સ્કોટલેન્ડનો જનમતઃ કેમરનની હવે જ ખરી કસોટી છે

Friday 12th December 2014 10:52 EST
 

સ્કોટિશ પ્રજાએ સ્વતંત્રતા ટાળીને બ્રિટનની સાથે રહેવાનો પોતાનો ચુકાદો આપી દીધો અને બન્ને પક્ષોએ તેને સ્વીકારી પણ કરી લીધો છે. પણ શું વાત માત્ર આટલી જ હતી? ના. વડા પ્રધાન કેમરન અત્યારે ભલે પોરસાતા હોય, પરંતુ અંદરખાને તેઓ પણ જાણે છે કે જનમત જીતી જવાથી ઘાત ટળી ગઇ છે એવું નથી. આગામી દિવસોમાં તેમના માટે એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિ સર્જાય તો નવાઇ નહીં. હવે બધાની નજર એ વાત પર હશે કે બ્રિટન સરકાર સ્કોટલેન્ડની સંસદને વધુ અધિકારો આપવાનું વચન કઇ રીતે પૂરું કરે છે.
જનમત પૂર્વે બ્રિટનના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો - શાસક કોન્ઝર્વેટિવ પક્ષ, સહયોગી લિબરલ ડેમોક્રેટ્સ અને વિપક્ષ લેબર પાર્ટી દ્વારા સહિયારું વચન અપાયું હતું કે જો જનમત અખંડ બ્રિટનની તરફેણમાં આવશે તો તેઓ સ્કોટલેન્ડ જ નહીં, ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડને પણ વધુ સત્તા, વધુ અધિકારોનું હસ્તાંતરણ કરાશે. આ શબ્દો બોલવા જેટલા આસાન છે, એટલો જ તેનો અમલ કઠીન છે. સામાન્ય સંજોગોમાં આ પ્રકારના એકથી વધુ દેશના ફેડરેશન કે સંઘમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તા-અધિકારોની સ્પષ્ટ વહેંચણી થયેલી હોય છે. ભારતનો જ દાખલો લો ને, બંધારણના ઘડવૈયાઓએ ભારે દૂરંદેશી દાખવીને કેન્દ્ર-રાજ્યોની સત્તા વચ્ચે સ્પષ્ટ લક્ષ્મણ રેખા દોરી આપી છે. જેમ કે, વિદેશ, સંરક્ષણ અને આર્થિક નીતિ જેવી બાબતમાં રાજ્યો ચંચુપાત કરી શકતા નથી. બીજી તરફ, રાજ્યો કેન્દ્ર સરકાર હસ્તકના કાર્યક્ષેત્રને બાદ કરતાં પોતાની આગવી નીતિ ઘડી શકે છે. જ્યારે બ્રિટનમાં એવી બંધારણીય જોગવાઇઓનો અભાવ છે. વળી, સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્ધર્ન આયર્લેન્ડને વધુ સત્તા-અધિકારો મળ્યા તો કોર્નવોલ, યોર્કશાયર સહિતના પ્રદેશોમાં પણ આવી માગ ઉઠી શકે છે. આ સંજોગોમાં કેમરન સરકાર માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની શકે છે.
જનમતનું પરિણામ સ્પષ્ટ થયું કે તરત વડા પ્રધાન કેમરને સ્કોટલેન્ડને ટેક્સ, ખર્ચા તેમ જ કલ્યાણકારી યોજનાઓ માટે વધુ અધિકારો આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. કેમરને સ્પષ્ટ કર્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન અને સ્કોટલેન્ડના સાંસદ ગોર્ડન બ્રાઉને તૈયાર કરેલા ટાઇમટેબલ અનુસાર સૂચિત ખરડાની રૂપરેખા જાન્યુઆરી સુધીમાં તૈયાર થઇ જશે.
તમામ પક્ષોએ બ્રાઉનના ટાઇમટેબલને ટેકો આપ્યો છે, પણ ખાટલે મોટી ખોટ એ છે કે વિવિધ મુદ્દે તેમની વચ્ચે મતભેદ પ્રવર્તે છે. જેમ કે, સ્કોટલેન્ડની સંસદને અત્યારે બાર્નેટ ફોર્મ્યુલા અનુસાર આર્થિક સહાય મળે છે. જે અંતર્ગત સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડને વિકાસ યોજના માટે જરૂરી નાણાં તેની વસ્તીના પ્રમાણમાં મળે છે. અત્યારે ત્રણેય મુખ્ય પક્ષો કોઇને કોઇ સ્વરૂપે આ જ ફોર્મ્યુલા ચાલુ રાખવા માગે છે. પરંતુ વર્ષના પ્રારંભે આ જ પક્ષોએ વચન આપ્યું હતું કે તેઓ સ્કોટલેન્ડની સંસદને આવકવેરા સહિત અન્ય કર દ્વારા વધુ નાણાં એકત્ર કરવાનો અધિકાર આપશે. હવે આ અધિકારમાં કેટલી હદે સુધારાવધારા કરવા જોઇએ તે મુદ્દે મતભેદ છે. બ્રિટનના રાજકીય પક્ષોએ આવા મતભેદો દૂર કરવા પડશે. આ સંજોગોમાં કેમરન માટે બ્રિટનના રાજકીય પક્ષો અને સ્કોટલેન્ડની અપેક્ષાઓ વચ્ચે સંતુલન સાધવું આસાન નહીં હોય.
૫૫ ટકા સ્કોટિશ મતદારોએ અખંડ બ્રિટનની તરફેણમાં મત આપ્યો છે, પણ ૪૫ ટકા (૧૬ લાખથી વધુ) મતદારોએ સ્વતંત્ર સ્કોટલેન્ડની તરફેણ કરી છે તેને પણ વડા પ્રધાન કેમરન નજરઅંદાજ કરી શકે તેમ નથી. સ્વતંત્ર સ્કોટલેન્ડની ચળવળના સુકાની ફર્સ્ટ મિનિસ્ટર એલેક્સ સેલ્મંડે હુંકાર કર્યો છે કે ભલે તેઓ મતનો જંગ હારી ગયા, પણ તેમણે હજુ હાર માની નથી. સેલ્મંડે પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને સ્કોટિશ નેશનલ પાર્ટી (એસએનપી)ના નેતા પદેથી રાજીનામું આપતાં સ્પષ્ટ કર્યું છે કે ભલે જનમતમાં હાર્યા, રાજકીય ચળવળ ચાલુ જ રહેશે. આમાં કેમરન માટે સંદેશ સ્પષ્ટ છે - સ્કોટલેન્ડની સ્વતંત્રતાના સમર્થકો મળવા પાત્ર અધિકારોમાં સ્હેજ પણ બાંધછોડ સ્વીકારશે નહીં. આ સંજોગોમાં હવે સહુની નજર એસએનપીના નવેમ્બરમાં યોજાનારા સંમેલન પર છે.


    comments powered by Disqus