નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે એક મહત્ત્વનો ખુલાસો કર્યો છે. એસ. જયશંકરે કહ્યું કે, પીએમ મોદીએ રશિયા- યુક્રેન યુદ્ધને એક નહીં પણ બે વાર ફોન દ્વારા અટકાવ્યું હતું. એસ. જયશંકરે ઇન્ટરવ્યૂમાં જી-20, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં પાછા લાવવા અને રાષ્ટ્રીય રાજકારણ સાથે સંકળાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે, હું તમને જણાવી શકું છું કે કઈ રીતે અને કોના માટે યુદ્ધ રોકવામાં આવ્યું. તેમણે કહ્યું કે, આપણે એક નહીં બે વાર એવું કામ કરી દેખાડયું. સૌથી પહેલી વાર ખારિકવમાં પાંચમી માર્ચે યુદ્ધ અટકાવ્યું હતું. આપણા વિદ્યાર્થીઓ ભારે ગોળીબાર વચ્ચે સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પુતિનને ફોન કર્યો અને વિદ્યાર્થીઓ માટે રસ્તો ખોલાવ્યો હતો.
વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત માર્ગ બનાવાયો
યુક્રેન, રશિયા, અને મિલેશિયા વચ્ચે લડાઈ ચાલુ હતી. વિદ્યાર્થીઓ જેવા બસ પર સવાર થતા હતા ત્યારે ફાયરિંગ શરૂ થતું હતું. અમે સમસ્યા લઈને વડાપ્રધાન પાસે ગયા ત્યારે પીએમ મોદીએ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી અને આપણા વિદ્યાર્થીઓ માટે માર્ગ બનાવ્યો. ગોળીબાર અટકી ગયા.