2024નો મે મહિનો ભારત સહિત સમગ્ર એશિયા માટે આકરો પૂરવાર થઇ રહ્યો છે. ગુજરાત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન માનવીય સહનશક્તિની સીમાઓ વટાવી રહ્યું છે ત્યારે સવાલ ઊભો થઇ રહ્યો છે કે શું માનવજાત ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઇમાં પરાજિત થઇ ચૂકી છે? ક્લાઇમેટ ક્રાઇસિસ સામે લડવા વૈશ્વિક સ્તરે પ્રયાસો થઇ રહ્યાં હોવા છતાં સમગ્ર એશિયામાં હીટવેવ લાંબા અને ઉગ્ર બની રહ્યાં છે. તેનો અર્થ એ થયો કે પર્યાવરણની જાળવણી માટે જે કોઇ પ્રયાસ થઇ રહ્યાં છે તે પુરતાં નથી. અત્યારે ક્લાઇમેટ ચેન્જ પ્રત્યેની જાગૃતિ ટોચ પર હોવા છતાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ક્લાઇમેટ પોલિસીઓ તેમના લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ જઇ રહી છે. હવે તો એવી સ્થિતિ આવીને ઊભી રહી ગઇ છે કે વધી રહેલા તાપમાનને સ્વીકારીને માનવજાતે જીવવું પડશે. કુદરતના ભયાનક સ્વરૂપનો સામનો કરવા માટે માનવજાતને સજ્જ કરવી પડશે. શહેરોને એવી રીતે તૈયાર કરવા પડશે કે જેથી તેઓ ઊંચા તાપમાન સામે ટકી રહે. શહેરી તાપમાન ઘટાડવા માટે સિંગાપોરે ગ્રીન રૂફ અને વર્ટિકલ ગાર્ડનની નીતિ શરૂ કરી છે. શહેરોમાં મોટાપાયે વૃક્ષોનો ઉછેર કરવો પડશે જેથી ઇમારતો ઓછી ગરમ રહે અને વાતાવરણને ઠંડુ કરવામાં મદદ મળી રહે. માણસજાત ક્લાઇમેટ ચેન્જ સામે હારી જાય તે પોષાય તેમ નથી. પર્યાવરણને સંતુલિત કરવા માટે માનવજાતે વ્યૂહાત્મક નીતિઓ અપનાવવી પડશે. ધરતીને ગરમ કરી રહેલી તમામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવું પડશે.