ઊંઝાઃ કડવા પાટીદારનાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીની 4 કિ.મી. લાંબી ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જેમાં લાખોની જનમેદની ઊમટી હતી. ઊંઝાવાસીઓએ ધંધા-રોજગાર બંધ રાખી માતાજીની પરિક્રમામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. 24 મે ગુરુવારે પૂનમની સવારે 8:15 કલાકે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રાજુભાઈ રાવલે નિજમંદિરેથી ઉમિયા માતાજીની નગરયાત્રાને લીલીઝંડી આપી હતી. ઉમિયા માતાજીની શાહી સવારી નીકળી ત્યારે ભક્તજનોએ માર્ગમાં સાડીઓ બિછાવી પૂજા-અર્ચના તેમજ આરતી કરી માતાજીનાં વધામણાં કર્યાં હતાં. 4 કિલોમીટરની પરિક્રમા બાદ યાત્રા બપોરે 1:30 વાગ્યે નિજમંદિરે પરત ફરી હતી. આ નગરયાત્રામાં 195 ઝાંખીએ આકર્ષણ જમાવ્યું હતું. ઉપરાંત આરોગ્ય, સુખાકારી અને જનહિતાયનાં ટેબ્લો સહિત ‘ઉમિયા શરણમ્ મમઃ’ના ટેબ્લો વગેરે જનસમુદાય માટે આકર્ષણ જમાવ્યું હતું.