ગુજરાત સમાચારના સોનેરી સંગત ઝૂમ કાર્યક્રમ પાર્ટ-13માં ફરી એકવાર લોકો માટે જ્ઞાનસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજકાલ આપણી સંસ્કૃતિ અને સ્વાસ્થ્યને નુકસાનકર્તા ખોરાકનું ચલણ વધ્યું છે, ત્યારે ગુજરાત સમાચાર દ્વારા લોકોની આ જીવનશૈલીને અનુરૂપ માર્ગ પર લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જ્ઞાન પીરસવા માટે ખાસ નીતિનભાઈ મહેતા એમબીઈને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓ દ્વારા શાકાહાર અને વિગન જીવનશૈલીના લાભ દર્શાવાયા હતા.
કાર્યક્રમ સંચાલક ગ્રૂપ એડિટર મહેશભાઈ લીલોરીયાના આગ્રહથી માયાબહેન દીપક દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરાઇ હતી. પ્રાર્થના બાદ કાર્યક્રમની બાગડોર તનિષાબહેન ગુજરાથીએ સંભાળી હતી.
તનિષાબહેને મુખ્ય મહેમાન નીતિનભાઈનો પરિચય આપતાં જણાવ્યું કે, તેમનો જન્મ કેન્યાના કિસુમુમાં થયો હતો. સ્વાહિલી, ગુજરાતી, હિન્દી, પંજાબી, અંગ્રેજી ભાષાના જ્ઞાતા નીતિનભાઈ તેમના પૂર્વજોની ભૂમિથી આકર્ષાયા હતા. 8 વર્ષની ઉંમરે તેમનાં માતા-પિતા તેને ભારત લઈ ગયાં, જેણે ભારતની છાપ તેમના મગજમાં ખૂબ ઊંડી પાડી હતી, જે આજસુધી યથાવત્ છે. તેઓ નાની ઉંમરે યુકે ગયા ત્યારપછી તેમણે 40 વર્ષથી સતત યુકેમાં ભારતીય સંસ્કૃતિ અને પ્રાણી કલ્યાણને પ્રોત્સાહન આપ્યું છે.
નીતિન મહેતા ભારતના આધ્યાત્મિક વારસા તેમજ શાકાહાર અને શાકાહારીવાદ પર પ્રખર અને પ્રસિદ્ધ વક્તા છે. તેઓ પ્રાણી અધિકારો માટે સક્રિય પ્રચારક પણ છે. કેન્યા, મોરેશિયસ, નવી દિલ્હી અને પંજાબમાં પ્રથમ શાકાહારી સમાજની સ્થાપના કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તનિષાઃ વેજિટેરિયન હોવામાં અને વિગન હોવામાં શું તફાવત છે?
નીતિનભાઈઃ અમારું કાર્ય 40 વર્ષથી ચાલી રહ્યું છે, જેમાં સી.બી. પટેલે અમને ખૂબ જ સાથ આપ્યો છે. વેજિટેરિયમનિઝમનો સિદ્ધાંત સી.બી. પટેલે યોગ્ય રીતે જાળવી રાખ્યો છે. ત્યાં સુધી કે તેમના અખબારમાં મીટ રેસ્ટોરન્ટ કે હોટેલને પ્રમોટ કરવામાં આવતી હોય. આશરે 30 વર્ષ પહેલાં સી.બી. પટેલે એનિમલ રાઇટ્સ અંગેની ભારતીય વિદ્યાભવનમાં એક ખાસ કોન્ફરન્સ પણ રાખી હતી.
સામાન્ય રીતે વિગનીઝમનો ખૂબ પ્રચાર થઈ રહ્યો છે. આજના સમયે માસ પ્રોડક્શન માટે ગાયોને બાંધી રાખી અકુદરતી રીતે પ્રેગનન્ટ કરવામાં આવે છે. ત્રણ વખત ગાય દ્વારા બચ્ચાને જન્મ આપ્યા બાદ તે અશક્ત બની જાય છે. આ સ્થિતિમાં ગાયોને ડ્રગ્સ દેવામાં આવે છે, જેથી વધુમાં વધુ દૂધ મેળવી શકાય. આ ઉપરાંત વાછરડાને ગાયથી છૂટું પાડી દેવામાં આવે છે, જેથી ગાય કંઈક અંશે તેનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે.આ પાસું સામે આવતાં આજે લાખો લોકો વિગન બની રહ્યા છે, અમુક લોકો તો સીધા માંસાહારીમાંથી વિગન બની ગયા છે.
