મૂળ ઉત્તર પ્રદેશના લખનઉના સંધ્યા ત્રિપાઠીના પતિ મહેશભાઈ એક ઇન્સ્યોરન્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત છે. દોઢેક વર્ષ પહેલા ઘરમાં નહિ વપરાયેલાં કપડાં જોઈને તેને કોઈ આશ્રમમાં આપવા જોઈએ તેવા ઇચ્છા રાખી હતી. તેઓ વેસુ જકાતનાકા પાસેના શ્રી ભારતીમૈયા આનંદધામ (વૃદ્ધાશ્રમ) પહોંચ્યાં હતાં. ત્યાં વૃદ્ધોની દયનીય સ્થિતિ જોઈને તેઓ પણ દુઃખી થઈ ગયા. અંતે તેમણે આશ્રમમાં જ રહેવાનું નક્કી કર્યું. જોકે આશ્રમમાં માત્ર વૃદ્ધો જ રહી શકે તેમ હતું. જોકે સંધ્યાબેને આશ્રમમાં રહેવા માટે સામેથી ભાડું આપવાની તૈયારી દર્શાવી અને તેમને મહિનાના રૂ. ૧૫ હજારના ભાડે એક રૂમ ફાળવાયો. ૩ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ આખો પરિવાર આશ્રમમાં રહેવા આવી ગયો.
સંધ્યાબેન કહે છે કે, મને વૃદ્ધોની સેવા કરવાનું ખૂબ જ ગમે છે. હું જીવનભર અહીં રહીને વડીલોની સેવા કરવા ઇચ્છું છું. મારો પરિવાર પણ મને પૂરતો સહકાર આપે છે. ખરેખર તો તેમના સહકાર વગર હું અહીં સેવા જ નહીં કરી શકું. સંધ્યાબેનના એક ભાઈ-ભાભી રશિયાના મોસ્કોમાં ડોક્ટર છે. તેમ જ બીજા ભાઈ દેહરાદૂનમાં વૈજ્ઞાનિક છે. તેમના પિતા નિવૃત્ત એન્જિનિયર છે. ભાઈઓ દર મહિને તેમનો ખર્ચો મોકલે છે.