સાંભળ્યું છે કે ‘મા-બાપના આશીર્વાદ’ નામની એક ફિલમ સુપરહિટ થઈ ગયા પછી ઓછામાં ઓછી એક ડઝન નવી ગુજરાતી ફિલ્મો એકસાથે બની રહી છે. અને તેનાથી બમણી ગુજરાતી ફિલ્મોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવા જ એક પ્રોડ્યચુસર, નામે હરખજીભાઈ હૈશોહૈશો અમારી પાસે આવ્યા. અને....
‘સ્ટોરી લખી દ્યો!’
‘લલ્લિતભાઇ! ઓ લલ્લિતભાઇ!’ અમે ખયાલી પુલાવ બનાવતાં બનાવતાં ઊંઘી ગયા હતા ત્યાં એક ભાઈએ અમને જગાડ્યા.
‘મન્નુભાઈ, આ હરખજીભાઈ હૈશોહૈશો સે. ને હું એમનો ભાણો સું! અમારે એક ગુજરાતી ફિલ્મ બનાવવી સે, તો તમે સ્ટોરી લખી દ્યો?’
‘લખી દઈએ, એમાં શું?’ મેં કહ્યું, ‘તમે કેટલા પૈસા આપશો?’
‘હવે એમાં ક્યાં મોટો મીર મારવો સે?’ હરખજીભાઈએ પાનમસાલાની પિચકારી મારતાં કહ્યું, ‘સ્ટોરી તો અમારી કને તૈયાર જ સે. તમારે તો બસ અમે ક’ઈએ એમ લખી દેવાની! હવે તમે કેટલા પૈસા લેશો એમ ક્યોને?’
મને લાગ્યું કે આ પાર્ટી જરા સદ્ધર લાગે છે. એટલે મેં મોઢું ગંભીર રાખીને આંકડો પાડ્યો, ‘આમ તો એવું છે કે ગઈ કાલે જ એક પ્રોડ્યુસર સાથે મારે વાત થઈ છે. એ મને ૧૦૧ રૂપિયા અને મારે પીવી હોય એટલી ચા મફત આપવાના છે.’
‘હું કીધું?’ હરજીભાઈ ભડક્યા, ‘એકસો ને એક રૂપિયા તો જાણે હમજ્યા, પણ ઉપર્યથી તમારે પીવી હોય એટલી ચા? ઇ નો પોહાય!’
‘કેમ? કેમ ન પોષાય?’
‘અરે લલ્લિતભાઇ, ઓલ્યા પ્રોડ્યુસરને તો ચાની રેંકડી હાલે સે! અમારે તો શિંગ-ચણાનો ખૂમચો જ સે!’
ટૂંકમાં, ગુજરાતી ફિલ્મોનું નિર્માણ હવે એટલું લલચામણું થઈ ગયું છે કે શિંગ-ચણાના ખૂમચાના માલિકો જેવા ધરખમ આસામી પણ આ લાઇનમાં રોકાણ કરવા લાગ્યા છે!
‘માધુરીને લયાવો!’
મને સ્ટોરી લખવા માટે હરખજીમામાએ સવા રૂપિયાની સાઇનિંગ એમાઉન્ટ આપી દીધી ત્યારથી ભાણિયાનો હરખ સમાતો ન હતો. મને કહે, ‘લ્યો લલ્લિતભાઇ, દાળિયાના બે દાણા મારા તરફથી! પણ સ્ટોરીમાં એવી કાંઈક સિચ્યુએશન ઊભી કરો કે આપણે હિંદી ફિલ્મના મોટા મોટા સ્ટારને મહેમાન કલાકાર તરીકે લાવીને રોલો પાડી દંઈ!’
આ સાંભળતાં જ હરખજીમામા ભડક્યા, ‘ભાણિયા, એ બધાના ભાવની કાંઈ ખબર્ય સે?’
‘મેં હંધીય તપાસ કરી સે મામા!’ ભાણો તરત જ લિસ્ટ સંભળાવવા માંડ્યો, ‘સલમાન ખાન બનિયાન ઉતારીને બોડી બતાડવાના વીસ લાખ રૂપિયા લ્યે સે! ને ઓલ્યો અકસયકુમાર ગુજરાતી ફિલ્મોમાં એક ફેંટ મારવાના પાંચ લાખ લ્યે સે. કેટરીના કૈફ જો ચણિયાચોળી પહેરીને ગુજરાતી ફિલ્મમાં નાચે તો એક ગાયનના પચ્ચીસ લાખ, ને ફરાક પેરીને નાચે તો ફક્ત પંદર લાખ!’
‘એવું કેવું?’ મેં પૂછયું, ‘ફ્રોક પહેરીને નાચવાના પૈસા ઓછા શા માટે?’
