રાજ્યભરમાં ભારે વરસાદઃ વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ

Friday 12th December 2014 11:20 EST
 
નર્મદા ડેમ ગત વર્ષ કરતા ૫૦ દિવસ મોડો ઓવરફલો થયો છે. ગયા વર્ષે ૧૮ જુલાઇએ ઓવરફલો થયો હતો.
 

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ મોસમમાં સૌ પ્રથમ વખત નર્મદા ડેમ ૪.૧૫ મીટર ઉપરથી ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી ૧૨૬.૦૬ મીટરે પહોંચી ગઇ હતી. આ જ રીતે તાપી નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ શકે એવા સંજોગો છે.
મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી ઢાઢર અને વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઇ છે. વડોદરા શહેરમાં મંગળવાર સાંજ સુધીના ૩૬ કલાકમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ આજવા ડેમ પણ ઓવરફલો થયો છે. વડોદરા શહેર-જિલ્લાની ૫૧૯ શાળાઓમાં બુધવારે રજા જાહેર કરાઇ હતી. પૂરની સ્થિતિને પહોંચી વળવા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પગલાં લેવાના આદેશ આપ્યા છે.
મંગળવાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૮૭ ટકા વરસાદ નોંધાયો છે. જે પ્રદેશ મુજબ સૌરાષ્ટ્રમાં ૯૨.૦૬%, કચ્છમાં ૭૪.૦૬%, ઉત્તર ગુજરાતમાં ૭૫.૬૮ %, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૭૩ % અને દક્ષિણ ગુજરાતમાં ૬૯.૫૯ % સરેરાશ વરસાદ પડી ગયો છે. અમદાવાદમાં અવારનવાર હળવાથી ભારે ઝાપટાં પડતાં શહેરનું તાપમાન ૬ ડિગ્રી ઘટતાં લોકોને ગરમી રાહત મળી છે. ખેડા-આણંદ જિલ્લામાં સોમવારે ગણપતિ વિસર્જન યાત્રા નીકળવાની હતી ત્યારે વહેલી સવારે જ ધોધમાર વરસાદ શરૂ થતાં ભક્તોના કાર્યક્રમ ખોરવાયા હતા. નડિયાદમાં તો ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ તૂટી પડ્યો હતો.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદે ભારે હાલાકી સર્જી હતી. માત્ર ચાર કલાકમાં ૧ર ઈંચ વરસાદ ખાબકતા ઈડર અને આસપાસના વિસ્તારો જળબંબોળ બની ગયા હતા. સાબરકાંઠાના ચાર ડેમ ઓવર ફ્લો થયા હતા. આ ઉપરાંત મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને ભિલોડા પંથકમાં પણ એકધારા વરસાદથી જનજીવનને અસર પહોંચી હતી. બનાસકાઠાં-પાટણમાં પણ વ્યાપક વરસાદ નોંધાયો હતો. ડીસામાં ૧૨ ઇંચ અને સિદ્ધપુરમાં ૬ ઇંચ જેટલો વરસાદ પડતાં સમગ્ર પંથકમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઇ હતી.
સૌરાષ્ટ્રમાં પડેલા મધ્યથી ભારે વરસાદથી મોટાભાગના જળાશયોમાં ભરાયા છે. પોરબંદર-જામનગર જિલ્લામાં સરેરાશ કરતાં પણ ૩૦ ટકા વધુ, જૂનાગઢમાં ૧૪ ટકા વધુ અને અમરેલીમાં ૭ ટકા વધુ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગરમાં માત્ર પાંચ-સાત ટકાની જ ઘટ પ્રવર્તે છે. ગીરમાં આવેલા તુલસીશ્યામમાં વાદળ ફાટતા ૧૨ ઈંચ વરસાદ પડ્યો હતો. કચ્છના મુંદ્રા, અંજાર, ગાંધીધામમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જખૌ-કોટેશ્વેરના કાંઠાળ તાલુકામાં અંતે મેઘરાજાએ મહેર કરતા વહીવટીતંત્ર દ્વારા લખપત તાલુકાને અછતમાંથી મુક્તિ મળી છે.


comments powered by Disqus