મારું ચીરહરણ થયુંઃ સ્વાતિ માલીવાલ

Wednesday 29th May 2024 07:42 EDT
 
 

નવી દિલ્હીઃ આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે પોતાની સાથે થયેલી મારપીટ મુદ્દે કહ્યું હતું કે, મારું ચીરહરણ તે ઘરમાં થયું હતું અને ચરિત્ર હરણ રોજ કરવામાં આવે છે. સ્વાતિએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસેે તેમના પીએ વિભવ કુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે વિભવ કુમારની ધરપકડ કરી હતી. જો કે, ગત શુક્રવારે કુમારે પણ માલીવાલ સામે વળતી ફરિયાદ નોંધાવતા તેની પર સીએમ કેજરીવાલના સિવિલ લાઇન્સ સ્થિત નિવાસસ્થાને ગેરકાયદે પ્રવેશનો અને પોતાની સાથે શાબ્દિક દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.
માલીવાલે શું કહ્યું હતું?
13 મેના રોજ સવારે 9 વાગે હું સીએમ કેજરીવાલને મળવા તેમના નિવાસ સ્થાને ગઈ હતી. ત્યાં કેજરીવાલનો પીએ વિભવકુમાર ગુસ્સામાં આવ્યો હતો અને શાબ્દિક ટપાટપી બાદ મને થપ્પડ મારી હતી. સ્વાતિએ દાવો કર્યો હતો કે હું મદદ માટે બૂમો પાડી રહી હતી, પરંતુ કોઈ મારી મદદે ન આવ્યું.
બિભવના જામીન ફગાવાયા
આપના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે મારપીટનો આરોપ કરતાં ધરપકડ કરાયેલા બિભવકુમારને તીસ હજારી કોર્ટે જામીન આપવા ઇનકાર કરી દીધો છે. જેથી બિભવ હવે આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે. આ પહેલાં બિભવના વકીલ હરિહરનની દલીલો સાંભળીને સાંસદ સ્વાતિ કોર્ટમાં રડી પડ્યાં હતાં. બિભવ પર 13 મેએ સીએમ હાઉસમાં માલીવાલ સાથે મારપીટ કરવાનો આરોપ છે.


comments powered by Disqus