વડીલો સહિત સહુ વાચક મિત્રો, ગયા સપ્તાહે મારી કલમયાત્રાને એકાએક, અધવચ્ચેથી અટકાવવી પડી હતી. તંત્રીમંડળના સભ્યે આવીને જણાવ્યું કે અગત્યની વાંચનસામગ્રી આપવાની હોવાથી તમારા લેખ માટે આ સપ્તાહે વધુ જગ્યા ફાળવવી મુશ્કેલ બને તેમ છે. તેમની વાતને ધ્યાને લીધા વગર મારી પાસે બીજો વિકલ્પ પણ ક્યાં હતો?! મારો તેમને એટલો જ જવાબ હતો - તમે પણ વાચકોના હિતને જ સમર્પિત છો ત્યારે આમાં કંઇ વાંધો લેવા જેવું છે જ નહીં. વાચક મિત્રો, આપને વાંચનમાં રસક્ષતિ થતી હોય તો તેના માટે દિલગીર છું.
ફ્લાઇટ લેફટનન્ટ રાકેશ ચૌહાણ જેવા જવામર્દની વાત સાથે ફરી અનુસંધાન જોડું તો આ દુખદ ઘટના વેળા ગુજરાત સમાચાર - એશિયન વોઇસમાં અંજલી અપાઇ હતી તે તો અલગ વાત છે, પણ મિત્રો, સામાન્ય પણે ગુજરાતીઓ સૈનિકો, યોદ્ધા તરીકે જાણીતા નથી. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાપાન પ્રવાસ દરમિયાન પોતાને ગુજરાતી ગણાવતા કહ્યું જ હતુંને કે અમે વેપારી પ્રજા છીએ... ચૌહાણ પરિવાર પણ કદાચ આફ્રિકામાં સામાન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિ કરતો હશે. પણ અહીં બ્રિટનમાં બાના પરિશ્રમના પ્રતાપે, એક ઘરમાં શરૂ થયેલું તૈયાર વસ્ત્રોનું વેચાણ સમય વીતવા સાથે મિલન સાડી સેન્ટરના નામે લેસ્ટર, બર્મિંગહામ તેમ જ અન્ય સ્થળે જાણીતું બન્યું. હું અહીં ખાસ ભારપૂર્વક કહેવા માગું છું કે મોચી જ્ઞાતિનો આ બહાદુર, દેશદાઝવાળો યુવાન બ્રિટિશ આર્મીની રોયલ એરફોર્સ જેવી મહત્ત્વની પાંખમાં ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યો તે નાનીસૂની વાત નહોતી. કિશોરભાઇ અને જ્યોતિબહેનના આ પનોતા પુત્રે સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્રુ યુનિવર્સિટીમાં (જ્યાં પ્રિન્સ વિલિયમે કેથરીન સાથે ઈલુ ઈલુ શરૂ કર્યું હતું) ૨૦૦૮માં ડિગ્રી મેળવી. અનેકવિધ આકરી કસોટી અને કઠિન તાલીમમાંથી પસાર થયા બાદ રાકેશભાઇ આ ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા હતા. ઇન્ટેલિજન્સ યુનિટમાં તેમનો ખાસ્સો પ્રભાવ હતો. ૨૬ એપ્રિલે અફઘાનિસ્તાનમાં હેલિકોપ્ટર તૂટી પડતાં તેઓ શહીદીને વર્યા.
આપણા સમુદાયના આ વીર નૌજવાનની શહીદીને ગમે તેટલા મોટા ઇનામ-અકરામથી બિરદાવવી એ પૂરતું નથી. પરંતુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ ભવ્ય બલિદાનને એક અંજલિરૂપે આગામી એશિયન એચિવર્સ એવોર્ડ AAA-2014માં તેને એડિટર્સ ચોઇસ એવોર્ડથી સન્માનવાનું અમે નક્કી કર્યું છે. આપ સહુને જણાવતાં આનંદ થાય છે કે શ્રી કિશોરભાઇ, રાકેશભાઇના મોટા ભાઇ વગેરે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને સન્માન સ્વીકારશે.
