બ્રિટિશ ભારતીયોના મિત્રો અને પરિવારો યુનાઈટેડ કિંગ્ડમની મુલાકાત લેવા માટે કાર્યક્ષમ અને ઝડપી વિઝા સેવા પર આધાર રાખે છે. ૨૦૧૩માં જ ભારતમાંથી આશરે ૩૬૦,૦૦૦ વિઝા અરજીઓ સુપરત કરાઈ હતી. વિશ્વના સૌથી વ્યસ્ત વિઝા કેન્દ્રોમાંના એક મુંબઈમાં દર વર્ષે ૭૦-૮૦,૦૦૦ વિઝા અરજી મળે છે અને દિલ્હીને પણ આટલી જ અરજી મળે છે.
આ ફેરફારો સાથે લોકોના દસ્તાવેજો યોગ્ય ઈન્ટર્વ્યૂ અને કોઈ ઈન્ટરએક્શન વિના જ પ્રોસેસિંગ માટે અન્ય કેન્દ્રમાં મોકલી અપાશે. અરજીઓ અંગે સમસ્યા સર્જાય તો તેના નિરાકરણમાં ભારે વિલંબ થવાની લોકોની ચિંતા અસ્થાને નથી. આના પરિણામે હજારો ભારતીયો અને તેમના બ્રિટિશ ભારતીય સગાંસંબંધીઓને સહન કરવું પડશે.
સાંસદ કિથ વાઝે જણાવ્યું હતું કે, ‘આ નિર્ણયને બદલવો જ જોઈએ. હોમ એફેર્સ સીલેક્ટ કમિટીની ૧૫ ડિસેમ્બરની બેઠકમાં મેં આ મુદ્દો હોમ સેક્રેટરી થેરેસા મે સમક્ષ ઉઠાવ્યો હતો. તેમણે આ નિર્ણયો તપાસી જવા જણાવ્યું છે. આપણે તો દબાણ ઉભું કરવું પડશે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા લોન્ચ કરાયેલા ઈ-પિટિશન અભિયાનને મારો ટેકો છે. મેં હાઉસ ઓફ કોમન્સમાં અર્લી ડે મોશન ૬૨૬ રજૂ કરી છે. તમારા સાંસદનો સંપર્ક કરી તેના પર સહી કરવા તેમને જણાવશો.’