સ્કોટલેન્ડના લોકોએ ‘આઝાદી’ નકારીઃ યુકેમાં જ રહેવા નિર્ણય

Friday 12th December 2014 10:23 EST
 
 

મતદાનના પરિણામ અનુસાર ૫૫.૩ ટકા લોકોએ બ્રિટનની સાથે રહેવાના પક્ષે અને આઝાદ સ્કોટલેન્ડના પક્ષમાં ૪૪.૭ ટકા લોકોએ મત આપ્યો હતો. બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરને પ્રતિભાવમાં જણાવ્યું હતું કે હવે પેઢીઓ સુધી કે હંમેશના માટે આ મુદ્દાનો અંત આવી ગયો છે. હવે કોઈ વિવાદ રહ્યો નથી, સ્કોટલેન્ડનાં લોકોએ સપષ્ટ જનાદેશ આપી દીધો છે.
યુકેની કોઇ પણ ચૂંટણી કરતાં આ જનમતસંગ્રહમાં સૌથી વધુ એટલે કે ૮૪.૫ ટકા મતદાન થયું હતું. અગાઉ ૧૯૫૦માં યુકેની સંસદીય ચૂંટણીમાં ૮૩.૯ ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત, આ જનમતસંગ્રહમાં યુકેમાં પ્રથમ વખત મતદાનની લઘુતમ ઉંમર ૧૬ વર્ષ કરાઇ હતી. ચૂંટણી માટે મતદાતાઓને અપાયેલી ચિઠ્ઠીમાં ‘શું સ્કોટલેન્ડ એક સ્વતંત્ર દેશ હોવો જોઈએ?’ લખાયું હતું, જેનો ઉત્તર મતદારે ‘હા’ કે ‘ના’માં આપવાનો હતો. સ્કોટલેન્ડની આઝાદીની વિરૂદ્ધમાં ૨૦,૦૧,૯૨૬ (૫૫.૩૦ ટકા) મત અને આઝાદીની તરફેણમાં ૧૬,૧૭,૯૮૯ (૪૪.૭૦ટકા) વોટ પડ્યા હતા. કોઈપણ પક્ષને જીતવા માટે ૧૮,૫૨,૮૨૮ મતની જરૂર હતી. જો જનાદેશ સ્વતંત્ર સ્કોટલેન્ડ તરફી આવ્યો હોત તો ૨૪ માર્ચ ૨૦૧૬ના રોજ સ્કોટલેન્ડને એક અલગ દેશ તરીકે જાહેર કરી દેવાનો હતો.
વોટિંગ અગાઉના આખરી સર્વેમાં જણાવાયું હતું કે, બ્રિટનની સાથે સ્કોટલેન્ડનું ૩૦૯ વર્ષ જૂનું યુનિયન સલામત રહેશે.એક્ઝિટ પોલમાં ૫૪ ટકા લોકોએ બ્રિટન સાથે રહેવાની, જ્યારે ૪૬ ટકા લોકોએ અલગ રહેવાની તરફેણ કરી હતી. જો જનાદેશ સ્કોટલેન્ડની આઝાદીની તરફેણમાં આવ્યો હોત તો સૌથી વધુ નુક્સાન વડા પ્રધાન ડેવિડ કેમરનને થાત. જોકે,વાસ્તવિક નુકસાન લેબર પાર્ટીને થાત કારણકે સ્કોટલેન્ડના ૫૯ સંસદીય મતક્ષેત્રોમાંથી ૪૧ બેઠકો પર આ પાર્ટીનો કબજો છે.
એલેક્સ સાલમોન્ડે રાજીનામું આપ્યું
સ્કોટલેન્ડને બ્રિટનમાંથી આઝાદ કરી અલગ દેશ બનાવવા માટે બે વર્ષ સુધી જોરદાર અભિયાન ચાલ્યું હતું. બેલેટ પેપર પર સ્‍કોટલેન્‍ડે સ્‍વંતત્ર થવુ જોઇએ કે કેમ તેવો ખુબ સરળ પ્રશ્ન કરાયો હતો. પરંતુ આ પ્રશ્ન મહિનાઓ સુધી જોરદાર ચર્ચા જગાવી હતી. આ જનાદેશ સ્કોટલેન્ડને સ્વતંત્ર દેશ બનાવવા સૌથી વધુ પ્રયત્નશીલ સ્કોટલેન્ડ નેશનાલિસ્ટ પાર્ટી માટે મોટા આંચકાસમાન છે. જનમત સંગ્રહમાં પરાજય થતાં રાષ્ટ્રવાદી નેતા એલેક્સ સાલમોન્ડે આજે પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું અને દેશના પ્રથમ મંત્રી તરીકે પણ રાજીનામું આપવાની ઘોષણા કરી હતી.
ગ્લાસગો આઝાદીની તરફેણમાં, એડિનબરા વિરુદ્ધ
બ્રિટનમાં ત્રીજા સૌથી મોટાં શહેર અને સ્કોટલેન્ડની સૌથી મોટી કાઉન્સિલ ગ્લાસગોમાં આઝાદીની તરફેણમાં ૧,૯૪,૭૭૯ વિરુદ્ધ ૧,૬૯,૩૨૭ મત પડ્યા હતા, આમ ગ્લાસગોના રહેવાસીઓએ આઝાદ સ્કોટલેન્ડની તરફેણ કરી હતી. સ્કોટલેન્ડની રાજધાની સમાન એડિનબરાએ ૧,૯૪,૬૩૮ મત વિરુદ્ધ ૧,૨૩,૯૨૭ મતથી સ્કોટલેન્ડની આઝાદીને ફગાવી હતી. એબેરડિન શહેરે ૨૦,૦૦૦ કરતાં વધુ મતનાં માર્જિનથી આઝાદીનો પ્રસ્તાવ ફગાવ્યો હતો.
સ્કોટલેન્ડને કારણે બ્રિટન બન્યું ‘ગ્રેટબ્રિટન’
૧૬૯૦માં સ્કોટલેન્ડની સ્થિતિ અતિ કંગાળ હોવાના કારણે તેણે પનામાના એક ભાગને કોલોનાઇઝ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, સ્કોટલેન્ડ પોતાના અલગ રાજાને પસંદ કરે તેમ બ્રિટન પણ ઇચ્છતું ન હતું. સ્કોટલેન્ડ સન ૧૭૦૬માં બ્રિટનનો હિસ્સો બન્યું હતું ત્યારે એક્ટ ઓફ યુનિયન પસાર કરાયો હતો, જે ૧ મે, ૧૭૦૭ના રોજ લાગુ થયો હતો, તે જ દિવસે ગ્રેટ બ્રિટનની સંસદની પણ રચના કરવામાં આવી હતી. સ્કોટલેન્ડ અને બ્રિટનના એક થવાને પગલે બ્રિટનનું નામ બદલી ગ્રેટ બ્રિટન કે યુનાઈટેડ કિંગ્ડમ રખાયું હતું.


comments powered by Disqus