ભારતના હાર્દ સમા મધ્યપ્રદેશની રોમાંચક યાત્રા કરવાનું સાહસ તાજેતરમાં મેં અને દેવી પારેખે ખેડ્યું. એ એક ઇશ્વરીય સંકેત જ હશે! અમારી આ યાત્રાના સહભાગી આપ સૌ વાચકો પણ થાવ અને આવા પ્રવાસ કરવાની તક ઝડપી લેવા ઉત્સાહિત બનો એવા શુભ ભાવથી કલમ ઉપાડી છે.
ભોપાળ, પંચમઢી, ઉજ્જૈન, ઇન્દોર, મહેશ્વર, ખંડવા આદી સ્થળોના અમારા સ્વાનુભવના આ પ્રવાસમાં પત્થર યુગના માનવજાતિના સાક્ષી સમી ગુફાઓથી લઇ કુદરતનો કરિશ્મા, ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને આદ્યાત્મિક ધરોહર સહ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ, કુદરતી સંપત્તિ વગેરેની રોમાંચક વિગતોની આપ સૌને આ શાબ્દિક સફર આપના પ્રવાસના શોખને જરૂર પુષ્ટિ આપશે. જીવનમાં જોયું એટલું ભલું!! માનવભવમાં ઇશ્વરે જે બક્ષ્યું છે એને પ્રસાદ સમજી સહર્ષ સ્વીકારીએ તો જ જીવન સાર્થક થયાનો સંતોષ મેળવી શકાય.
દ્વાદશ જ્યોર્તિલિંગોમાંનું એક મહાકાલેશ્વર મંદિર ભક્તજનોનું આસ્થા સ્થળ: નવા બંધાયેલ કોરીડોરના આકર્ષણોમાં ધર્મ, કલા અને ઇતિહાસનો સંગમ
ભારતના મધ્યપ્રદેશની સુપ્રસિધ્ધ ઉજ્જૈન નગરી એની બાહોંમાં માનવજાતિના વિકાસનો, ઇતિહાસનો, સાહિત્ય-સંગીત-કલાનો ખજાનો સમેટીને બેઠી છે. આ નગરીમાં દ્વાદશ જ્યોર્તિલિંગોમાંનું એક માત્ર દક્ષિણામુખી મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ શિવ ભક્તોનું આસ્થાનું સ્થળ છે; તો વળી ઇતિહાસ અને સંશોધકો પ્રેમીઓની જિજ્ઞાસાનું પોષક છે. અમારી આ યાત્રાનો શુભારંભ ૮માર્ચ’૨૪થી કર્યો. નવેક દિવસની અમારી આ યાત્રામાં અમે અઢળક ભાથું મેળવ્યું.
મહાકાલેશ્વરના આંગણામાં પગ મૂકતાં જ આદ્યાત્ત્મિક મેળો જામ્યો હોય તેવી અનુભૂતિ થઇ. એક વાર અત્યારે રાતનો માહોલ તો અનુભવી લઇએ એમ વિચારી અમે અંદર એક ચક્કર માર્યું. જાણે કે મહાકાલેશ્વરની હુકમ થયો હોય એમ અમને દર્શનનો અણમોલ લાભ મળ્યો. કેવી શંભુ ભોલેનાથની કૃપા?!
અમને પંચમઢીના રીસોર્ટમાં એક પોલીસ અધિકારીની મુલાકાત થઇ. એ ભલા અધિકારીએ અમારા માટે પ્રોટોકોલની વ્યવસ્થા કરી જેથી બીજા દિવસે અમને એમની ભલામણથી મહાકાલેશ્વર મહાદેવના દર્શન લાઇનમાં ઉભા રહ્યા વગર કરવાનો પુન: લાભ ગર્ભગૃહ નજીકથી મળ્યો. જીવનની એ ધન્ય પળ ક્યારેય નહિ વિસરાય!
