અમદાવાદઃ ટીઆરપી દુર્ઘટના બાદ હાઇકોર્ટના એડવોકેટ અમિત પંચાલે રજૂઆત કરી હતી કે, રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કરવા જોઈએ. સરકાર કાયમ ઉચ્ચ અધિકારીને બચાવવા નીચલા અધિકારીઓને ધરી દે છે. દુર્ઘટના માટે પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સીધા જવાબદાર છે. ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે રાજકોટના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનરને સસ્પેન્ડ કેમ ના કરવા? ઘટના બની ત્યારે કોણ કમિશનર હતા તે નહીં 2021થી 2024 સુધીમાં જે કમિશનર આવ્યા તે તમામ જવાબદાર ગણાશે.
હાઇકોર્ટના હુકમોનું પાલન કરાતું નથી
હાઇકોર્ટની ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે, તમારા પોલીસ કે મ્યુનિસિપલ કમિશનર અઢી વર્ષથી શું કરતા હતા? આટલા બધા બિલ્ડિંગો તેમની નજર હેઠળ જ ધમધમે છે અને તેમને દરકાર સુધ્ધાં નથી? અમારા હુકમોનું પાલન પણ નથી કરતા? તેમની સામે શા માટે કોઈ પગલાં ન લેવા તેનો જવાબ આપવામાં આવે.
કાટમાળમાં ન હટાવવા રજૂઆત
ટીઆરપી ગેમિંગ ઝોન બળીને ખાખ થયો તે જગ્યા પરથી કાટમાળ ન હટાવવા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી છે. તેમાં એવી રજૂઆત કરાઈ છે કે કાટમાળની અંદર કેટલાક મહત્ત્વના પુરાવા મળી શકે છે, તેને હટાવી દેવાથી પુરાવાનો નાશ થઈ શકે છે.
હજુ વધુ અધિકારીઓ સામે આકરાં પગલાં લેવાશે: સીટના વડા
ટીઆરપી ગેમઝોનની ઘટનાની તપાસ માટે ખાસ રચાયેલી સીટના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે, તપાસમાં જ કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી જણાશે તેમને બક્ષવામાં નહીં આવે. પ્રાથમિક દૃષ્ટિએ જ મનપા, પોલીસ, માર્ગ અને મકાન ખાતાના જેટલા પણ અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ થઈ છે તે તમામ સામે આકરાં પગલાં લેવાયાં છે. તપાસ દરમિયાન જે અધિકારીની સંડોવણી ખૂલશે તેમની સામે આકરાં પગલાં લેવાશે.
સીટના વડાએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં જે પણ અધિકારી કે કર્મચારીની સીધી સંડોવણી જણાઈ આવી તેવા 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. તપાસના મામલે તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 45થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓનાં નિવેદનો લેવાઈ ચૂક્યાં છે.