ગાંધીનગરઃ મધ્ય એશિયાના દેશ કિર્ગિસ્તાનની સ્થાનિક સ્થિતિ તંગદિલીભરી થતાં મેડિકલ સહિત ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતથી મુખ્યત્વે સુરત શહેર અને જિલ્લામાંથી ગયેલા 100 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. જેમાં સુરતના 5 અને બનાસકાંઠાના 8 વિદ્યાર્થી પરત ફરશે. એટલું જ નહીં તેમની હાલની પરીક્ષા મુલતવી રાખીને ઓગસ્ટમાં લેવાશે.
અઠવાડિયાથી ટ્રોમામાં
ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓને રહેવું જોખમભર્યું બન્યું છે. સુરતની રહેવાસી રિયા લાઠિયાએે સોશિયલ મીડિયા દ્વારા તેમને બહાર કાઢવા મદદ માગી હતી. સોશિયલ મીડિયા પર જાહેર થયેલી વીડિયો ક્લિપમાં તે જણાવે છે કે, અહીં અમે એક અઠવાડિયાથી ટ્રોમામાં છીએ. અહીં સુરતના 100 વિદ્યાર્થીઓ ફસાયા છે
એરપોર્ટની બહાર કઢાયા
રિયા લાઠિયાએ જણાવ્યું હતું કે, હુમલાની ઘટના વધતાં અમે બધા એરપોર્ટ પર ગયા હતા. ત્યાં અમારા જેવા હજારો વિદ્યાર્થીઓ હતા. આ સ્થિતિમાં એરપોર્ટ પર માણસો વધી જતાં સત્તાધીશોએ બોમ્બ બ્લાસ્ટ થવાનો હોવાનું કહી અમને એરપોર્ટથી કાઢી મૂકી ફ્લેટ પર જવા જણાવ્યું હતું, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા મધરાત્રીએ દરવાજા ઠોકી અને વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂકવામાં આવે છે.
અમે ગમે તેમ કરીને અલ્માટીથી ફ્લાઈટ લઈને ભારત આવીશું. જો કે અમારા જેવા ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ ફ્લેટમાં અને એરપોર્ટ પર ફસાયેલા છે.