‘એમાં એવું સે...’ ભાણિયાએ મને સમજાવ્યું, ‘કે ફરાક ઉલાળવા હાટું કમર જરીક જ હલાવવી પડે. પણ આખેઆખો ચણિયો ઉલાળવો હોય તો કમ્મરને બવ ઝટકા લાગે! અટલે!!’
‘અરે પણ ભાણા, આપણી પાંહે બજેટ હાવ ઓછું સે!’ મામા ટેન્શનમાં હતા. ‘આપણને મે’માન કલાકાર નો પોહાય!’
‘પણ ઇ તો લાવવા જ પડે મામા! બીજી હંધીયે ગુજરાતી ફિલ્મુંમાં મે’માન કલાકારો આવવાના સે!’
‘એમ? તો તું ઓલી ‘ઝલક દિખલા જા’ વાળી માધુરી દીક્ષિતને લયાવ! પણ મારા બજેટમાં!’ મામાએ ચેલેંજ ફેંકી.
‘લયાવી દંઈ!’ ભાણિયાએ ચેલેંજ ઉપાડી લીધી.
થોડા દિવસો બાદ ભાણિયો દોડતો દોડતો આવ્યો, ‘લલ્લિતભાઇ! માધુરી આવી ગઈ!’
‘મારા બજેટમાં આવી ગઈ? નો હોય!’ મામા પણ આશ્ચર્યચકિત થઈ ગયા.
‘તો શું હોય? હાલો બતાડું!’ ભાણાભાઈએ કહ્યું, ભાણાભાઈ અમને એક રૂમમાં લઈ ગયા. ત્યાં ‘મોગલ-એ-આઝમ’ ફિલ્મમાં હોય છે તેમ એક પૂતળાની ઉપર કપડું ઢાંકેલું હતું.
‘આલે લે! આ તો પૂતળું સે!’ મામા બગડ્યા.
‘પણ હાલતું ચાલતું પૂતળું સે!’ ભાણાએ ફોડ પાડ્યો, ‘અદલોઅદલ માધુરી જેવી જ દેખાય સે, તમે જાતે જ જોઈ લ્યો મામા!’
મામાએ પૂતળા પરનું કપડું ઉતાર્યું અને એમની આંખો ફાટી ગઈ. ‘આ? આ... આ માધુરી સે? આના વાળ તો કાળી ચીંદરડીઓ જેવા સે. અને કપડાં તો ફાટી ગયેલા કંતાન અને ઘસાય ગયેલી શેતરંજીમાંથી બનાવાયાં હોય એવાં સે! એના હાથપગ કેમ આમ સિમેન્ટમાંથી બનાવાયા હોય એવા કડક ચોસલા જેવા સે?’
મામા માધુરીનું જોઈને સાવ જ ડઘાઈ ગયા. ‘અને આનું મોં કેમ હાવ સપાટ પાટિયા જેવું સે? એની આંખો ક્યાં? નાક ક્યાં? હોઠ ક્યાં?’ મામા હવે ભાણા ઉપર બગડ્યા, ‘આ માધુરી જેવી જરાય નથી લાગતી!’
‘આ અદલોઅદલ માધુરી જ સે!’ ભાણાએ શાંતિથી જવાબ આપ્યો, ‘મેં ભારતના મહાન પેઇન્ટર એમ. એફ. હુસેનના પેઇન્ટિંગની કોપી ટુ કોપી નકલ કરાવડાવી સે!’
‘ઇ તો આપણને ઓળખે સે!’
‘હરખજીભાઈ, વાર્તા તો જાણે લખાઈ જશે. પણ ગાયનોનું શું?’ મેં હરખજીભાઈ હૈશોહૈશોને સિરિયસલી પૂછયું, ‘ગીતો રેકોર્ડ કરાવવાં પડશે ને?’
‘ગીતો હવે નવાં ક્યાં રેકોર્ડ કરાવવાં?’ હરખજીભાઈએ જવાબ આપ્યો. ‘હંધાય ગરબા, ને હંધાય લોકગીતું, હંધીય આરતીંયું ને હંધાય ભજનું ગુજરાતી ફિલ્મંમાં આવી ગ્યાં સે! હવે નવાં લાવવાં ક્યાંથી?’
‘તો શું કરશો?’
‘ગૌરાંગ વ્યાસ આપણા ઓળખીતા સે. એમના બાપા એક વાર રાજકોટ આયવા’તા ને? ત્યારે મારે ખૂમચેથી પડીકું ભરીને શિંગ લીધેલી! તે વહેવારે આપણેય ગૌરાંગભાઈ પાંહેથી કાંઈક લઈ લેશું!’
‘પણ પછી સ્ટુડિયોમાં શૂટિંગ પણ કરવું પડશે ને? એનું પ્લાનિંગ-’
‘ઇ લક્ષ્મી સ્ટુડિયોવાળા આપણા ઓળખીતા જ સે! ઇ હંધુય ગોઠવી દેશે.’
