આ મુકદ્દમો વેસ્ટર્ન કેપ હાઈ કોર્ટમાં ચલાવાશે. હત્યાનો આરોપ નકારતા શ્રીયેનનું ત્રણ વર્ષના કાનૂની યુદ્ધ પછી એપ્રિલમાં બ્રિટનથી સાઉથ આફ્રિકા પ્રત્યાર્પણ કરાયું હતું. આ પહેલા, હતાશા અને સ્ટ્રેસ ડિસઓર્ડરના કારણે તેને બ્રિટનની હોસ્પિટલમાં રખાયો હતો. કેપ ટાઉનની વોલ્કેનબર્ગ હોસ્પિટલમાં માનસિક સ્વસ્થતા વિશે સતત ૩૦ દિવસ મૂલ્યાંકન પછી તે ટ્રાયલનો સામનો કરવા સ્વસ્થ હોવાનો રિપોર્ટ નિષ્ણાત ડોક્ટરોની પેનલે આપ્યો હતો.
• સરત ચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી ઊજવાઈઃ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની સરત ચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતી હોલબોર્નના લિંકન્સ ઈન હોલમાં ઊજવાઈ હતી. બોઝની મહાન કામગીરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, ઈનોવેશન એન્ડ સ્કીલ્સ વિન્સ કેબલે લેક્ચર આપ્યું હતું. આ પ્રસંગે ‘સરત બોઝઃ ઈન્ડિયા‘સ બેરિસ્ટર-પાર્લામેન્ટેરિયન પાર એક્સેલન્સ’ પુસ્તિકાનું વિમોચન તેમની પુત્રી રોમા રાય, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
• લાયકા મીડિયાના બે રેડિયો સ્ટેશનનું નામકરણઃ લંડનઃ લાયકા મીડિયાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં હસ્તગત કરેલા બે લંડન એશિયન રેડિયો સ્ટેશનોને સત્તાવાર નામ આપ્યું હતું. અત્યાર સુધી આ સ્ટેશનો રેડિયો 1458 અને રેડિયો 1035 તરીકે બ્રોડકાસ્ટિંગ કરતાં હતાં. હવે તેઓ અનુક્રમે લાયકા રેડિયો 1458 અને લાયકા દિલ સે 1035 તરીકે કામગીરી બજાવશે. આ બે રેડિયો સ્ટેશનો માટે બ્રાન્ડ નામ પસંદ કરવા શ્રોતાઓ પાસે ઓન-એર- સ્પર્ધામાં નામો મગાવાયાં હતાં અને ૧૦૦૦ વિકલ્પોમાંથી આ નામ પસંદ કરાયાં હતાં. લાયકા ગ્રૂપના ગ્રૂપ ડેપ્યુટી ચેરમેન પ્રેમ સિવાસામીએ બિઝએશિયાને જણાવ્યું હતું કે, ‘આ સ્પર્ધાથી લંડન માર્કેટમાં નવો વળાંક આવશે. અમે નવી રેડિયો બ્રાન્ડ્સને પ્રમોટ કરવા નવી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ હાથ ધરીશું.’ જૂના સનરાઈઝ રેડિયોએ નવી ફ્રિકવન્સીમાં કામ હાથ ધર્યા પછી શ્રોતાઓમાં ગૂંચવાડાના કારણે આ બે રેડિયો સ્ટેશનોની શ્રોતાસંખ્યા ઘણી ઘટી ગઈ હતી. હવે સનરાઈઝ રેડિયોથી તેને અલગ પાડવા લંડન માર્કેટમાં નવી ઓળખનો ભારે પ્રચાર કરવામાં આવશે.