આ પ્રસંગે હેરો સ્થિત દાતા શ્રી પ્રદીપભાઈ એમના પત્ની મંજુબેન, પુત્ર પ્રીયેશ (પુત્ર નીકેસ ગેરહાજર) બ્રેન્ટના મેયર અને હેરોના મેયર કાઉન્સિલર અજયભાઈ મારૂ, મેયરેસ, હોસ્પિટલના ડોક્ટર્સ, હેડ નર્સીસ, કીડની ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કિરીટભાઈ મોદી, નવનાત વણિક એસોસિએશનના શ્રી ભુપેન્દ્રભાઈ શાહ, ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ના એડીટર જ્યોત્સનાબેન શાહ વગેરે આમંત્રિતોની હાજરીમાં આ નવું મશીન ભેટ આપવામાં આવ્યું એ અગાઉ યુનિટના ડાયાલીસીસના દર્દીઓની મુલાકાત લઈ એ પ્રક્રિયા સૌએ નજરે નિહાળી. હેરો બરોના ૮૦૦ જેટલા ડાયાલીસીસના દર્દીઓને આ રેનલ યુનિટમાં સારવાર મળી રહી છે.
આ પ્રસંગે ઇમ્પીરીયલ કોલેજ હેલ્થ કેર NHS ટ્રસ્ટના પ્રવક્તાએ દાતાનો આભાર માનતા જણાવ્યું કે, ‘અમારી પાસે અલ્ટ્રા ડીવાઈસ હતું પરંતુ ડાયાલીસીસ ટ્રીટમેન્ટ માટે નસો પકડવાનું કામ કપરૂં હતું. આ નવું મશીન માર્કેટમાં આવ્યું પરંતુ એનો મોટો ખર્ચ કરવો હોસ્પિટલ માટે મુશ્કેલ હતો. આવા સંજોગોમાં અમને આ મશીન ભેટ મળ્યું જે અમારા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.
દાતા પ્રદીપભાઈ શાહ જેઓ ૧૦ વર્ષથી રેનલ યુનિટના દર્દી છે એમણે જણાવ્યું કે, ‘હું લાંબા સમયથી હોસ્પિટલની સેવા લઈ રહ્યો છું. રેનલ યુનિટના ડોક્ટરો અને નર્સો મારી દેખભાળ કરી રહ્યા છે. મારી નાની-મોટી તકલીફોમાં મેન્ટર નીલ ડંકન મને સહન કરવાની શક્તિ આપી રહ્યા છે. સમાજના આ ઋણને અદા કઈ રીતે કરવું? મેં ‘કિડની લાઈફ’ મેગેઝીનમાં નવા મશીનની શોધનો લેખ વાંચ્યો અને પ્રેરણા થઈ કે આ પ્રોજેક્ટ માટે કંઈક કરવું અમારા લક્ષ્યની મંજીલ સુધી અમે ઇશ્વરની કૃપાથી પહોંચી શક્યા. આજે આ મશીન રેનલ યુનિટને ભેટ ધરી અમારી ફરજ અદા કરી રહ્યાનો આનંદ છે.’
આવો સરસ ઉમદા ભાવ હૈયામાં ઉપજ્યો અને પોતાના સમદુઃખીયાની વેદનામાં રાહત મળે એ માટે સક્રિય બની ધારેલ લક્ષ્ય પાર પાડવું એ એક મોટી સિદ્ધિ જ કહેવાય. ધન્ય છે આવા વીરલાને કે જેને આવો સરસ વિચાર સ્ફૂર્યો અને એનો અમલ કર્યો.
વધુમાં પોતાની આપવીતી રજૂ કરતાં પ્રદીપભાઈએ જણાવ્યું કે ૬૦ વર્ષની ઉંમરે કીડનીના દર્દનો ભોગ બન્યા બાદ ૬૫ વર્ષની વયે કીડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયું પરંતુ ત્યારબાદ છ મહિના સરખુ ચાલ્યું અને પછી જે હાલાકી ભોગવી હતી તે ભારે કપરી હતી. આ દૈત્ય જેવા રોગ સામે સાંત્વના મેળવવા મેં સંગીતનો સહારો લીધો, ધાર્મિક વ્યાખાન, મંત્રોનું રટણ તેમજ કુટુંબીજનોની હૂંફે મને શક્તિ બક્ષી, જીવતદાન આપ્યું. આ બધાયમાં હકારાત્મક અભિગમે મારા દર્દ પર શીતળલેપનું કામ કર્યું. એથી મારા જેવા સૌ પીડિતોને મારો સંદેશે છેકે દુઃખમાં હિંમત ન હારવી.
આ સિવાય ઉપસ્થિત સૌ સવિશેષ અતિથિ વિશેષોએ દાતાનો ખાસ આભાર માન્યો.