અમદાવાદ: ભાજપ અને આરએસએસ વચ્ચે ચાલી રહેલી કોલ્ડ વોરમાં બી. એલ. સંતોષ વધેરાઈ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષને સાવ બાજુ પર મૂકી દેવાયા છે. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ સંતોષને ભાજપમાંથી રવાના કરી દેવાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. સંતોષના સ્થાને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીપદે નરેન્દ્ર મોદીના માનીતા કોઈ નેતાને સંગઠન મહામંત્રી બનાવાશે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, આ રેસમાં અત્યારે ભીખુભાઈ દલસાણિયાનું નામ સૌથી આગળ છે.
ભાજપમાં સંઘના નેતાને સંગઠન મહામંત્રી બનાવવાની પરંપરા છે. સંઘ સાથેના સંઘર્ષના કારણે મોદી સંઘના બીજા કોઈ નેતા પર ભરોસો કરતા નથી, તેથી જૂના વિશ્વાસુ દલસાણિયા પર તેમની નજર ઠરી હોવાનો ભાજપનાં સૂત્રોનો દાવો છે.