અમદાવાદ: બીએપીએસ દ્વારા અબુધાબી બાદ હવે ફ્રાન્સના પેરિસમાં પ્રથમ શિખરબદ્ધ હિન્દુ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવી રહ્યું છે. ચોથી મેના રોજ નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે યોજાયેલી એક વિશેષ સભામાં પેરિસ મંદિર પ્રોજેક્ટને ઔપચારિક રીતે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સભામાં 50 વર્ષ પહેલાં શરૂ થયેલી પ.પૂ. યોગીજી મહારાજ અને પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના વિદેશ વિચરણની સફરને વર્ણવતા વીડિયો પ્રસ્તુતિ સાથેનું મોન્ટાજ રજૂ કરવામાં આવ્યું હતું.
પેરિસમાં સાકાર થનારા મંદિરના મોડેલનું મંદિરના મુખ્ય સ્વયંસેવકો અને સ્વામીઓ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. પેરિસમાં 36 વર્ષ અગાઉ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના વિચરણ દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવી હતી, તે જ જગ્યા પર નવા મંદિરનું નિર્માણકાર્ય શરૂ થઇ રહ્યું છે. આ મંદિરના નિર્માણકાર્ય માટે બીએપીએસ સંપ્રદાયના વરિષ્ઠ સંતો અને અગ્રણીઓની દેખરેખ નીચે આયોજન હાથ ધરાયું છે.
પ.પૂ. મહંત સ્વામી અને
પ.પૂ. ઈશ્વરચરણ સ્વામીના આશીર્વચન
ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષોથી પેરિસના ભક્તો અને સ્વયંસેવકો દ્વારા સમગ્ર ફ્રાન્સમાં વિવિધ જગ્યાએ સત્સંગ પ્રવૃત્તિઓના માધ્યમથી મંદિરનિર્માણના વિચારનું બીજ રોપવામાં આવ્યું હતું. નિસ્ડન મંદિરે યોજાયેલા પેરિસ મંદિરના પ્રોજેક્ટ લોન્ચિંગ કાર્યક્રમમાં સદગુરુ ઈશ્વરચરણ સ્વામીએ ફ્રાન્સમાં સાકાર થનારા મંદિર પ્રોજેક્ટના વૈશ્વિક મહત્ત્વની રૂપરેખા આપતો વીડિયો સંદેશ મોકલ્યો હતો. તો સાથે સાથે જ પ.પૂ. મહંત સ્વામી મહારાજે ખાસ રેકોર્ડ કરાયેલા વીડિયો મેસેજ દ્વારા આશીર્વચન આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરનું મોડેલ સ્વંયસેવકો
સામે ખૂલ્લું મુકાયું
પ્રોજેક્ટ લોચીંગ બાદ ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટમાં જોડાઈને સહુ કોઇ પોતાની કાર્યકુશળતા દ્વારા મંદિર નિર્માણમાં ફાળો આપી સમગ્ર યુકે અને યુરોપમાં બીએપીએસ મંદિર પ્રોજેક્ટમાં સહભાગી બની શકે છે. પેરિસમાં બનનાર બીએપીએસ મંદિરના મોડેલનું સ્વામી અને સ્વયંસેવકોની હાજરીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.