથી હિંદીમાં ભાષણ કર્યું હોય.

- નવનીત ફટાણીઆ, હેનવેલ

મનની શાંતિ

કથા સાંભળવી એક વસ્તુ છે અને સાંભળ્યા પછી તેને સમજવી, ઘૂંટવી અને જીવનમાં ઉતારવી એ બીજી વસ્તુ છે. કથાને જો ખરા અર્થમાં જીવનમાં ઉતારવી હોય તો એ માટે ત્રણ વસ્તુ જોઈએ. એક શ્રદ્ધાનું ભાથું, બીજો સંતનો સથવારો અને ત્રીજું લક્ષ્ય માટે પ્રેમ. આ ત્રણ વસ્તુ હોય તો મનુષ્ય સફળતા પ્રાપ્ત કરી શકે

જે શ્રદ્ધા સંબલ રહિત, નહિ સંતન કર સાથ

તિન્હ કહું માનસ અગમ અતિ જિન્હદિ ન પ્રિય રઘુનાથ

પરમાત્માના ચરણારવિંદમાં પ્રેમ ન હોય તો માણસ કાનથી કથાને સાંભળે ખરો પણ અંતરમાં ઉતારી ન શકે. સાંભળે ખરો. સમજી ન શકે. સમજવા માટે ભાવ જોઈએ પણ ભાવ પ્રગટે ક્યારે? સતત જે પુણ્ય કાર્ય કરતા હોઈએ એ બધા પુણ્ય કાર્યોનું સાતત્ય આપણાં જીવનમાં આત્મસાત થાય ત્યારે જ ભાવ પ્રગટ થશે અને યાદ રહે ભાવમાં જ ભગવાન છે.

ભાવેહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ્

જેના જીવનમાં ભાવ નથી તેના જીવનમાં શાંતિ નહીં જ હોય અને જેનાં જીવનમાં શાંતિ નથી તેના જીવનમાં સુખ ક્યાંથી હોય? જપ, તપ, પૂજા, યજ્ઞ, દાન આ બધા પુણ્ય કાર્યોનું સાતત્ય આપણા જીવનમાં હશે તો ભાવ એની મેળે પ્રગટશે.

આપણે પૈસા કમાતા શીખી ગયાં પણ જીવન જીવવાનું ભૂલી ગયાં. જીવન ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. ભગવાનની આ ભેટને સાચવીને જીવતા શીખવાનું છે.

- રતિલાલ ટેલર, સાઉથ ગેટ

ભારત ભાગ્ય વિધાતા

ભારત સદીઓથી અનેક મુશ્કેલીઓની ચક્કીમાં પિસાતું આવ્યું છે. કુદરતી આફતો, રોગચાળો, ગરીબી, નાનામોટા રાજા રજ્વાડાઅોના હિંદુ રાજાઓના કુસંપ, વિલાસ અને સત્તાની ભૂખને કારણે ભારત મોગલ રાજાઓને વશ થયું. લગભગ ૬૦૦ વર્ષના મોગલ સામ્રાજ્યને પગલે અનેક પ્રાંતોમાં અશાંતિ અને અસ્થીરતા પ્રવર્તતા અસ્તિત્વ અને સુરક્ષાનો ભય ઉભો થયો અને કરોડો હિન્દુઅોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવો પડ્યો.

તે પછી મોગલ સામ્રાજ્ય નબળું પડતા વેપાર કરવાના ઈરાદે આવેલા બ્રિટીશરોને તક મળતા અને કોઇ સજ્જડ વિરોધના અભાવે તેમણે ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું.

ગાંધીજીએ સોઉથ આફ્રિકાથી ભારત પરત થઇ આઝાદી માટે ઉઠાવેલી ઝુંબેશમાં નેહરુજી, સરદાર પટેલ, વિનોબા ભાવે જેવા અનેક વિરલાઓએ સાથ આપ્યો. તો હિંદુમાંથી મુસલમાન બનેલ પરિવારના પુત્ર મોહમદઅલી ઝીણાએ મુસલમાનો માટે અલગ રાજ્યની માંગણી કરી.

ગાંધીજીની અખંડ ભારતની જીદ સામે લાખો હિંદુ-મુસલમાનના લોહી રેડાયા અને આખરે ૧૫મી અોગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું. પાકિસ્તાનનું સર્જન થયું.

કાશ્મીરની સમસ્યાએ બને દેશો વચે તનાવ પેદા કર્યો અને ૨-૩ યુદ્ધ થયા. જંગી જાનહાની અને દેશની આર્થિક પ્રગતિમાં મોટો ફટકો પડ્યો. બન્ને દેશોની સરખામણીમાં ભારતે જોકે સારો વિકાસ કર્યો, દેશીની એકતા જાળવી રાખી. આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી જાળવી રાખી આર્થિક સધ્ધરતા મેળવી છે તે ગૌરવની વાત છે.

મોદીજીએ ઐતિહાસિક વિજય મેળવી ભારતને મહાશક્તિ બનાવવાની ઘોષણા કરી છે અને તેમનો જુસ્સો અને અત્મવિશ્વાસ જોતા એવું લાગે છે કે વિધાતાએ જ ભારતનું ભાગ્ય ઘડવા માટે મોદીજીને નિર્મીત કર્યા હશે.

- નિરંજન વસંત, વેસ્ટ નોરવુડ


    comments powered by Disqus