મહાકાલેશ્વરના એ વિશાળ પરિસરને શું ભવ્ય બનાવ્યું છે? ૪૭ એકરની વિશાળ જગ્યામાં પથરાયેલ એ પરિસરમાં ૧૦૮ ભીંતચિત્રો અને શિવ પરિવારની ૯૩ મૂર્તિઓ જેવી કે, શિવ-વિવાહ, શિવ પરિવાર, ત્રિપુરાસર વધ, શિવ પુરાણ, શિવ તાંડવ સ્વરૂપ વગેરેના વિશાળકાય સ્ટેચ્યુસ સહ એક સુંદર સરોવર બનાવ્યું છે. વચમાં શિવજીની મહાકાય પ્રતિમા, સરોવરમાં ગુલાબી રંગના કમળો તેમજ ફુવારાનું મનોરમ્ય દ્રશ્ય, દિવાલો પર શિવ સ્તુતિઓ અને શિવ શિવ સ્ત્રોત કોતરેલા છે. આ અદ્ભુત દ્રશ્ય દેવલોકમાં વિચરણ કરાવે તેવું .અધધ.દિલ ખુશ થઇ જાય એવું સરસ રમ્ય વાતાવરણ. એની કલ્પના કરનાર, એના શિલ્પો બનાવનાર તેમજ એમાં રંગો પૂરનારે જાણે કે એમાં પોતાનો આત્મા રેડ્યો છે!
ચાલકો માટે ૯૦૦ મીટરનો લાંબો રસ્તો અને શોપીંગ મોલમાં પ્રસાદ, ખાણી-પીણીના સ્ટોલ્સ, કલરફુલ બંગડીઓ, શિવના ડમરું, ઢોલ, વિણા જેવા વાજીંત્રોના રમકડાં, સુવેનીયરની દુકાનો વગેરેમાં માનવમેળો જામેલો જ હોય. ૨૦,૦૦૦ યાત્રિકોને સમાવવાની ક્ષમતા હોવાથી ચાલવામાં અગવડતા જેવું જરાક ન લાગે. જય ભોલે શિવશંભુ, શિવોહમ્ શિવોહમ્ ના મંત્રોચ્ચારથી ગુંજતું વાતાવરણ. હજારોની સંખ્યામાં ઉમટતાં ભાવિકોના ચહેરા પર છલકાતો ઉમંગ વર્ણવવા શબ્દો ઝાંખા લાગે. બ્રાહ્મ મૂહુર્તમાં સવારના ૪.૩૦ વાગે થતી ભસ્મ આરતિ માટે રાતથી જ ભક્તો લાંબી લાઇન માટે ઉભા રહે પરંતુ એમના ચહેરા પર થાક કે કંટાળો ના હોય. બસ એ અમૂલ્ય લ્હાવો લેવાની તાલાવેલી સિવાય કશુંય એમને સ્પર્શે નહિ,
૧૧ ઓક્ટોમ્બર ૨૦૨૨ના રોજ આપણા દીર્ધ દ્રષ્ટા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ એનું ભવ્ય પરિસર જનતા માટે ખુલ્લું મૂક્યું. પ્રથમ તબક્કાના આ પ્રોજેક્ટમાં ૧૭ એકરના વિસ્તૃત રૂદ્રસાગર લેક, જેના કિનારે આ મહાકાલેશ્વર મંદિર આવ્યું છે તેનો વિસ્તાર કર્યો. એના બીજા તબક્કાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજથી બારેક વર્ષ પહેલા દેવીબહેને એમના પતિ શ્રી મહેશભાઇ સાથે મહાકાલેશ્વરના દર્શન કરવા આવ્યા હતા ત્યારના અને આજના મહાકાલેશ્વરમાં આભ-જમીનનો ફરક છે. એ વખતે ગંદકી પણ હતી. આજે આટલો વિશાળ પરિસર હોવાછતાં સ્વચ્છતા જળવાઇ છે, પવિત્રતા જળવાઇ છે. આસ્થાની એ ભૂમિને માથું ટેકવતાં હૈયે હરખ થાય છે.