યોગાની જેમ વેજિટેરિયનીઝમ અને વિગનીઝમ પણ ભારતની દુનિયાને ભેટ છે. આપણી પાસેની સુંદર વસ્તુ આપણે દુનિયાને પીરસવી જોઈએ તેમ હું માનું છું. દુવિધા એ છે કે આપણો સમાજ પહેલેથી વિચારતો આવ્યો છે કે બધા ધર્મ બરોબર છે, આપણે તેમાં કંઈ ખાસ કરવા જેવું નથી. જે અંગ્રેજ પહેલાં શાકાહારી થાય, પછી યોગામાં આવે, પછી મેડિટેશન કરે, એ પછી ગુરુ શોધે, તે પછી ઇન્ડિયા આવે. આમ આપણા ધર્મ તરફ વળવાનું પ્રથમ પગલું વેજિટેરિયનીઝમ અને વિગનીઝમ.
તનિષાઃ એડવોકેટ ફોર એનિમલ રાઇટ્સ બનવા પાછળ તમારી પ્રેરણા શું હતી?
નીતિનભાઈઃ અમે જૈન પરિવાર એટલે નાનપણથી જ અમારામાં તે સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું. હું આશરે 7થી 8 વર્ષનો હતો, ત્યારે કેન્યાની એક ગલીમાં રમતો હતો. તે સમયે એક કૂતરો ત્યાં આવ્યો અને ભસવા લાગ્યો, આ સમયે એક પથ્થર ઉપાડી મેં તેની સામે ફેંકી તેને ડરાવવા પ્રયાસ કર્યો. જો કે તે પથ્થર તેને લાગ્યો અને તેની ચીસ નીકળી ગઈ. આ ચીસ મને હદૃય સુધી સ્પર્શી ગઈ. મને દુઃખ થયું કે મેં આ શું કર્યું? આ પ્રેરણાથી હું ધીમેધીમે આગળ ચાલતો ગયો.
યુકેના કેટલાક અંગ્રેજો અહિંસાના સિદ્ધાંતને એક પગલું આગળ લઈ ગયા છે. પ્રધાનમંત્રી ઋષિ સુનાકે ગત અઠવાડિયે જ યુકેથી લાઇવ એનિમલ એક્સપોર્ટની નિકાસ બંધ કરાવી છે. જ્યારે આવાં પ્રાણીઓ ભરેલી ટ્રક આવે ત્યારે આ કાર્યકરો તેની સામે સૂઈ જાય અને માર પણ સહન કરવો પડ્યો છે. આવી જ એક ઝુંબેશમાં એક યુવતી ટ્રકની નીચે આવી ગઈ અને ગુજરી ગઈ. જેનેે મરણોપરાંત મહાવીર એવોર્ડ અપાયો હતો.આવનારાં 25-50 વર્ષમાં તો અહીંની બહુલ જનસંખ્યા વેજિટેરિયન થઈ જશે. આ સાથે જ આપણી સંસ્કૃતિ અને ધર્મનો પ્રચાર થશે.
તનિષાઃ પ્રાણીઓ માટે નૈતિક જવાબદારી અંગે શું કહેશો?
