મોંઘેરા મહેમાન અને અઘરા પડકારો...

વિષ્ણુ પંડ્યા Friday 12th December 2014 08:22 EST
 

ત્રિવિધ તૈયારીમાં ગુજરાત
સોમવારે આ કોલમ લખી રહ્યો છું ત્યારે ‘સલામ શહેરે અમદાવાદ’ બે નેતાઓનાં સ્વાગતની તૈયારીઓ મસ્ત છે. એક તો, પોતાનો જ નેતા - જે ગાંધીનગરથી હવે નવી દિલ્હીના ૭, રેસકોર્સ માર્ગ પર વડા પ્રધાન તરીકે પહોંચ્યો છે - તે, અને બીજા ચીની રાષ્ટ્રપ્રમુખ શી ઝીનપિંગ. બન્નેની સાથે બીજા ઘણાનો કાફલો છે, તેઓ રિવરફ્રન્ટ, વસ્ત્રાપુરની ‘હયાત’ હોટેલ, ગાંધીજીનો સાબરમતી આશ્રમ... આ બધાંનો અસબાબ માણશે! બેશક, ગુજરાતનાં મુખ્ય પ્રધાનને માટે ય ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પૂર્વેનો આ ‘અપૂર્વ અવસર’ છે. બરાબર આ જ મોકે વિધાનસભાની નવ વત્તા એક લોકસભાની પેટા-ચૂંટણીનાં પરિણામો પણ છે. આ બેઠકોના વિજયની સાથોસાથ ‘સપ્ટેમ્બર-બોર્ન’ મોદીની જન્મતારીખ (૧૬ સપ્ટેમ્બર) પણ ઊજવાશે.

