બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરને આ કૃત્યને બર્બર ગણાવીને દોષિતોને દંડવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે આ શેતાની કૃત્ય આચરનાર હત્યારાઓને, ભલે ગમેતેટલો સમય લાગે, સજા અચૂક મળશે. યુએસ પ્રમુખ બરાક ઓબામાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ધરાશયી કરી નાખનાર આતંકી હુમલાની તેરમી વરસીએ રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં વિશ્વભરમાં માથું ઊંચકી રહેલા ‘આઇસીસ’ નામના દૈત્યનું માથું કચડી નાખવાનું એલાન કર્યું છે. આ અમેરિકી જાહેરાતને બ્રિટને સમર્થન જાહેર કર્યું તેના બીજા જ દિવસે ડેવિડ હેન્સની હત્યાનો વીડિયો જાહેર થયો છે. હેન્સની હત્યા પૂર્વે - બ્રિટિશ મનાતા - આતંકવાદીએ ઉચ્ચારેલી ધમકી સૂચક છે. તેનું કહેવું હતું - ‘આઇસીસ’ સામે લડી રહેલા કુર્દ યોદ્ધાઓને બ્રિટન જે મદદ કરી રહ્યું તેનો આ જવાબ છે. પશ્ચિમી દેશનો આ ત્રીજો નાગરિક ‘આઇસીસ’નો ભોગ બન્યો છે. એટલું જ નહીં, ‘આઇસીસ’એ પોતાના કબ્જામાં રહેલા બીજા એક બ્રિટિશ નાગરિકના પણ આ જ હાલ કરવા ધમકી ઉચ્ચારી છે. વિશ્લેષકોના મતે ‘આઇસીસ’નું આતંકી કૃત્ય દર્શાવે છે કે - વિશ્વ તેમની સામે એકસંપ થઇ રહ્યું હોવાથી - હવે તેઓ મરણિયા બન્યા છે. તેઓ કોઇ પણ સંજોગોમાં ઝૂકવા માગતા નથી.
વિશ્લેષકોનું તારણ ખોટું નથી. અમેરિકાએ ‘આઇસીસ’ સામે જાહેર કરેલા જંગને વિશ્વભરમાંથી સમર્થન સાંપડી રહ્યું છે. અમેરિકાના વિદેશ પ્રધાન જ્હોન કેરીએ સોમવારે પેરિસમાં જાહેર કર્યું હતું કે ‘આઇસીસ’ સામેની લશ્કરી કાર્યવાહીને ૪૦થી વધુ દેશોએ સમર્થન આપ્યું છે. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન ટોની એબોટે ૬૦૦ વધુ સૈનિકો અને દસ યુદ્ધ વિમાનોને ફાળવવા તૈયારી દર્શાવી છે તો ફ્રાન્સે પણ ‘આઇસીસ’ના કબ્જાગ્રસ્ત હેઠળના ઇરાકી વિસ્તારોમાં હવાઇહુમલામાં જોડાવાની જાહેરાત કરી છે. અમેરિકાના એલાનને ટેકો જાહેર કરનારા દેશોમાં મુસ્લિમ બહુમતી ધરાવતા આરબ દેશો પણ સામેલ છે તે જ દર્શાવે છે કે ધર્મના નામે કટ્ટરવાદ ફેલાવતા તત્વોને તેમના જ સમુદાયનું સમર્થન નથી.
અલબત્ત, વિશ્વ ભલે ‘આઇસીસ’ સામે એક થઇ રહ્યું હોય, પણ બ્રિટનમાં આતંકવાદ સામેના જંગમાં જોડાવાના મુદ્દે બે-મત પ્રવર્તે છે. હાઉસ ઓફ કોમન્સના સાંસદોનો બહુમતી વર્ગ માને છે કે બ્રિટને કોઇ પણ પગલું ભરતાં પહેલાં સ્કોટલેન્ડમાં જનમત લેવાય જાય ત્યાં સુધી રાહ જોવી જોઇએ. જ્યારે બીજી તરફ, કેમરનના સાથી સંસદ સભ્યો માને છે કે વડા પ્રધાને હવે ઝડપી કાર્યવાહી કરવી જોઇએ. ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન લિયામ ફોકસનું સ્પષ્ટ માનવું છે કે વધુ મોડું થઇ જાય તે પહેલાં બ્રિટને ‘આઇસીસ’ પર હવાઇહુમલા શરૂ કરી દેવા જોઇએ.
બે અંતિમ છેડાના આ અભિપ્રાયો પાછળ કઇ રાજકીય ગણતરીઓ રહેલી છે એ તો તેઓ જ જાણે, પણ આપણે સૌ તો એટલું ઇચ્છીએ જ કે આતંકવાદ સામેની લડાઇમાં રાષ્ટ્રહિત સર્વોપરિ હોવું જોઇએ. ‘આઇસીસ’ જેવા આતંકવાદી પરિબળો સામે કાર્યવાહી કરવાના મુદ્દે કોઇ મતભેદ હોવા જ જોઇએ નહીં. હજુ પણ એક બ્રિટિશ નાગરિક ‘આઇસીસ’ના કબ્જામાં હોવાથી તેમની સામે લશ્કરી કાર્યવાહી કરવી કે કેમ તે અંગે કેમરનને દ્વિધા હોય તો તે સમજી શકાય તેવી વાત છે, અન્યથા કોઇ અવઢવને સ્થાન નથી. બ્રિટનના વરિષ્ઠ ઇમામ સહિત બ્રિટનના મુસ્લિમ સમુદાયે પણ ડેવિડ હેન્સની હત્યાને વખોડી છે તે ઉલ્લેખનીય છે. લીડ્સની મક્કા મસ્જિદના ઇમામ ડો. કારી અસિમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બ્રિટિશ નાગરિકો પર હુમલો એ બ્રિટન પર હુમલો છે અને ‘આઇસીસ’ આતંકીઓના આ કૃત્યની તેઓ નિંદા કરે છે. બ્રિટનમાં વસતાં લોકોનો આ મૂડ દર્શાવે છે કે લોકોની ત્વચાનો રંગ અલગ હોય શકે છે, પણ આતંકવાદ-વિરુદ્ધ તેઓ એક-મત છે.