કોમેડિયન કપલ ભારતી અને હર્ષ લીંબાચિયા મા અંબાનાં શરણેઃ પુત્રની બાબરી ઉતરાવી

Wednesday 29th May 2024 07:08 EDT
 
 

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ગુજરાત સહિત દેશભરના માઈભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે જાણીતા હાસ્ય કલાકાર ભારતીસિંહે તેમના પતિ અને પુત્ર સાથે શનિવારે 25 મેએ દર્શનાર્થે અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીસિંહ પંજાબી છે, પણ હર્ષ ગુજરાતી છે અે લિંબાચિયા પરિવારની પરંપરા અનુસાર લક્ષની બાબરી ઉતરાવવા અંબાજી પહોંચ્યા હતા.
ગુજરાતમાં સૌથી વધુ બાબરી બહુચરાજી અને અંબાજી ખાતે ઊતારવામાં આવે છે. ત્યારે શનિવારે બોલિવૂડની જાણીતી કોમેડી ક્વીન ભારતીસિંહ પોતાના પતિ હર્ષ લિંબાચિયા અને દીકરા સાથે સવારે અંબાજી આવ્યાં હતાં, જ્યાં તેમણે માન સરોવર ખાતે પોતાના દીકરાની બાબરી ઉતરાવી હતી.
શિખર પર ધ્વજ અર્પણ કર્યો
માન સરોવર ખાતે બાબરી ઉતરાવીને તેઓ અંબાજી મંદિરે દર્શન કરવા પહોચ્યાં હતાં અને મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. ભારતીસિંહના પતિ હર્ષ લિંબાચિયાની બાબરી પણ અંબાજી ખાતે જ ઉતારવામાં આવી હતી. હર્ષ અને ભારતી અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન કરવા અવારનવાર આવતાં હોય છે.


comments powered by Disqus