આ ત્રિપાંખિયા મોરચાની ભીતરમાં ઘણું બધું સમાયેલું પડ્યું છે. ચીની રાષ્ટ્રપ્રમુખ આવી ‘મોંઘેરી મહેમાનગતિ’ માણે ને કંઈ વળતર ન ચૂકવે એવું તો કેમ બને? એટલે કેટલાક પ્રોજેક્ટ્સ, કેટલાક વિદ્યાકીય એમઓયુ (સમજૂતિ કરાર) વગેરે વગેરે પર સહી-સિક્કા થશે.
વડોદરાના તિબેટ યુવકોને આ દિવસોમાં અચાનક મળવાનું થયું! વડોદરા યુનિવર્સિટીમાં એક પરિસંવાદ નિમિત્તે જવાનું થયું ત્યારે ત્રણ પેઢીથી ‘બેવતન’ રહેલા તિબેટી છોકરા-છોકરીઓ એવી આશા રાકીને બેઠા છે કે કાશ, નવા વડા પ્રધાન ચીની નેતાને સમજાવે કે તિબેટ પાછા જવાનો મોકો મળે!
આવું બનશે? એ સવાલ પણ તેમના ચહેરા પર હતો. જોકે બધાએ ભારતને હવે પોતાનું વતન માની લીધું છે, પણ તોયે ‘હદપારી’નો અનુભવ સાવ કેમ ભૂલાય?
જાન્યુઆરીની વાયબ્રન્સી
પેટા-ચૂંટણીઓ ખરેખર ‘પેટા’ જ બની રહી. જે ઉત્સાહ ૨૦૧૨ અને ૨૦૧૪માં હતો અને અસ્તિત્વની લડાઈનો માહોલ હતો તે દેખાયો નહીં. ટકાવારી ૫૦ની આસપાસ રહી. ઓછું મતદાન પણ ભાજપને ફાયદો કરાવનારું બની રહ્યું. કોંગ્રેસ હજુ પેલી કમરતોડ સ્થિતિમાંથી બહાર આવી જ નથી. ગુજરાત જેવા પ્રદેશમાં મહત્ત્વની ગણાય તેવી આ પેટા-ચૂંટણીમાં પ્રચારાર્થે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી આવ્યાં જ નહીં!
જાન્યુઆરી વળી ગુજરાતનો વૈશ્વિક મહિનો બની જશે. આ વખતે ‘પ્રવાસી ભારતીય દિવસ’ ગાંધીનગરમાં ઠાઠમાઠથી ઊજવાશે. ‘વાઇબ્રન્ટ ગુજરાત’ અન્ય દેશો સહિતના ઉદ્યોગપતિઓનો પ્રસંગ બની રહેશે. તંત્ર આખું તેમાં કામે લાગી ગયું છે અને કેટલાંક પ્રતિનિધિ મંડળો વિદેશની લટાર મારવા ગયાં છે. ૨૦૦૫થી નરેન્દ્ર મોદીએ આ ‘સ્પંદિત ગુજરાત’ના ઉત્સવની શરૂઆત કરી હતી, તે પૂર્વે નવરાત્રિ ઉત્સવ રંગેચંગે ઉજવાશે. ‘ગુજરાત’ અને ‘નવરાત’ની વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે.
ગયા સપ્તાહે બહુચરાજીનાં દર્શનનો મોકો મળ્યો. આ સ્થાન ભારતીય સંસ્કૃતિમાં ‘સ્ત્રીશક્તિ’નું મહત્ત્વનું ગૌરવ ધરાવે છે. મુખ્ય મંદિરની પાસે જ વરખડી વૃક્ષ તળે એક નાનું મંદિર છે, શક્તિ-સ્વરૂપાનો સાક્ષાત્કાર ત્યાં થયો હતો. બીજી તરફ, ‘વલ્લભ ભટ્ટનું સ્થાન મંદિર’ છે. મધ્યકાળનો આ મોટા ગજાનો ભક્ત કવિ તેણે રચેલા માતાના ગરબાઓથી લોકોના હૈયે જળવાઈ રહ્યો છે. કેવાં કેવાં આપણાં સાંસ્કૃતિક ઇતિહાસનાં આ સ્થાનો છે! ગુજરાતમાં ચોટીલામાં ચામુંડા, અંબાજીમાં અંબા, પાવાગઢમાં આરાસુરી, કચ્છમાં આશાપુરા, ભાવનગર પાસે ખોડિયાર, પોરબંદર નજીક હરસિદ્ધિ, હળવદમાં ત્રિપુરા સુંદરી, પાકિસ્તાનમાં હિંગળાજ, ભદ્રમાં મહાકાળી આ બધાં માતૃશક્તિનાં ભક્તિકેન્દ્રો છે. નવરાત દરમિયાન તેમની અર્ચના ગરબે ઘૂમીને થશે તે પ્રથમાથી વિજયાદશમી અને પછી આશ્વિન પૂર્ણિમાએ ય ખરી. આનંદીબહેને ઉપાડેલાં સ્ત્રી-સશક્તિકરણના આ બધાં પૂર્વજો છે. ‘મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે...’થી માંડીને ‘જય આદ્યાશક્તિ...’ સુધીનો સ્વર સાંભળવા માટે નવરાત્રિ મહત્ત્વનું પર્વ છે. જોકે બદલાતા સમયે તેમાં ઘણો બદલાવ કર્યો. નાનકડા ચોકમાં, માટીના ગરબાની પ્રદક્ષિણા કરવા જેવો રાસ - જેમાં સામેલ યુવતીઓ મીઠી હલકથી ગરબો ગાતી હોય, - તે હવે દુર્લભ છે.
સ્મરણ ટંકારાના ઋષિનું
‘ગુજરાત સમાચાર’નાં માધ્યમથી ઇંગ્લેન્ડમાં ગુજરાતી પરિવારોનો સંપર્ક અને સંબંધ થઈ ચૂક્યો છે તેને મારી આ કોલમનું સદ્ભાગ્ય ગણું છું. કેટલાક ફોન પર વાત કરે, વળી ઇ-મેઇલ પણ આવે. લંડનસ્થિત કાર્યાલયમાં આવતા પત્રોમાંથી મહત્ત્વના અહીં મળી જાય છે. અગાઉ અમારાં પૂર્વ સામયિક ‘ચાંદની’ના વાર્તાકાર નયના નકુમની સાથે આ રીતે સંપર્ક થયો હતો.

