ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ હવે આ ઝુંબેશમાં જોડાયા છે. તેમણે પણ કેન્દ્રીય ઉડ્ડય પ્રધાન અશોક ગજપતિ રાજુને વિસ્તૃત પત્ર લખીને આ સીધી ફ્લાઇટ ફરીથી શરૂ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે, યુકેમાં લાખો ગુજરાતીઓ સ્થાયી થયા છે અને ત્યાંથી મોટી સંખ્યામાં લોકો વારંવાર ગુજરાતની મુલાકાત લે છે, ગુજરાતથી પણ અનેક લોકો પણ યુકેમાં વસતાં તેમના સ્વજનોની મુલાકાતે અનેકવાર જાય છે. આ ઉપરાંત યુકે અને ગુજરાત વચ્ચે આર્થિક સંબંધો છે.
અગાઉ આ સેક્ટરમાં સીધી ફ્લાઇટ હતી તેથી પ્રવાસીઓ વધુ સુવિધા અનુભવતા હતા. અત્યારે અમદાવાદ-લંડન વચ્ચે સીધી ફ્લાઇટ ન હોવાથી પ્રવાસીઓને મુંબઇ, દિલ્હી, અબુ ધાબી અથવા તો દોહા થઇને જવું પડે છે, જેથી વૃદ્ધ પ્રવાસીઓ, બાળકો અને સગર્ભા મહિલાઓને મુસાફરીમાં મુશ્કેલી થાય છે.
જો સીધી ફ્લાઇટની સુવિધા મળે તો યુકેથી ભારતના ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે અને દ્વીપક્ષીય આર્થિક સંબંધોમાં પણ વધારો થશે. આથી આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-લંડન વચ્ચે સીધી ફ્લાઇટ ઝડપથી શરૂ થવી જોઇએ.