કોલકાતા ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન

Tuesday 28th May 2024 09:02 EDT
 
 

ચેન્નઈ: બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ વેંકટેશ ઐયરે ફટકારેલા અણનમ બાવન રનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સ એકતરફી ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવીને આઈપીએલ ટ્રોફી જીતી લીધી હતી. આ સાથે જ કોલકાતા ત્રીજી વખત અને 2014 બાદ પ્રથમ વખત ચેમ્પિયન બની છે.
રવિવારે ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર હૈદરાબાદની ટીમે 113 રન નોંધાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 10.3 ઓવરમાં બે વિકેટે 114 રન બનાવીને ફાઇનલ જીતી લીધી હતી.
હૈદરાબાદે આઈપીએલની ફાઈનલમાં લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. આ પહેલાંનો રેકોર્ડ ચેન્નઈના નામે હતો જેણે 2013ની ફાઈનલમાં મુંબઈ સામે નવ વિકેટે 125 રન બનાવ્યા હતા. હૈદરાબાદે આઇપીએલમાં પોતાનો બીજા ક્રમનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. આ પહેલાં તે 2019માં મુંબઈ સામે 96 રનમાં ઓલઆઉટ થઈ હતી.
કોલકાતા અગાઉ 2012 તથા 2014માં ચેમ્પિયન બની હતી. ઇનિંગની નિરાશાજનક શરૂઆત કરનાર હૈદરાબાદની ટીમ 11મી ઓવર સુધીમાં ઓપનર હેડ, રાહુલ ત્રિપાઠી (9) તથા -નીતીશકુમાર (13) સહિત પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આફ્રિકન બેટ્સમેન માર્કરામે 23 બોલમાં 20 તથા સુકાની પેટ કમિન્સે 19 બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર વડે 24 રન -બનાવ્યા હતા જે ટીમ તરફથી બેસ્ટ રહ્યા હતા.
સ્ટાર્કે હૈદરાબાદને સંકટમાં મૂક્યું
આઇપીએલના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે પાવરપ્લેમાં જ બે વિકેટ ઝડપીને હૈદરાબાદને સંકટમાં મુકી દીધું હતું. સ્ટાર્કે પાંચમા બોલે અભિષેક શર્માને (2) ઘાતક આઉટ સ્વિંગર દ્વારા બોલ્ડ કર્યા બાદ પાંચમી ઓવરના બીજા બોલે રાહુલ ત્રિપાઠીને (9) આઉટ કયાં હતા. આ ઉપરાંત અરોરાએ ફોર્મમાં રહેલા ઓપનર ટ્રેવિસ હેડને (0) પેવેલિયન પરત મોકલતા હૈદરાબાદે પાવરપ્લેની છ ઓવરમાં ત્રણ વિકેટે 40 રન બનાવ્યા હતા.
ચેમ્પિયનને રૂ. 20 કરોડ પ્રાઇઝમની
આઇપીએલ 2024ની ટોપ-4 ટીમ માલામાલ થઇ છે. ચેમ્પિયન કોલકાતાને 20 કરોડ તથા રનર્સ-અપ રહેલી હૈદરાબાદની ટીમને 13 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી છે. પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમને સાત કરોડ તથા ચોથા સ્થાને રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમને 6.5 કરોડ રૂપિયાનું ઇનામ અપાયુ છે.
કોહલીને ઓરેન્જ કેપ - હર્ષલને પર્પલ કેપ
સર્વાધિક રન માટેની ઓરેન્જ કેપ ધરાવતી વિરાટ કોહલીને 15 લાખ રૂપિયાનું ઇનામ મળ્યું છે જેણે 15 મેચમાં 741 રન બનાવ્યા હતા. કોહલીને પડકાર ફેંકે તેવો એક પણ બેટ્સમેન તેની આસપાસ પણ નથી. હાઇએસ્ટ વિકેટ ટેકરમાં હર્ષલ પટેલને 15 લાખ રૂપિયાની પ્રાઇઝ મની મળી છે.


comments powered by Disqus