હમણાં સવિતાબહેન શુકલનો રસપ્રદ પત્ર આવ્યો છે એમાં તેમણે સૌરાષ્ટ્રના ટંકારામાં જનમેલા મૂળશંકર કરશનજી ત્રવાડી (લેખિકાએ ‘તિવારી’ લખ્યું છે, તે ગુજરાત બહારના હિન્દી ભાષી અને પંજાબી પ્રદેશોમાં પ્રચલિત છે. તિવારી - ત્રવાડી - તરવાડી, દવે - દ્વિવેદી, પાંડે - પાંડ્યા - પંડ્યા - પંડિત, વહોરા - વોરા, બટ – ભટ્ટ... આ નામ–સફરો રોચક છે.) વિક્રમ સંવત ૧૮૮૧માં જન્મ્યા હતા અને મહાપ્રસ્થાન કર્યું દીપોત્સવી, ૧૯૩૯ એટલે કે વિક્રમ સંવત ૧૮૮૩માં. આ મહાપુરુષને વિષ આપીને મારી નાખવામાં આવ્યા, બરાબર સોક્રેટિસની જેમ!
સવિતાબહેને સ્વામી દયાનંદ સરસ્વતિની ઘણી રોચક માહિતી પૂરી પાડી છે ને જણાવ્યું છે કે ‘ગુજરાત સમાચાર’એ સ્વામી દયાનંદની જીવની ક્રમશઃ પ્રકાશિત કરવી જોઈએ. (તેનો નિર્ણય સમાચાર સાપ્તાહિકના સંચાલકોના હાથમાં છે. આપણે સી. બી. પટેલને કહીએ કે ‘જીવંત પંથ’ કોલમમાં તેઓ આ ‘વિપ્લવી ઋષિ’ વિશે લખે!) મને એ વાતનું સ્મરણ થઈ આવ્યું કે દયાનંદ સરસ્વતિએ ૧૮૫૭ના વિપ્લવને પ્રચંડ સ્વરૂપ આપવા ત્રણ વર્ષ અજ્ઞાતવાસ સેવ્યો હતો તેની ચર્ચા કરવા માટે ટંકારા જવાનું થયેલું, ‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ ગ્રંથ લેખન ચાલુ હતું. (તેનું લોકાર્પણ ‘ગુજરાત સમાચાર’ અને શ્રી સી. બી. પટેલે અમદાવાદમાં એનસીજીઓ સાથે ગોઠવેલું. તેમાં આદરણીય મોરારિબાપુ અને તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ માટે આવ્યા હતા.) એટલે ટંકારામાં મુનિ દયાળ આર્યને મળવાનું બન્યું. આ અદ્ભુત વ્યક્તિ છે. પૂર્વજીવનમાં દરજી કામ કરનારા, બહુ ભણેલા નહીં તેવા દયાળ મુનિએ તમામ વેદોનું સુરમ્ય ભાષાંતર અને દયાનંદ સરસ્વતિનાં જીવન તેમ જ દર્શન વિશે આધિકારિક લેખન કર્યું છે. ટંકારામાં એક નાનકડાં મકાનમાં તેમનાં ધર્મપત્નીની સાથે રહે છે અને મોટી વયે પણ લગાતાર લેખન-ચિંતન ચાલુ છે.
સવિતાબહેનનો સામગ્રીપૂર્ણ લેખ અત્યંત રસપ્રદ છે. ટૂંકા લેખમાં તેમણે દયાનંદ સરસ્વતિનું મહા-પ્રદાન વર્ણવ્યું છે. ઇંગ્લેન્ડમાં રહીને ટંકારાના આ મહર્ષિનું પૂણ્યસ્મરણ તેમણે કર્યું તે વતનપ્રીતિનો આહલાદક નમુનો ગણાય.


comments powered by Disqus