
તેમના લંડનસ્થિત મકાનમાં ગુલામીના આક્ષેપોની એક વર્ષ લાંબી તપાસ કરવામાં આવી હતી. કથિત ગુનાઓ ૧૯૮૦-૨૦૧૩ના સમયગાળા અને ત્રણ મહિલા સંબંધિત છે. ‘કોમરેડ બાલા’ તરીકે જાણીતા માઓવાદી નેતા બાલાક્રિષ્ણન ૧૭ ડિસેમ્બરે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થશે. તેમણે પોતાની રાજકીય વિચારધારા સાથે સંમત ત્રણ બ્રિટિશ, આઈરિશ અને મલેશિયન મહિલાને દાયકાઓ સુધી તેમના લંડનસ્થિત ઘરમાં બંધનાવસ્થામાં રાખી હોવાનું કહેવાય છે. ‘કોમરેડ બાલા’ની જામીન પર મુક્ત પત્ની ચંદા પટ્ટણી સામે કોઈ આરોપ લગાવાશે નહિ.
બ્રિટનમાં ઈમિગ્રન્ટ્સ માટે ઘણી જગ્યાના દાવાથી વિવાદઃ
ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટીના અર્થશાસ્ત્રી સ્ટીફન નિકેલે દાવો કર્યો છે કે બ્રિટનમાં ઈમિગ્રન્ટ્સ માટે ઘણી જગ્યા છે. જોકે, પાર્લામેન્ટની ટ્રેઝરી સીલેક્ટ કમિટી સમક્ષ તેમણે સ્વીકાર્યું હતું કે સામૂહિક માઈગ્રેશનથી વેતન સંકોચાય છે તથા જાહેર સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દબાણ સર્જાય છે. જોકે,લોકોની સંખ્યા અંગે મુખ્ય ચિંતા જોઈએ તો બ્રિટનમાં વધુ માઈગ્રન્ટ્સના સમાવેશ માટે પૂરતી જગ્યા છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ Ukipની નટાશા બોલ્ટેરનો દાવો ફગાવ્યોઃ
સેક્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલી Ukip ઉમેદવાર નટાશા બોલ્ટેરે કદી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવાના દાવાને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ફગાવી દીધો છે. પૂર્વ મિસ અહમદ તરીકે ઓળખાતી બોલ્ટેરે વાધામ કોલેજની વિદ્યાર્થિની હોવા સાથે પોલિટિક્સ, ફીલોસોફી અને ઈકોનોમિક્સની ડીગ્રી મેળવ્યાનો દાવો કર્યો હતો. Ukip ના જનરલ સેક્રેટરીએ તેની સાથે જાતીય કનડગત કર્યાનો આક્ષેપ મિસ બોલ્ટેરે લગાવ્યો છે. લેબર પાર્ટીમાંથી પક્ષાંતર કરી Ukipમાં આવેલી હાઈ પ્રોફાઈલ ઉમેદવારનો પરિચય સપ્ટેમ્બરમાં પક્ષના ડોનકેસ્ટર કોન્ફરન્સમાં કરાવાયો હતો.