ઉમરેઠની હોસ્પિટલ સાથે સંતરામ મંદિરના જોડાણનો અંત

Friday 12th December 2014 09:38 EST
 

• અંબાજીમાં ૩૦ લાખ ભક્તો આવ્યા

યાત્રાધામ અંબાજીમાં તાજેતરમાં ભરાયેલો સાત દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો પૂનમના દિવસે પાંચ ઇંચ ભારે વરસાદ વચ્ચે રંગેચંગે સંપન્ન થયો હતો. જ્યાં આતંકવાદી હુમલાના ઓછાયા વચ્ચે સાત દિવસમાં કુલ ૩૦,૧૨,૯૫૬ માઇભક્તોએ નિર્ભયપણે માતાજીના દર્શન કર્યા હતા અને નવરાત્રીનું આમંત્રણ પાઠવ્યું હતું. ભક્તોના દાન થકી ભંડારો છલકાતાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને રૂ. ૩.૩૩ કરોડની આવક થઇ હતી. જ્યાં ૨,૪૬,૪૮૦ યાત્રિકોએ નિઃશૂલ્ક ભોજનનો લાભ લીધો હતો. જ્યારે ૧.૭૮ લાખ મોહનથાળ પ્રસાદના પેકેટ્સ મંદિર દ્વારા વહેંચવામાં આવ્યા હતા. ભાદરવી પૂનમના દિવસે અમદાવાદના નવનીતભાઈ મૂળચંદભાઈ શાહ દ્વારા માતાજીને એક કિલો સોનું ચડાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘણા ભક્તો પોતાની શક્તિ અને ઈચ્છા અનુસાર માતાજીના ચરણોમાં સોનું ચડાવતા હોય છે.

• આવક રૂ. ૨૫૦૦ અને દંડ રૂ. ૧. ૧૧ લાખનો!

ભાવનગરનો યુવાન કે જે લારી-રેસ્ટોરન્ટમાં ડિશો સાફ કરવાનું કામ કરી મહિને માંડ
રૂ. ૨૫૦૦ કમાય છે ત્યાં તેની જ્ઞાતિના આગેવાનોએ તેને રૂ. ૧,૧૧,૦૦૦નો કારમો દંડ ફટકાર્યો છે. અને તે પણ આ યુવાનની પત્નીએ આપઘાત કર્યો છે એટલે!. લાખવડ વિસ્તારમાં રહેતા યુવાનનાં લગ્ન દસ વર્ષ પહેલાં થયાં હતાં. દંપતીને એઇડ્ઝની બીમારી અને આર્થિક સંકડામણના કારણે પત્નીએ ૧૫ દિવસ પહેલા સળગી જઈને આપઘાત કરી લેતા જ્ઞાતિના આગેવાનોએ અને સાસરિયા પક્ષના લોકોએ ભેગા મળીને ધર્માદાની રકમ રૂ. ૧,૧૧,૦૦૦ નક્કી કરી હતી. જે પૈકી રૂ. ૫૫,૦૦૦ સાસરિયા પક્ષને બનાસકાંઠા જિલ્લામાં આપવામાં આવી છે, જ્યારે બાકીના રૂ. ૫૬ હજાર અહીં જ્ઞાતિના આગેવાનો પાસે છે. યુવાને આ રકમ જમા કરાવવા પાંચ ટકાના દરે દેવું કર્યું છે.

• સોહરાબ કેસમાં વણઝારાને સાત વર્ષે જામીન પણ...

સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ બનાવટી એન્કાઉન્ટર કેસમાં મુંબઈની જેલમાં રહેલા ગુજરાતના નિવૃત્ત થયેલા સસ્પેન્ડેડ ડીઆઈજી ડી.જી. વણઝારાને સાત વર્ષ બાદ જામીન મળ્યા છે. મુંબઈ હાઈકોર્ટે વણઝારાને રૂ. બે લાખના બોન્ડ અને પાસપોર્ટ જમા કરાવવાની શરતે જામીન આપ્યા છે. ઉપરાંત તેમણે દર સોમવાર, બુધવાર અને શુક્રવારે ટ્રાયલ કોર્ટમાં હાજરી આપવી પડશે. જોકે, તેમની સામે ઈશરત જહાં બનાવટી એન્કાઉન્ટરનો કેસ ચાલી રહ્યો હોવાથી જામીન મળવા છતાં વણઝારા જેલમાંથી મુક્ત થઈ શકશે નહીં. જોકે, તેમને હવે મુંબઈની જેલમાંથી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કર્યા છે.


comments powered by Disqus