લંડનઃ અમેરિકી ટેલિવિઝન ડ્રામા ‘બ્રેકિંગ બેડ’માંથી પ્રેરણા મેળવી બાર્કલેઝ બેન્કની ૩૮ વર્ષીય ગ્રાફિક ડિઝાઈનર કુંતલ પટેલે તેની મેજિસ્ટ્રેટ માતા મીના પટેલને કાતિલ ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની રજૂઆત સધર્ક ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ છે. આ માટે તેણે ઈન્ટરનેટ મારફત કાતિલ ઝેર એબ્રિન ખરીદયું હતું. પાર્ક રોડની કુંતલને તેના અમેરિકન પ્રેમી નિરજ કાકડ સાથે લગ્ન કરવા માતા મીના પટેલે મનાઈ ફરમાવી હતી. કાકડ સાથે તેની મુલાકાત ઈન્ટરનેટ પર થઈ હતી. થેમ્સ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ અને રેસ રિલેશન્સ વિભાગમાં કાર્યરત મેજિસ્ટ્રેટ મીના પટેલ અંગત જીવનમાં ‘માયાળુ મહિલા’ ન હોવાની રજૂઆત કરાઈ હતી. બે પુત્રીઓ કુંતલ અને પૂનમ તેમની સાથે રહેતી હતી. કુંતલે માતાના કથિત ત્રાસ અંગે તેની મિત્ર જૂલી વોન્ગને પાઠવેલા અનેક ઈમેઈલ્સમાં બળાપો વ્યક્ત કર્યો હતો.
પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે, ‘તે નિયમિતપણે ખરાબ અને રંગભેદી અપશબ્દો બોલતી હતી. ઘણી વાર તો તેનું વર્તન હિંસક પણ રહેતું હતું. તે પુત્રીઓનાં જીવનના દરેક પાસા પર અંકુશ રાખવા ઈચ્છતી હતી. આ ઉપરાંત, તેણે કુંતલને પ્રેમી સાથે લગ્ન કરવા મનાઈ ફરમાવી હતી. તે કુંતલને કેદમાં રાખવા ઉપરાંત માર પણ મારતી હતી. કાવાદાવા, બળજબરીમાં હોંશિયાર અને સ્વાર્થી હોવાં છતાં મીના પટેલને મારવાનું યોગ્ય નહોતું.
કુંતલની નિરજ કાકડ સાથે પ્રથમ મુલાકાત ઈન્ટરનેટ ડેટિંગ સર્વીસ શાદીડોટકોમ દ્વારા થઈ હતી. માતાના ખરાબ વર્તન અને લગ્નની મનાઈ છતાં નવેમ્બર ૨૦૧૨માં તેમણે સગાઈ કરી હતી. માતાએ પ્રેમી સાથે લગ્ન કરવાની મનાઈ ફરમાવી ત્યારે કુંતલે વગર મંજૂરીએ લગ્ન કરવાને બદલે ગણતરીપૂર્વકના આયોજન સાથે માતાની હત્યાનો કારસો ઘડી કાઢ્યો હતો. યુએસ ટીવી સીરિયલ ‘બ્રેકિંગ બેડ’માંથી પ્રેરણા લઈ તેણે ઈન્ટરનેટ દ્વારા યુએસએના વેન્ડર પાસેથી જીવલેણ ટોક્સિન એબ્રિન મેળવ્યું હતું.
ગયા ડિસેમ્બરમાં કુંતલે તેની માતાને આ ઝેર ડાયેટ કોકમાં ભેળવીને આપ્યું, પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી. જો આ ઝેર શ્વાસ કે ઈન્જેક્શનના બદલે મોં વાટે લેવામાં આવે તો તેની અસર હજાર ગણી ઘટી જતી હોય છે. વળી, કોકમાં રહેલાં એસિડથી પણ તેની અસરકારકતા ઘટી ગઇ હતી. આમ તેની માતાનો બચાવ થયો હતો. આ પછી, કુંતલે એબ્રિનનો તીવ્ર ડોઝ ખરીદવા પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુએસ ડીલર જેસી કોર્ફે આ ઝેર યુકે મોકલ્યું હોવાની જાણ એફબીઆઈને થતાં તેણે મેટ્રોપોલિટન પોલીસને જાણ કરી અને જાન્યુઆરીમાં કુંતલની ધરપકડ થઈ હતી. કુંતલે હત્યાના પ્રયાસ અને ઝેર મેળવ્યાના આરોપો નકાર્યાં હતાં. જોકે, ઝેર મેળવવા પ્રયાસ કર્યાનું કબૂલ્યું છે. કેસની ટ્રાયલ હજુ ચાલે છે.