ખાનપુરઃ વૃદ્ધાવસ્થામાં પહોંચેલા લોકોનાં લગ્ન સમાજ ખાસ કરીને સંતાનો મુક્તમને સ્વીકારતાં નથી, ત્યારે મહિસાગરના ખાનપુરના અમેઠી ગામે 75 વર્ષીય વર અને 60 વર્ષની વધૂનાં ધામધૂમથી થયેલાં લગ્ને ચર્ચા જગાવી છે. ગામના ડામોર સાયબાભાઈ કુબેરભાઈનાં પત્ની લાંબી બીમારીના કારણે અવસાન પામ્યાં હતાં. દીકરી પણ સાસરે જતી રહેતાં તેઓ એકાકી જીવન જીવતા હતા. જ્યારે 60 વર્ષીય કંકુબહેન પરમાર મામાની દીકરીના ઘરે છેલ્લાં 10 વર્ષથી રહેતાં હતાં. બંનેને ઘડપણમાં એકબીજાનો સહારો મળે તેવા આશયથી કંકુબહેનનાં બહેન દ્વારા આદિવાસી રીતરિવાજ મુજબ તેમનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. લગ્ન બાદ વરરાજા સાયબાભાઈએ જણાવ્યું કે, છોકરીઓનાં લગ્ન થઈ ગયાં અને મારે છોકરો નથી, જેથી ઘડપણમાં લાકડી સાથે સહારા માટે લાડી જોઈએ એટલે લગ્ન કર્યાં છે.