કોલકાતાઃ બાંગ્લાદેશની સત્તારૂઢ પાર્ટી અવામી લીગના સાંસદ અનવારુલ અઝીમ અનાર કોલકાતાના એક ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા. તેમના મોતને લઈને બંગાલ સીઆઇડી દ્વારા ચોંકાવનારી જાણકારી અપાઈ છે.
13 મેથી લાપતા હતા
અનવારુલ અઝીમ કોલકાતા આવ્યા હતા અને 13 મેથી લાપતા હતા. તેમની પુત્રીએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સંપર્ક કરી ન શકી તો તેમણે ભારતમાં તેમના પરિચિત ગોપાલ વિશ્વાસનો સંપર્ક કર્યો હતો. જે બાદ ગોપાલ વિશ્વાસે બારાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફ્લેટમાં હત્યા કરાઈ
હનીટ્રેપમાં ફસાવીને અનવારુલને એક ફ્લેટમાં બોલાવાયા હતા, જ્યાં તેમની ગળું દબાવી હત્યા કર્યા બાદ ભારે વસ્તુથી માથા પર વાર કર્યો હતો. મૃતદેહને સડી જવાથી બચાવવા તેના ઘણા ટુકડા કરી દેવાયા હતા, જે બાદ આ ટુકડાઓને ફ્રિઝરમાં રાખવામાં આવ્યા હતા.
મિત્રએ જ આપી હતી સોપારી
સાંસદ અનવારુલની હત્યા તેમના બાળપણના મિત્ર અખ્તરુઝમાંએ કાવતરું કરી કરાવી છે. અનાવરુલ ફ્લેટ પર પહોંચતાં કોન્ટ્રાક્ટ કિલર્સે તેમની હત્યા કરી હતી.
જે બાદ મુંબઈથી બોલાવાયેલા પ્રોફેશનલ કસાઈ દ્વારા તેમના શરીરના ટુકડા કરાવાયા હતા. આ હત્યાકાંડ માટે રૂ. 5 કરોડની સોપારી અપાઈ હતી. અનવારુલની હત્યા પાછળનું કારણ રૂ. 100 કરોડનું સોનું હોવાનું કહેવાય છે.
ત્રણ શખ્સની ધરપકડ
બાંગ્લાદેશના ગૃહમંત્રીએ બુધવારે કહ્યું કે, બાંગ્લાદેશ પોલીસે આ મામલે યુવતી સહિત 3 શખ્સની ધરપકડ કરી છે, જે તમામ બાંગ્લાદેશી છે. આ એક આયોજનબદ્ધ હત્યા હતી.
દાણચોરીના વિવાદમાં હત્યા
બાંગ્લાદેશના સાંસદ અનવારુલની હત્યા અંગે મોટો ખુલાસો થયો છે. હત્યાનું કાવતરું ત્રણ મહિનાથી ચાલી રહ્યું હતું. હત્યાને અંજામ આપવા માટે 6 લોકોને રૂ. 5 કરોડની સોપારી અપાઈ હતી. બાંગ્લાદેશ પોલીસ સૂત્રો મુજબ અઝીમને ગુનાઇત ગેંગ અને દાણચોરો સાથે સંબંધો હતા. અઝીમ સોના સહિત ડ્રગ્સ, કોસ્મેટિક્સ અને કાપડની દાણચોરીમાં પણ સામેલ હતા.