નીતિનભાઈઃ કમનસીબે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લોકોના મગજમાં ઠસાઈ ગયું હતું કે, જાનવરોને આત્મા નથી. તેને દુઃખ અને સુખની ભાવના પણ નથી, જેને વૈજ્ઞાનિક ઢબે સાબિત પણ કરી દીધું. જે બાદ વેસ્ટર્ન સોસાયટીને જાનવરો પર અત્યાચારનું તેઓને ઓપન લાઇસન્સ મળી ગયું હતું. નૈતિક જવાબદારી દર્શાવતાં આ કામ પરત લેવાની ઝુંબેશ લાંબી ચાલી. થોડાં વર્ષો પહેલાં આ સોસાયટીએ વૈજ્ઞાનિક ઢબે સાબિત કર્યું કે, જાનવરોને અને વનસ્પતિને પણ આત્મા છે, તેમને પણ પીડા અને દુઃખ થાય છે. આપણી સામેનું દબાણ ખૂબ પાવરફુલ છે, જે પૈકી મીટ ઇન્ડસ્ટ્રી ખૂબ પાવરફુલ છે, જે ઇચ્છે તો આખી ગવર્નમેન્ટને ઉથલાવી શકે છે. આપણે કોઈપણ એવી પ્રોડક્ટ ન લેવી જોઈએ, જેના માટે જાનવર પર પ્રયોગ થયો હોય. એક પેની પણ એવી ન ખર્ચવી જોઈએ, જેનો ઉપયોગ દ્વારા માંસાહારી પ્રવૃત્તિને વેગ મળે.
તનિષાઃ આપને શું-શું બાધા આવી?
નીતિનભાઈઃ આ કાર્ય કરતાં અનેક વખત મને અને અમારા સાથીઓને ધમકી પણ અપાઈ છે. મનુષ્ય જાતિ પોતાનું ગમતું કરી બાદમાં શાસ્ત્રોને બદલાવી દેનારી છે. ઘણા કહે છે કે હું બુધવારે અને શનિવારે મીટ ન ખાઉં, પરંતુ સોમવારે તો તે જીવ મરવાનો જ છે ને! આપણા સમાજમાં લોકો આર્ગ્યુમેન્ટ કરે છે કે, ભગવાન રામે પણ હરણને માર્યું હતું. લોકો સમજતા નથી કે તે તો રાક્ષસ હતો. જીસસ ક્રાઇસ્ટે કહ્યું હતું કે ‘તમે કોઈને મારશો નહીં.’ જો કે આજનો ક્રિશ્ચન સમાજ આ અંગે કહે છે કે, ના-ના એ તો કહે છે કે કોઈ માણસને નહીં મારવાના, અન્યને તો મારી શકાય. દરેક સમાજ પોતાના સ્વાર્થ અને સ્વાદ ખાતર વાતને પલટી નાખે છે.
સી.બી. પટેલઃ પશુપ્રેમ, જીવદયા, શાકાહાર શબ્દ પોલા નથી. મને 88 વર્ષ થયા અને હું શુદ્ધ શાકાહારી છું. મારી દૃષ્ટિએ મારી સનાતન પરંપરા છે તે મુજબ જૈન, હિન્દુ, બૌદ્ધિસ્ટ અને શીખ તમામ વારસાનો હું વારસદાર છું. નીતિનભાઈ તમે જે હિંમત કરી તે બદલ તમે આભારને પાત્ર છો.
નીતિનભાઈ મહેતા દ્વારા શાકાહાર અને વિગન આહાર અંગે ચર્ચા કર્યા બાદ ગુજરાત સમાચારના બ્યૂરો ચીફ નિલેશભાઈ પરમાર દ્વારા દેશ-દુનિયાના સમાચારનું મંચન કરવામાં આવ્યું.
સી.બી. પટેલઃ આવતા ગુરુવારે 30 મેએ એક સરળ વિષય સાથે આપણે ‘સોનેરી સંગત’ કાર્યક્રમ કરીશું. 30 મેએ આપણે ‘મારી, તમારી અને આપણી વાત’ કરીશું. આ કાર્યક્રમમાં આપણે યુકે કેમ આવ્યા, શરૂઆતમાં નડેલા પ્રશ્નો, આપણી ખાટીમીઠી વાતો કરીશું. ભારત આપણી જન્મભૂમિ અને હોય, પણ બ્રિટન આપણો દેશ છે. એ અર્થમાં આપણે આવતા ગુરુવારે મળીશું અને વાતો કરીશું ‘મારી, તમારી અને આપણી વાત’.