‘અને આ એક્ટરો? એનું શું?’
‘નરેશ કનોડિયાને હું વરસોથી ઓળખું! ઇની મ્યુઝિક પાલટીમાં હું ખંજરી વગાડતો! ને ઇનો બાબલો ને બેબલી તો મારા ખોળામાં રમતાં!’
‘પણ-’
‘આપણી ઓળખાણો બ...વ લાંબી સે લલ્લિતભાઇ! ને આપણે હંધુય ઓળખાણ ઓળખાણમાં જ પતાવવું સે.’
‘આ હિસાબે તો તમારી ફિલમ બીજે જ દ્હાડે ફ્લોપ થઇ જવાની.’ મેં કહ્યું.
‘કેમ?’
‘કારણ કે હવે પ્રેક્ષકો પણ તમને ઓળખી ગયા છે!’
‘કોમેડીનું કાંઈક કરો!’
‘લલ્લિતભાઇ, આ કોમેડીનું હું કરશું?’ હરખજીભાઈ ચિંતામાં હતા. ‘રમેશ મહેતા ગ્યા પસી લોકો દાંત કાઢવાનું ભૂલી ગ્યા સે!’
‘સાવ એવું નથી હરખજીભાઈ’, મેં કહ્યું, ‘આ ટીવીમાં જે બેસ્ટ કોમેડી સિરિયલો આવે છે તેમાં મોટા ભાગના કોમેડિયનો ગુજરાતી જ છે.’
‘પણ ઇ નો હાલેને?’ હરખજીભાઈ કહે, ‘રમેશ મહેતા તો કાંઈ નો કરે તોય લોકો દાંત કાઢતા!’
‘પણ આ ટીવીવાળો આઇડિયા હારો સે!’ ભાણિયાએ તરત ઝુકાવ્યું, ‘આપણે ટીવીમાં હંભળાય સે એમ દાંત કાઢવાના અવાજું રેકોર્ડ કરાવીને ફિલમમાં નાખી દેશું!’
‘હવે ઇ રેકોર્ડિંગનોય ક્યાં ખર્ચો કરવો?’ હરખજીમામાએ આઇડિયા આપ્યો, ‘આપણે ટેક્નિસિયનુને ક’ઈ દેશું કે ભાઈ કોમેડી સીનનું સૂટિંગ થાતું હોય ત્યારે ભેગાભેગા તમે હંધાય દાંત કાઢજો!’
‘એ તો આમેય કાઢશે!’ મેં કહ્યું, ‘જો ટેક્નિશિયનો સમજદાર હશે તો.’
‘ટાઇટાનિક લયાવો!’
‘લલ્લિતભાઇ, ટાઇટાનિક જોઈ ટાઇટાનિક?’ ભાણિયો સખત ઉત્તેજનામાં હતો. ‘આપણી ફિલ્મમાં છેલ્લા રીલમાં એવું કાં’ક લઈ આવો કે મોટી દૈત જેવી આગબોટ દરિયામાં ડૂબી જાય!’
મેં કહ્યું, ‘પણ એ મોટી દૈત જેવી આગબોટ તમે લાવશો ક્યાંથી? એનો સેટ બનાવશો ક્યાંથી?’
મામા કહે, ‘ચિંતા નો કરો મન્નુભાઈ. આપણે દેશી વહાણ ડુબાડશું.’
મેં કહ્યું, ‘પણ વહાણ ભાડે રાખવાનું અને પછી એને ડુબાડી દેવાનું બજેટ ક્યાં છે?’
‘તો હોડી ડુબાડી દંઈ!’ મામા પાસે ઉકેલ હાજર હતો. ‘હોડી તો ડૂબે કે નંઈ?’
‘ડૂબે.’ મેં કહ્યું, ‘પણ એને મધદરિયે ડુબાડવી પડે. તમે આખા યુનિટને લઈને દરિયાની વચ્ચોવચ શૂટિંગ કરવા જવાના છો?’
‘આપણે ખાબોચિયામાં શૂટિંગ કરીશું!’ મામાએ કહ્યું, ‘પણ હોડી તો ડુબાડવી જ જોશે!’
‘પણ ખાબોચિયામાં હોડી ન ડૂબે!’
‘કેમ ન ડૂબે?’ ભાણિયાએ તરત ચપટી વગાડીને ઉકેલ આપ્યો, ‘આપણા બજેટમાં જે હોડી બનાવવાની ઈ તો કાગળની જ બનાવાની ને? પછી ઇ કેમ નો ડૂબે?’
•••
આમ, અમે તો મામાની ફરમાઇશ મુજબ વારતા લખી દીધી છે. હવે જોજો ફિલમ આવે ત્યારે તમે જોઈને દાંત નો કાઢતા! બાકી ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!