રાજકોટના ગેમિંગ ઝોન અને દિલ્હીની બાળકોની હોસ્પિટલમાં તાજેતરમાં સર્જાયેલી આગની દુર્ઘટનાઓએ ફરી એકવાર ભારતમાં અને વિશેષ કરીને ગુજરાતમાં સુરક્ષા નિયમોના પાલન પર સવાલો સર્જી દીધાં છે. આ બંને દુર્ઘટનામાં મોટી સંખ્યામાં બાળકો સહિત ઓછામાં ઓછા 40 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ભારતમાં છેક 1970થી સુરક્ષા અંગેના નિયમો અસ્તિત્વમાં છે. 1970માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા નેશનલ બિલ્ડિંગ કોડના નિયમો જાહેર કરાયાં હતાં અને 2016માં તેમાં સમયાનુસાર સુધારા કરાયા હતાં. નેશનલ બિલ્ડિંગ કોડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી તમામ એજન્સીઓને કન્સ્ટ્રક્શન જરૂરીયાતો, મેન્ટેનન્સ અને ફાયર સેફ્ટી અંગેની માર્ગદર્શિકા પૂરી પાડે છે. ભારતમાં ફાયર સેવાઓ રાજ્યો હસ્તક આવે છે અને બંધારણના આર્ટિકલ 243 અંતર્ગત નિયમોના પાલનની જવાબદારી મ્યુનિસિપાલિટી, પોલીસ અને કલેક્ટર જેવા સ્થાનિક સત્તામંડળોને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારો આગની દુર્ઘટનાઓ અટકાવવા અને મહામૂલી માનવજિંદગીઓ બચાવવા માટે જવાબદાર છે. પરંતુ સત્તાધારીઓ અને અધિકારીઓની મિલીભગતમાં સુરક્ષા નિયમોની ધરાર અવગણનાના કારણે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મોટી દુર્ઘટનાઓમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં તક્ષશિલા કાંડમાં 22 વિદ્યાર્થી, કાંકરિયામાં રાઇડ તૂટતાં બે સહેલાણી, મોરબીમાં બ્રિજ હોનારતમાં 134 લોકો, વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબતાં 14 બાળકોના મોત બાદ હવે રાજકોટમાં ગેમઝોનની આગમાં 32 લોકોના મોત પછી પણ નિંભર સરકાર અને અધિકારીઓ સુરક્ષા નિયમોની અવગણના સામે આંખ આડા કાન કરતાં શરમાતા નથી. એનસીઆરબીના આંકડા અનુસાર ગુજરાતમાં આગના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં 3176 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દુર્ઘટના સર્જાય ત્યારે રાજ્ય સરકાર સફાળી જાગે છે, એફઆઇઆર કરી મૃતકો અને ઇજાગ્રસ્તોના પરિવારોને તાત્કાલિક વળતર આપી દેવાનું, નાના કર્મચારીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દઇને પોતે કામગીરી કરી લીધાનો સંતોષ માની લેવાનું જાણે કે હવે રૂટિન થઇ ગયું છે. દુર્ઘટના બન્યા બાદ તંત્ર સફાળુ જાગે છે પરંતુ દુર્ઘટના ન બને તે માટેના નિયમોનું પાલન કરવામાં તંત્ર ક્યારેય ગંભીર બનતું નથી. જ્યારે પણ આ પ્રકારની માનવ સર્જિત દુર્ઘટના સર્જાય છે ત્યારે સરકાર અને તેના અધિકારીઓ તપાસના નાટક કરાવીને જવાબદારીમાંથી આબાદ છટકી જાય છે. ગુજરાતમાં બનતી દુર્ઘટનાઓમાં કોઇ દોષીને હજુ સુધી સજા થઇ હોવાનું ધ્યાનમાં આવતું નથી,. સરકારના આદેશો અને કામગીરી માત્ર કાગળ પર જ રહી જાય છે અને નિર્દોષ માનવજિંદગીઓ માનવસર્જિત દુર્ઘટનાઓમાં હોમાતી રહી છે તે આજના ભારત અને ગુજરાતની કડવી વાસ્તવિકતા છે.