ગયા સપ્તાહમાં વડાપ્રધાન રિશી સુનાકે 4 જુલાઇના રોજ સંસદની ચૂંટણી યોજવાની જાહેરાત કરીને રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધાં હતાં. હાલ કન્ઝર્વેટિવ પાર્ટીની સ્થિતિ ડામાડોળ છે. સરકારના વરિષ્ઠ મંત્રીઓ સહિત 79 જેટલાં સાંસદો ફરીવાર ચૂંટણી લડવા ઇચ્છતા નથી. કન્ઝર્વેટિવ પાર્ટી મુખ્ય સ્પર્ધક લેબર પાર્ટીથી લોકપ્રિયતાના મામલે પણ વિવિધ પ્રકારના સરવેમાં 20 કરતાં વધુ પોઇન્ટથી પાછળ છે તેવી સ્થિતિમાં રિશી સુનાકે આ જુગાર કેમ રમી નાખ્યો તેવા સવાલે રાજકીય વિશ્લેષકોને માથું ખંજવાળતા કરી દીધાં છે. એ વાતમાં કોઇ શંકા નથી કે રિશી સુનાકે આર્થિક મોરચે સારી કામગીરી કરી બતાવી છે. ફુગાવાનો દર નિર્ધારિત લક્ષ્યાંક સુધી લાવવામાં સફળતા, જીડીપી વૃદ્ધિદરમાં તમામ જી-7 દેશોમાં દેશને અગ્રીમ સ્થિતિમાં મૂકવા જેવા સુખદ પરિણામોએ રિશી સુનાકને આ જુગાર રમી લેવા પ્રેર્યા હોય તેવું બની શકે છે. દેશને અસર કરતા મહત્વના મુદ્દાઓ પર લેબર પાર્ટી દ્વારા રજૂ કરાતી ઢચુપચુ યોજનાઓના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી માટે મતદારોના મનમાં રહેલી છાપ સુધારવાની ગણતરી પણ તેમના મનમાં હોઇ શકે છે. જોકે વિશ્લેષકો કહે છે કે પ્રતિસ્પર્ધી પાર્ટીની લોકપ્રિયતામાં 20 કરતાં વધુ પોઇન્ટની લીડ સામે બાથ ભીડવામાં અત્યાર સુધીમાં કોઇ પાર્ટી સફળ થઇ શકી નથી. એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે દેશની સ્થિતિ સુધારવામાં આનાથી વધુ સફળતા હાંસલ થઇ શક્શે નહીં તેવી ભીતિના કારણે પણ સુનાકે અત્યારે જ આ જુગાર રમી લેવાનું પસંદ કર્યું હોઇ શકે. પહેલાં એવું અનુમાન હતું કે સુનાક સરકાર ઓટમ બજેટમાં કરવેરામાં ઘટાડા સહિતના પગલાં લઇને પોતાની પાર્ટીની લોકપ્રિયતા વધારવાનો પ્રયાસ કરીને 2024ના અંત ભાગમાં સંસદની ચૂંટણી કરાવશે પરંતુ તે પહેલાના સમયગાળામાં અર્થતંત્રની સ્થિતિ બદતર બને તો શું? બજેટની જોગવાઇઓ કોઇપણ સરકાર માટે પ્રી-ઇલેક્શન ટૂલ બની શકે છે પરંતુ તે સમય આવે ત્યાં સુધીમાં દેશની તિજોરી ખાલી થઇ ચૂકી હોય તો સરકાર જનતાને કોઇ રાહત આપી શકે નહીં. આવી સ્થિતિમાં હાલના સારા આર્થિક પરિણામોનો ઉપયોગ ચૂંટણીમાં કરી લેવાની ગણતરી હોઇ શકે. તાત્કાલિક ચૂંટણી યોજવાના નિર્ણયના કારણે રિશી સુનાકની સ્મોકિંગ બાન, રવાન્ડા ફ્લાઇટ્સ, નો ફોલ્ટ ઇવિક્શનની નાબૂદી જેવા ઘણા નિર્ણયો પર બ્રેક વાગી ચૂકી છે. ત્યારે દેશમાં તાત્કાલિક ચૂંટણી યોજવાનો રિશી સુનાકનો નિર્ણય અત્યંત જોખમી તો છે જ. આ ચૂંટણી કન્ઝર્વેટિવ પાર્ટીનું ભાવિ નક્કી કરવાની સાથે સાથે દેશમાં રાજકીય પરિપેક્ષ્યને પણ નવો આયામ આપશે.