મંદિરની બહાર દરવાજાની દિવાલ પર મોટા-મોટા પોસ્ટરો લાગેલા. એ પર અમારી નજર ગઇ. ઉજ્જૈનમાં ૪૦ દિવસનો વિક્રમોત્સવ ચાલી રહ્યો હોવાની વિગતો એમાં હતી. અમે એ અંગે વધુ માહિતી મેળવી. દરરોજ અલગ-અલગ વિષયો પર દિવસે ત્રિવેણી સંગ્રહાલયના એક હોલમાં વિદ્વાનોના વક્તવ્યો અને કાલીદાસ અકાદમીના ઓડીટોરીયમમાં સાંજે સંગીત-નૃત્ય-નાટકો (કાલિદાસ રચિત નાટકો)ના કાર્યક્રમો નાહ્યાં એટલું પુણ્ય એમ માની અમે એ જોવાની તક પણ ઝડપી લીધી.
એ જમાનાના લોકપ્રિય સમ્રાટ વિક્રમાદિત્યની સ્મૃતિનો આ ઉત્સવ. સમ્રાટ વિક્રમાદિત્યે શકો પર વિજય મેળવ્યો ત્યારથી વિક્રમ સંવતની શરૂઆત થઇ હતી. આમ તો આપણે ત્યાં અનેક સંવતો હતી જેમાંથી દીર્ધજીવી વિક્રમ સંવત રહી. હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર સુદ એકમ (ગુડી પડવો) થી વિક્રમ સંવતની શરુઆત થઇ હતી. જેની ગણના રાષ્ટ્રીય સંવત તરીકે આજે ય થાય છે.મહારાષ્ટ્રીયનો એ દિવસને નવું વરસ તરીકે મનાવે છે.
ત્યાંના સંસ્કૃતિ વિભાગ દ્વારા સ્થાપિત ‘ત્રિવેણી’ કલા સંગ્રહાલય જોવા અમે ગયા. જ્યાં પ્રાચીન કાળથી માંડી સમકાલ સુધી કલાઓને અલગ-અલગ માધ્યમોમાં અભિવ્યક્ત કરાઇ છે. ભારતીય પરંપરાઓની ત્રણ શાશ્વત ધારાઓ - શિવાયન, કૃષ્ણાયન અને શક્તિના આખ્યાનોને કલામાં રૂપાંતરિત કરવાનું કૌશલ્ય આ ત્રિવેણી સંગ્રહાલયમાં જોઇ અમે દંગ થઇ ગયા! અત્રે પ્રદર્શિત કરાયેલ ચિત્ર, શિલ્પ, સંગીત, સાહિત્ય, પ્રતીક વગેરે જીવંત પરંપરાનો એક હિસ્સો છે. પવિત્ર ઉજ્જૈન નગરી મહાકાલનું સ્થાન છે. શ્રી કૃષ્ણની જ્ઞાનસ્થલી અને મા ભગવતી હરસિધ્ધી સ્વરૂપમાં બિરાજમાન છે. નવી પેઢી માટે નવા કલેવરમાં આ આખ્યાનોને વ્યક્ત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં લઇ સમજાવવાનો પ્રયાસ આ સંગ્રહાલયના એક હોલમાં કરાઇ રહ્યો છે. વિવિધ વિદ્વાનો આ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે.