મેં આ લેખમાં એક સંસ્થાની વાત કરી, ભજનમંડળીની વાત કરી, અને શહીદીની વાત કરી. બ્રિટન મહાન દેશ છે, અને તેમાં આપણું અનુદાન પણ ખૂબ સંગીન રહ્યું છે. ગયા સપ્તાહે ૨૮ ઓગસ્ટ, ગુરુવારે કેટલાક બૌદ્ધિક અગ્રણીઓની સેન્ટ્રલ લંડનમાં બેઠક યોજાઇ હતી. લંડન યુનિવર્સિટી નજીક રસેલ સ્કવેરમાં યોજાયેલી આ બેઠકમાં યુનિવર્સિટીના વિદ્વાનો, ત્રણેક સમાજશાસ્ત્રીઓ, અને પત્રકારો પણ ઉપસ્થિત હતા.
બેઠકમાં એ મુદ્દો પણ ઉખળ્યો કે બ્રિટનની જેલોમાં ૭૦ હજાર જેટલા ગુનેગારો એક યા બીજા ગુનાસર કેદ છે. આમાં સૌથી ઓછી સંખ્યા હિન્દુઓની છે. ચર્ચા દરમિયાન - એકમાત્ર ભારતીય તરીકે - મને પણ સાંકળતા સરસ વાત નીકળી હતી. વાતનો વિષય હતો - આઇડેન્ટીટી. વ્યક્તિની, સમાજની ઓળખની વાત હતી. તાત્પર્ય એમ કહેવાયું કે હિન્દુઓ સર્વધર્મ સમભાવમાં માને છે, વસુધૈવ કુટુંબકમના સૂત્રને અનુસરે છે. અને આ બધી વાતો માત્ર પોથીમાંના રીંગણા જેવી નથી, તેનો વાસ્તવિક જીવનમાં અમલ પણ થાય છે. અફસોસની વાત એ છે કે અન્ય સમાજના, ધર્મના લોકો આવું ગૌરવ મેળવી શક્યા નથી. મેં તેમને આપણી પ્રાણવાન સંસ્થાઓની વાત કરી. જે કોઈ બહેન કે ભાઈને સ્વેચ્છાથી સારું કામ કરવું છે અને જે સંસ્થામાં સમાજને કંઇક આપવાના યોગદાનની ભાવનાથી જોડાય છે તે અવશ્ય પ્રશંસનીય કાર્ય કરી જ જાણે છે. દરેક સંસ્થાના કમિટી મેમ્બર કે આગેવાન - પોતાની જવાબદારી પ્રત્યે - થોડુંક વધુ ધ્યાન આપે, સમાજ તેમની પાસે શું અપેક્ષા રાખે છે તે વિશે વિચારે? અને પોતે સમાજને શું આપી શકે તેમ છે તેનો વિચાર કરીને આપણા સંસ્કારવારસાને જીવંત રાખવા માટે, ધબકતો રાખવા માટે નક્કર પ્રયાસ કરે તો આપણી નાની-મોટી દરેક સંસ્થાઓ સુંદર અનુદાન આપી શકે તેમ છે.
અને છેલ્લે... આપણી સંસ્કૃતિમાં, સંસ્કારમાં ભક્ત, દાતા અને વીરનું અદકું સ્થાન ગણાય છે. આ ત્રણેય શબ્દોના અર્થને વ્યાપક સ્વરૂપમાં ઘટાવવા વિનંતી છે. ભક્ત એટલે ભજન-કીર્તન કે પૂજન-અર્ચન કરે તે જ નહીં, દાતા એટલે નાણાં દાન આપે તે જ નહીં. આ જ પ્રમાણે વીરતાની વાત કરું તો, સ્વ. રાકેશભાઇ ચૌહાણની જેમ શહાદત પામનાર જ વીર એવું નથી. વિચાર-વાણી-વર્તનમાં નમકહલાલી, પ્રમાણિક્તા, કર્તવ્યપરાયણતા, દેશપ્રેમ, સમાજપરસ્તી... દાખવીને પણ તમે વીરતા સાબિત કરી શકો છો. પ્રવર્તમાન સમયમાં આ બધા શબ્દોના ઉપલક્ષ્યમાં વીર શબ્દની વ્યાખ્યા વધુ વ્યાપક સ્વરૂપમાં કરવાનું વધુ યોગ્ય ગણાય તેવું મારું માનવું છે.
સહુ વાચક મિત્રોને આગામી સપ્તાહે શરૂ થઇ રહેલું નવલી નવરાત્રીનું પર્વ સુખ અને શાંતિમય તેમ જ આનંદદાયક નીવડે તેવી મા જગદંબાને પ્રાર્થના. (ક્રમશઃ)