આ વખતે પણ એવું જ થયું. એક તરફ, નવી દિલ્હીમાં ભારત-ચીન વચ્ચે કરારો થતા હતા ત્યારે બીજી તરફ ચીની સૈનિકો ભારતીય હદમાં ઘૂસી રહ્યા હતા. ચીનમાં સરકારો બદલાઇ પણ તેની દાનત જરા પણ બદલાઇ નથી તેનું આ ઉદાહરણ છે. ભારતે ભૂતકાળની કડવાશો ભૂલી સંબંધોને નવો ઓપ આપવાની ભાવના દર્શાવી છે ત્યારે ચીને પણ નીતિ અને નિયત બદલવી પડશે.
રાજદ્વારી દૃષ્ટિકોણથી જોઇએ તો શી જિનપિંગની ભારત યાત્રા ઐતિહાસિક અને અવિસ્મરણીય બની રહી છે - ગુજરાત માટે તો ખાસ. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે કોઈ મહાસત્તાના વડાએ પાટનગરના બદલે ગુજરાતના અમદાવાદથી ભારતપ્રવાસ શરૂ કર્યો હોય. ચીન સરકારે ગુજરાત સાથે કરારો પણ કર્યા. બાદમાં નવી દિલ્હીમાં બન્ને દેશો વચ્ચે વ્યાપાર, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિતના મુદ્દે ૧૨ કરારો થયા. ચીને ભારતમાં મૂડીરોકાણની પણ જાહેરાત કરી.
ભારત-ચીન દ્વિપક્ષીય સમજૂતી કરારોને બન્ને દેશો વચ્ચેના મતભેદો ઓગળી રહ્યાના સંકેત તરીકે મૂલવાય છે, પણ હકીકત એ છે કે આ સમજૂતીઓ સમયની માગ હતી. આ કરારોમાં ભારતની સાથે સાથે ચીનનાં રાજદ્વારી અને વ્યાવસાયિક હિતો પણ સામેલ છે. ચીન આજે, અત્યારે ભારતની સાથે મિત્ર તરીકે ઊભા રહેવા ઇચ્છે છે તેના મૂળમાં તેનો સ્વાર્થ છે અને તેની પોતાની પણ કેટલીક ચિંતા જોડાયેલી છે. નરેન્દ્ર મોદી દિલ્હીમાં વડા પ્રધાન પદ સંભાળ્યા પછી ભૂતાન, નેપાળ અને જપાનની મુલાકાતે જઇ આવ્યા છે. અને હવે અમેરિકા પ્રવાસે જઇ રહ્યા છે. આ દેશો સાથે ભારતના સંબંધ વધુ ગાઢ બનવાની સીધી અસર ચીન પર પડ્યા વિના રહેવાની નથી. આ સંજોગોમાં ચીનને ભારત સાથે દોસ્તીનો દેખાડો કર્યા વગર છૂટકો નથી. આ પ્રયાસોને દેખાડો ગણાવવા પડે છે કેમ કે જો તે આ સંબંધો અંગે ખરેખર ગંભીર હોત તો શી જિનપિંગના ભારત પ્રવાસ વેળા જ ચીની સેનાએ લદ્દાખમાં ઘૂસણખોરી કરી ન હોત.
ચીનની મુત્સદ્દીગીરી સામે અત્યાર સુધી ભારત ભલે નબળું પડ્યું, પરંતુ હવે માહોલ બદલાયો છે તે ચીને ભૂલવું જોઇએ નહીં. છેલ્લા બે દસકામાં ભારત વધુ મજબૂત બનીને ઉભર્યું છે. ભારત એટલું વિશાળ બજાર ધરાવે છે કે વિશ્વના કોઇ પણ દેશ માટે ભારતની ઉપેક્ષા કરવાનું શક્ય નથી. આથી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ સાથે ગળું ખોંખારીને વાત કરી છે. તેમણે ચીનના પ્રમુખ સાથેની મંત્રણામાં સરહદી વિવાદનો સત્વરે ઉકેલ લાવવા અનુરોધ કર્યોછે. તો અરુણાચલના લોકોને સ્ટેપલ વિઝા અપાય છે તે સામે વાંધો ઉઠાવ્યો છે. પ્રમુખ શિનપિંગે આ મુદ્દાઓ અંગે ઘટતું કરવાની ખાતરી ઉચ્ચારી છે. જોકે તેઓ પોતાના શબ્દો ક્યારે પાળે છે તે તો સમય જ કહેશે, પરંતુ અત્યારે તો મોદી સરકારની વિદેશી નીતિ સફળ થઇ રહી છે એમ કહી શકાય. આજે બંને દેશ વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટા દેશ છે, જો તેઓ એકમેકને સાથ આપે તો વિશ્વની સૌથી મોટી આર્થિક તાકાત તરીકે ઉભરી શકે તેમ છે. પરંતુ આ માટે ચીને સંબંધમાં ઇમાનદારી દાખવવી પડશે.