પાટણઃ સાંતલપુર અને કચ્છ રણના છેવાડાના ચોરાડ પંથકમાં 1600 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે મંગળવારે વૈશાખ સુદ તેરસના દિવસે આહીર સમાજનાં 48 ગામોમાં એક જ દિવસે એકસાથે કૃષ્ણકુળની ભાતિગળ સંસ્કૃતિને ઉજાગર કરતા રીતરિવાજ મુજબ 600થી વધુ લગ્ન થતાં આહીર સમાજનાં ગામોમાં હર્ષોલ્લાસનો રંગ જામ્યો હતો.
આ વિસ્તારમાં વસતા ચોરાડ વાગડ અને વઢિયાર આહીર સમાજના ઇષ્ટદેવ શ્રીકૃષ્ણના આશરે 1600 વર્ષ પૂર્વે વૈશાખ સુદ તેરસના દિવસે દ્વારકામાં રુક્મિણી સાથે સાત્વિક લગ્ન યોજાયાં હતાં. જેને તેમના કુળગોર ગંગાચાર્યએ જોયાં હતાં. તેમના વર્ણનના આધારે આહીર સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના લગ્ન જે દિવસે જે પહેરવેશમાં અને માહોલમાં થયાં હતાં, એ જ દિવસે એ જ સાત્વિકતા અને ભાતિગળ સંસ્કૃતિ સાથે લગ્ન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે અનુસાર દરવર્ષે વૈશાખ સુદ તેરસે કૃષ્ણના લગ્નની સાંસ્કૃતિક પરંપરા મુજબ સામૂહિક લગ્ન કરવાની પરંપરા આજેપણ અકબંધ છે. જેટલી જૂની આ લગ્નની પરંપરા છે, એટલી જ વિશેષ આ લગ્નની અનોખી રીતરસમો છે. જેમાં સાંજે 5 વાગ્યે વરરાજા જાન જોડી પહોંચે છે. રાત્રે લગ્નના ચાર ફેરા ફરી વહેલી સવારે કન્યાની વિદાય થાય છે.
ડીવાયએસપી નવીન પી. આહિરે જણાવ્યું કે, વર્ષોની પરંપરામાં ભોજન, પહેરવેશ કે લગ્નની પ્રથા કશું બદલાયું નથી. ડીજે-ફટાકડા કે દેખાડા થતા નથી. રૂ. 40થી 50 હજારમાં લગ્ન પૂર્ણ થઈ જાય છે.