અમે ગયા એ દિવસે ‘શ્રી કૃષ્ણની બાલલીલાઓ’ વિષય પર લખનૌના વક્તા પ્રો.શ્યામદેવ મિશ્રાનું વક્તવ્ય હતું. એ શ્રવણ કરવા અમે ગયા. એમની આગવી રજુઆત શૈલી શ્રોતાઓ પર પકડ જમાવી રહી હતી. એ વખતે અમને સવિશેષ મહેમાન તરીકે નવાજી વિક્રમ રાજાની સ્મૃતિમાં પ્રસિધ્ધ કરાયેલ માહિતી સભર, આકર્ષક કેલેન્ડર ભેટમાં આપ્યું. એની બેગ એટલી સરસ હતી કે સાચવી રાખવાનું મન થાય! ગામમાં વિક્રમાદિત્ય વૈદિક ઘડી પણ એ જમાનાની સાક્ષી બની ઉભી છે. સંસ્કૃત સાહિત્યના મહાન કવિ કાલિદાસની આ ભૂમિ. શાકુન્તલ, મેઘદૂત, કુમારસંભવ સહિતના પાંચ ગ્રંથો એમના સંસ્કૃત સાહિત્યના શિરમોર સમા છે.
સાંજના સમયે કાલિદાસ એકેડેમીના ઓડીટોરીયમમાં દરરોજ ભક્તિ સંગીત, નૃત્યો, નાટક વગેરે જાહેર જનતા માટે યોજાય છે તેનો પણ લાભ લીધો. સાહિત્ય-સંગીત-કલા અમારા પણ પ્રિય વિષયો એથી એ માણવાની ખૂબ મજા આવી. વિદેશી-દેશી તરીકે અમારી જિજ્ઞાસાને બિરદાવતા મહાનુભાવો પણ પ્રવાસમાં મળી રહેતાં હોય છે. કાલિદાસ અકાદમીના પૂર્વ ચાન્સેલર મૂળ પાટણના ગુજરાતી પરંતુ વર્ષોથી ઉજ્જૈનમાં સ્થાયી થયેલ શ્રી સંતોષ પંડ્યા સાથે અમારી મુલાકાત થઇ. એમણે ત્યારે સંસ્કૃતના અને કવિ કાલિદાસના ગ્રંથો પર જેમની માસ્ટરી છે તે ડો. ગૌતમભાઇ પટેલને ય યાદ કર્યા. સદનસીબે અમે એમને અમદાવાદમાં મળ્યા.
એ ઉત્સવમાં ભાગ લેવા ભારતના વિવિધ રાજ્યોના શ્રેષ્ઠ કલાકારો પોતાની કૃતિ રજુ કરવા આવતા અને પ્રેક્ષકોની દાદ મેળવતાં હતાં. આપણી ભવ્ય પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવા મોદી સરકારના આવા વિચારવંત આયોજનો દેશબાંધવોમાં ગૌરવની લાગણી ઉજાગર કરવાના સ્તુત્ય પગલાં ભરે છે એ માટે અભિનંદન!
મહાકાલેશ્વરના ઇતિહાસમાં એક ડોકિયું.
અહિંયા દક્ષિણામૂર્તિ શિવની ગુરુ રૂપે ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે. અત: શૈવો અને શાક્તો બન્ને સંપ્રદાયોમાં સમાનરૂપમાં એની મહત્તા સ્વીકારાઇ છે. જેની રાશિ મિથુન છે. મિથુન રાશિના જાતકો તેમજ અન્ય વ્યક્તિઓ અલ્પાયુવાળા દીર્ધાયુ યાચવા, મૃત્યુ કે રોગ ગ્રસ્ત જીવનને રોગ મુક્ત બનાવવા, ભગવાન શિવના આશીર્વાદ મેળવવા મહાકાલેશ્વરની બાધા સહ એ મોક્ષગામી બનાવે એવી શ્રધ્ધાથી આવે છે. શિવ દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટે છે. અને મહાકાલેશ્વરના પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવે છે. મહાશિવરાત્રીએ અત્રે મહામેળો ભરાય છે. જેમાં લાખો ભક્તોની ભીડ જામે છે. મહાદેવની ભૂમિ
ઉજ્જૈનમાં શિવ મંદિરો સાથે જૈન મંદિરો પણ સારી એવી સંખ્યામાં છે. સનાતન પરંપરાના ધર્મોને સંઘરી બેઠેલ આ ભૂમિ પાવન છે. આ પાવનભૂમિમાં વારંવાર આવવાનું મન થાય એવી છે.
