રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટી.આર.પી. મોલમાં શનિવારે સાંજે પાંચ વાગ્યે અચાનક ભીષણ આગ ભભૂકી હતી, જેમાં ગેમઝોનની મજા માણવા આવેલાં બાળકો સહિત 27 લોકો ભડથું થઈ ગયાં હતાં. આગ લાગતાં આશરે 15 લોકોને બચાવી લેવાયા હતા. મૃતદેહ એ હદે બળી ગયા છે કે ઓળખ કરવી પણ મુશ્કેલ છે.
મંજૂરી વગર ગેમઝોન ચાર વર્ષથી ચાલતો હતો
લોકોના અત્યંત દર્દનાક, કમકમાટીભર્યાં મોત માટે તંત્રના આંખ મિંચામણાં જવાબદાર હોવાનું ખૂલ્યું છે. આ ગેમઝોન 4 વર્ષથી ધમધમતો હોવા છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એનઓસી લેવાયું નહોતું અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન નહોતું કરવામાં આવતું.
કેવી રીતે લાગી આગ?
વેકેશનના માહોલમાં શનિવારે મોટી સંખ્યામાં પરિવારો બાળકો સાથે ગેમની મજા માણવા ઊમટ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેમઝોનની ટિકિટ રૂ. 500થી ઘટાડી માત્ર રૂ. 99 કરી દેવામાં આવતાં ભીડ થોડી વધારે ઊમટી હતી, જેમાં ઉપલેટા, ગોંડલથી પણ પરિવારો આવ્યા હતા. સાંજે પોણા પાંચથી પાંચ વાગ્યા દરમિયાન અહીં ચાલતા વેલ્ડિંગના કામ દરમિયાન આગ લાગી હતી, જે કાબૂ બહાર જતાં એસીમાં શોટસર્કિટથી ધડાકો થયો હતો અને તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આગ ફાટી નીકળી હતી. કહેવાઈ રહ્યું છે કે ગેમઝોનમાં જ્વલનશીલ પદાર્થો મોટા પ્રમાણમાં હોવાથી આગ વધુ ફેલાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.
FSLએ 32 પૈકી 17 મૃતદેહની ઓળખ કરી
TRP ગેમિંગ ઝોનની આગમાં સાવ હાડમાંસનું ભડથું થયેલા મૃતદેહની ઓળખ અઘરી થઈ પડી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ મંગળવાર સુધીમાં 32 પૈકી 17 મૃતદેહને DNA ટેસ્ટ રિપોર્ટને આધારે ઓળખી લીધા છે.
4 આરોપીની ધરપકડ, તપાસ સમિતિ નિમાઈ
સ્થિતિની ગંભીરતા સમજી આ કેસની તપાસ માટે એસઆઇટીની રચના કરી દેવામાં આવી છે. તો જવાબદાર વ્યક્તિઓ પર પગલાં લઈ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે પૈકી યુવરાજસિંહ, નીતિન જૈન, રાહુલ રાઠોડને 14 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે, જ્યારે અશોક જાડેજા અને કિરીટસિંહ જાડેજા હજુ ફરાર છે.
ફાયર ઓફિસરના રિપોર્ટ બાદ કેસ લાકડા જેવો
TRP ગેમઝોનમાં ફાયર વિભાગની મંજૂરી વિના જ લાઇસન્સ રિન્યૂ કરાયું હતું. પોલીસે લાઇસન્સ રિન્યૂ કરતા પહેલાં ફાયર વિભાગની મંજૂરી લીધી નહોતી. ફાયર ઓફિસરે નિવેદન આપતાં જણાવ્યું કે, જો ફાયર સેફ્ટીનાં સાધનો હોત તો લોકોના જીવ બચી શક્યા હોત.
પુરાવાનો નાશ કર્યાનો વકીલ એસો.નો આક્ષેપ
દુર્ઘટના બાદ અચાનક તંત્ર હરકતમાં આવ્યું હતું અને JCB તેમજ ડમ્પરો દોડાવીને માત્ર 24 કલાકમાં આખેઆખો ગેમ ઝોન દૂર કરી ત્યાં મેદાન કરવામાં આવ્યું છે. તંત્રની આ કામગીરીને લઈ વકીલ એસોસિયેશને પુરાવાનો નાશ કરી ભીનું સંકેલવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
ખુદ આરોપી પ્રકાશ જૈન આગમાં હોમાયો
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપી પોલીસના કબજામાં છે, જ્યારે બાકીના ફરાર આરોપીઓને શોધવામાં પોલીસ લાગી છે. એફએસએલમાં મોકલાયેલા તેનાં માતાના ડીએનએ તેની સાથે મેચ થતાં આ અંગેની પુષ્ટિ થઈ ચૂકી છે.
મોદીએ રાજકોટ દુર્ઘટનાને દુઃખદ ગણાવી
આગની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરીને સંપૂર્ણ જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ દુર્ઘટના અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરતાં ઇજાગ્રસ્તો સારા થઈ જાય તે માટે પ્રાર્થના કરી હોવાનું પણ જણાવ્યું હતું.
ફોટો પડાવ્યા, પણ કોઈ અધિકારીએ નિરીક્ષણ ન કર્યું
રાજકોટના આ ટીઆરપી ગેમઝોનની માર્ચ 2022માં આઇએએસ અને આઇપીએસ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તે વખતે રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ, એસ.પી. બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને ડીસીપી ઝોન-1 પ્રવીણ મીણા હતા. જેઓ ટીઆરપીમાં જઈને ફોટો પડાવી આવ્યા હતા, પરંતુ લોકસેવક તરીકે એ સ્થળનું નિરીક્ષણ કર્યું નહોતું.
શહેરના કાલાવડ રોડ પર આવેલા ટી.આર.પી. મોલમાં શનિવારે સાંજે પાંચ વાગ્યે અચાનક ભીષણ આગ ભભૂકી હતી, જેમાં ગેમઝોનની મજા માણવા આવેલાં બાળકો સહિત 27 લોકો ભડથું થઈ ગયાં હતાં. આગ લાગતાં આશરે 15 લોકોને બચાવી લેવાયા હતા. મૃતદેહ એ હદે બળી ગયા છે કે ઓળખ કરવી પણ મુશ્કેલ છે.