મહાકાલેશ્વરની પૌરાણિક કથા :
ક્ષિપ્રા નદીના કિનારે આવેલ ઉજ્જૈન નગરીનું પ્રાચીન નામ અવન્તિપુરી હતું. એ અવંતિપુરીમાં એક સમયે વેદોના સ્વાધ્યાયમાં સંલગ્ન એક બ્રાહ્મણ નિવાસ કરતા હતા. જેનું નામ વેદપ્રિય હતું. જેવું નામ તેવા જ ગુણ. તેઓ વેદપ્રિય, વૈદિક કર્મોના અનુષ્ઠાનમાં તત્ત્પર રહેતા હતા. દરરોજ અગ્નિહોમ કરતા ને શિવની ઉપાસના કરતા હતા. તે ગૃહસ્થ હતા. તેમને ચાર પુત્રો હતાં. વેદપ્રિય, પ્રિયમેધા, સુકૃત અને સુવ્રત. એ ચારેય પિતાની જેમ ચરિત્રનિષ્ઠ, સદ્ગુણ સંપન્ન અને કર્મનિષ્ઠ હતાં. તેઓ પરમ શિવ ભક્ત તપસ્વી હતા.
સંજોગવશાત્ રત્નપાલ પર્વત ઉપર દુષણ નામનો એક અસૂર બ્રહ્માજીની તપસ્યા કરી રહ્યો હતો. તેની કઠોર તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા. એથી તેનામાં અહંકાર આવી ગયો. ધર્મીઓનો નાશ કરવા તેણે અવન્તિ પર આક્રમણ કર્યું. તેની સેના ઉજ્જૈનની ચારે દિશાઓ નષ્ટ કરવા પ્રવૃત્ત બની. એ વખતે ચારેય બ્રાહ્મણો શિવભક્તિમાં લીન હતાં. તેઓ બ્રાહ્મણોને મારવાનો પ્રયત્ન કરવા જતા હતા એ વખતે શિવલિંગમાંથી ભયંકર અવાજ સાથે એક ખાડો થયો અને એ ખાડામાંથી ભૂતભાવન ભગવાન શંકર પ્રગટ થયા. મહાકાલ શિવે બ્રાહ્મણો પર પ્રસન્ન થઇ વરદાન માગવા કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, ‘આપ મહાકાલ સ્વરૂપે અહિંયા જ સ્થિત થાઓ અને આપના દર્શન કરવાવાળાનો ઉધ્ધાર કરો.’ ભગવાન શિવ ‘એવું જ થશે’ એમ કહી અદ્રશ્ય થઇ ગયા. ત્યાં સ્વયંભૂ - લિંગરૂપી ભગવાન સ્થાપિત થઇ ગયા જે શ્રી મહાકાલેશ્વર કહેવાયા. એની આસપાસ ચારેય દિશાઓમાં ૧-૧ કોષ સુધીની ભૂમિ શિવજીનું સ્થાનક બની ગઇ છે. શ્રી મહાકાલેશ્વરની આ કથા શિવ પુરાણના કોટિ રુદ્ર સંહિતામાં વર્ણવાયેલ છે.
ભારતીય સનાતન પરંપરામાં શિવનું મહત્વ વિશેષ રહ્યું છે. જે રીતે આ બ્રહ્માંડનો કોઇ આરંભ કે અંત નથી તેમ મહાદેવ શિવ પણ અનાદિ છે. સંપૂર્ણ બ્રહ્માંડ શિવમાં સમાયેલ છે. શિવને મહાકાલ કહેવાય છે અર્થાત્ ‘સમય’. પરમાત્માનું આ સ્વરૂપ પરમ કલ્યાણકારી મનાય છે. (ક્રમશ:)